વિસનગર માર્ગ મકાન વિભાગની નિષ્ક્રિયતાના કારણે દેણપ તરફનો નવો બનાવેલ સીસી રોડ તુટવાની શક્યતા
વિસનગરમા વિકાસ કામ થાય છે પરંતુ તેની દેખરેખ રાખવામા તંત્ર નિષ્ફળ છે. થોડા સમય પહેલા જ દેણપ રોડ ઉપર નવો બનાવેલ સીસી રોડની સાઈડો પુરવામા નહી આવતા તેમજ ઘુળીમાના પરા આગળ ઉભરાતી ગટર રીપેરીંગ કરવામા નહી આવતા રોડ તુટી જવાની પુરેપુરી શક્યતા છે.
વિસનગરમા દેણપ ત્રણ રસ્તાથી દેણપ તરફનો રોડ ઘણા સમયથી બીસ્માર હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી રૂ ૭ કરોડના ખર્ચે એક વર્ષ પહેલા જ આરસીસી રોડ બનાવવામા આવ્યો છે. આ નવા બનેલા રોડની બન્ને સાઈડો હજુ પુરવામા આવી નથી. રોડ બનાવ્યા બાદ સાઈડો પુરવાની જવાબદારી માર્ગ મકાન વિભાગની છે. પરંતુ સાઈડો પુરવામા નહી આવતા ઘણી વખત રાત્રે વાહનોની લાઈટોના તેજ પ્રકાશથી ટુ વ્હીલર ચાલકો અંજાઈ જતા રોડની સાઈડમા ઉતરી જવાથી અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સાઈડો પુરવામા નહી આવતા ભારે વાહનના કારણે સીસીરોડની ધાર તુટી જતા રોડને નુકશાન થઈ રહ્યુ છે.
આ રોડ ઉપર ધુળીમાના પરા આગળ ગટર ઉભરાય છે. આ પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષથી છે પાલિકા તંત્ર જેટીગ મોકલી કામ ચલાઉ રીપેરીંગ કરે છે. પરંતુ ગટર ન ઉભરાય તેનો કાયમી ઉકેલ લાવવામા આવતો નથી. નવા બનાવેલ સીસી રોડમા ગટરનુ પાણી ભરાવાના કારણે પણ રોડ તુટવાની પુરેપુરી શક્યતા છે. અત્યાર સુધી ડામર રોડ જ બનાવવામા આવતો હતો. જે વારંવાર તુટી જતા ખાડા પડવાથી લોકો હેરાન થતા હોવાથી સીસીરોડ બનાવવામા આવ્યો છે. પરંતુ જો રોડની સાઈડો પુરવામા નહી આવે અને ઉભરાતી ગટરનુ પાણી ભરાય છે તેનો નિકાલ કરવામા નહી આવે તો રોડ તુટી જશે. સીસીરોડ તુટશે તો તેનુ રીપેરીંગ કરવુ મુશ્કેલ બનશે.