રસુલપુરથી ચિમનાબાઈ સરોવરનુ ડાયરેક્ટ પાઈપ લાઈન – ર૬ કરોડનુ ટેન્ડરીંગ
- ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ખેરાલુ તાલુકાના ખેડુતોનુ સપનુ સાકાર કર્યુ
ખેરાલુ તાલુકા માટે ચિમનાબાઈ સરોવર એ જીવાદોરી છે. જે રીતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના ધારાસભ્ય કાર્યકાળમા વરસંગ તળાવમા ડાયરેક્ટ નર્મદાનુ પાણી નાંખવાની પાઈપ લાઈન આશરે ૪પ કરોડમા તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંજૂર કરી તે જ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે રૂા.ર૬ કરોડના ખર્ચે પાઈપલાઈનનુ ટેન્ડરીંગ કરી દેવાયુ છે.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ચુંટાયા પછી ખેરાલુ તાલુકાના લોકોને વચન આપ્યુ હતુ કે મોઢેરા- ધરોઈ- રસુલપુર પંપિંગ સ્ટેશનથી ડાયરેક્ટર પાઈપ લાઈન થી ચિમનાબાઈ સરોવર ભરાશે. તે વચનની પૂર્તિ કરી કહેવાશે. રસુલપુર થી ચિમનાબાઈ સરોવર ૭-૮ કી.મી. દૂર છે. જેથી ટેન્ડર ખુલ્યા પછી યુધ્ધના ધોરણે ઉનાળામા પહેલા કામ શરૂ થઈ જશે. ૭-૮ કી.મીની પાઈપ લાઈન નાંખવામા બે કે ત્રણ મહિનાનો સમય પસાર થશે. કોન્ટ્રાક્ટર સમય મર્યાદામા કામ પૂર્ણ કરશે તો આગામી ચોમાસામા રસુલપુર પંપીંગ સ્ટેશનથી ચિમનાબાઈ સરોવર સુધી પાણી પહોચશે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે ચિમનાબાઈ સરોવરથી ખેરાલુ રૂપેણ નદીના પુલ સુધીમા આવતા તમામ ચેક ડેમ બારેમાસ ભરેલા રહે તેવી વ્યવસ્થા કરવામા આવશે.
ખેરાલુ તાલુકા માટે ચિમનાબાઈ સરોવર ભરેલુ રહે તો સોનાનો સુરજ ઉગ્યો કહેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ૧૯૯૭ થી શરુ કરેલો સંઘર્ષ ર૮-ર૯ વર્ષે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પૂર્ણ કર્યો કહેવાશે. ચિમનાબાઈ સરોવર ભરેલુ રહેશે તો પાણીના તળ હાલ રપ૦ થી ૪૦૦ ફુટે છે તે ઉંચા આવશે. ખેડુતોની ખેતી અને પશુપાલન સમૃધ્ધ થશેે.