Select Page

નૂતન હાઈસ્કુલ સામે કચરીયા સ્ટોલના દબાણોથી ટ્રાફિક સમસ્યા

નૂતન હાઈસ્કુલ સામે કચરીયા સ્ટોલના દબાણોથી ટ્રાફિક સમસ્યા

વિસનગર નગરપાલિકાના સત્તાધિશોના છુપા આશિર્વાદથી

  • કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે શહેરમાં કરેલા કરોડો રૂપિયાના વિકાસકાર્યો અને વિરોધપક્ષની નિષ્ક્રીયતાના લીધે પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપને સત્તા મળી છે

વિસનગર ગંજ બજાર રેલ્વે ફાટક પાસે નૂતન હાઈસ્કુલની સામે છેલ્લા બે મહિનાથી કચરીયાના વેપારીઓના દબાણોથી આ રોડ ઉપર અવાર નવાર ટ્રાફીક જામ થાય છે. છતાં પાલિકાના સત્તાધિશો ગમે તે કારણે આ દબાણો હટાવવા કોઈ કાર્યવાહી કરતા નથી. શું આ દબાણોથી પાલિકાના સત્તાધિશોને કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે? તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે.
વિસનગરમાં આઈ.ટી.આઈ. રેલ્વે ફાટક પાસે ઓવરબ્રીજ તથા શહેરમાં ચાલતા અન્ય વિકાસકામોના કારણે શહેરના દરેક માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. ત્યારે પાલિકાતંત્ર અને પોલીસ આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા હતા. જેના કારણે પોલીસ અને પાલિકાતંત્ર ઉપર લોકોમાં ભારે રોષ ઉભો થયો હતો. શહેરના લોકો આવનારી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપવાનો જાહેરમાં બળાપો કાઢી રહ્યા હતા. ત્યારે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી તથા શહેર પી.આઈ.કે.બી.પટેલ સાથે મિટીંગો કરી શહેરની ટ્રાફિક સમસ્યાનો વૈકલ્પીક ઉકેલ લાવ્યા હતા. જેમા શહેર પી.આઈ.કે.બી.પટેલના કડક વલણથી આજે શહેરના મોટાભાગના માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો છે. પરંતુ પાલિકાના સત્તાધિશોના છુપા આશિર્વાદથી અત્યારે નૂતન હાઈસ્કુલ સામે કચરીયાના વેપારીઓના દબાણોથી અવાર નવાર ટ્રાફિક જામ થાય છે. જેમાં ટ્રેનના સમયે ફાટક બંધ થતા આ જગ્યાએ વાહનોનો ચક્કાજામ થાય છે. છતાં પાલિકાના સત્તાધિશો વાહન ચાલકોની પડતી હેરાનગતી દુર કરવા કચરીયાના સ્ટોલના દબાણો દુર કરવા કોઈ કાર્યવાહી કરતા નથી. જેના કારણે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ઉપર લોકોમાં ભારે રોષ છે. લોકોમાં એવી ચર્ચા છે કે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલની વહીવટી અણ આવડત અને ઉડાઉ જવાબોથી ભાજપ બદનામ થયુ છે. પ્રમુખના અણઘડ વહીવટથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. પ્રમુખ શહેરનો વિકાસ કરવા કરતા પોતાનો વિકાસ કરવામાં વધુ રસ હોવાથી શહેરની પ્રજા હેરાન થઈ રહી છે. આ તો કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે શહેરમાં કરેલા કરોડો રૂપિયાના વિકાસકામો અને વિરોધપક્ષની નિષ્ક્રીયતાના લીધે આજે પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપને સત્તા મળી છે. જોકે પ્રમુખ ઉત્તમભાઈ પટેલના ઉડાઉ જવાબો અને અણઘડ વહીવટ આવનારી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપને નુકશાન પહોચાડશે તેવી રાજકીય વિશ્લેેષકોએ આગાહી કરી છે.