વિસનગરમાં વર્ષો બાદ ITIની જમીન ‘શ્રી સરકાર’ કરવા મથામણ
તાલુકામાં દાતાના નામે ચાલતી કચેરીઓની જમીન શોધીને સરકારના નામે ચઢાવવાની તંત્રની ઝુંબેશ
- આજે જમીનોના ભાવ આસમાને જતા કેટલાક દાતાઓ અને તેમના વારસદારોની દાનત બગડતા વહીવટી તંત્ર આવી સરકાર હસ્તકની જમીનો “શ્રી સરકાર” કરવા વર્ષો જુના રેકર્ડ ફંફોળી રહ્યા છે
અત્યારે મહેસાણા જિલ્લામાં મહેસૂલ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાયકાઓથી દાતાના નામે ચાલતી સરકારી કચેરીઓને શ્રી સરકાર કરવાની જટિલ કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં વિસનગરમાં દાયકાઓથી રેકર્ડ ઉપર દાતાના નામે ચાલતી આઈટીઆઈ કોલેજની જમીન શ્રી સરકાર (સરકાર હસ્તક)કરવા તાલુકા અને જિલ્લાનું વહીવટીતંત્ર મથામણ કરી રહ્યું છે.આમ વિસનગર સહિત જિલ્લાનું વહીવટી તંત્ર દાયકાઓ જૂની પોતાની વહીવટી ભૂલો સુધારવા તાલુકાની આવી સરકાર હસ્તકની જમીનો શોધી શ્રી સરકાર કરવા યુદ્ધના ધોરણે દોડતું થયું છે.
વિસનગર સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં દાયકાઓ પહેલા ગામડાઓના વિકાસ માટે અનેક શ્રેષ્ઠીઓ અને દાનવીરોનો અમૂલ્ય ફાળો છે.આ સમયે ગામના સુખી સંપન્ન ખેડૂતો અને જાગીરદારો ગામમાં શાળાઓ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,પશુ દવાખાના,સહિત અન્ય સરકારી કચેરીની ગ્રામજનોને સુવિધા પૂરી પાડવા માટે પોતાની કિંમતી જમીનો વિનામૂલ્યે સરકારને દાનમાં આપતા હતા.ત્યારે સરકારે દાતાઓની લાગણી અને વિકાસના કામોને પ્રાથમિકતા આપી દાનમાં આવેલી જમીનનો કબજો લઈને ત્યાં સરકારી ઈમારતોનું બાંધકામ કર્યું હતું.પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં દાનમાં આપેલી જમીનના નામમાં સરકારી રેકર્ડ ઉપર ફેરફાર કરવાની કાયદેસરની પ્રક્રિયા અધૂરી રહી ગઈ હતી.પરિણામે આજે કેટલીય સરકારી કચેરીઓ,શાળાઓ,પંચાયત ઘરો,અને આરોગ્ય કેન્દ્રોની જમીનો આજે પણ મહેસૂલી રેકર્ડ (૭/૧૨) ઉપર મૂળ માલિક (દાતા) કે તેમના વારસદારોના નામો ચાલે છે.જોકે વર્ષો પહેલા આ જમીનોની કિંમત નહિવત હતી.પરંતુ આજે દરેક શહેરોમાં દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થતા જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે.જેના કારણે કેટલાક દાતાઓના વારસદારોની દાનત બગડી રહી છે.જેમાં મહેસાણા જિલ્લાના વિસનગર અને કડી તાલુકામાં દાતાના વારસદારોના નામે ચાલતી સરકારી જમીનનો વેચાણ દસ્તાવેજ થતા સમગ્ર તાલુકા અને જિલ્લાનું વહીવટી તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિસનગર અને કડીના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓને દાતાના નામે ચાલતી આવી સરકારી જમીનો શોધવા સૂચના આપવામાં આવી છે.ત્યારે અત્યારે તાલુકાના તલાટીઓ અને મહેસૂલ ખાતાના કર્મચારીઓ સરકારી હસ્તકની તમામ જમીનોના વર્ષો જૂના રેકર્ડ ફંફોળી તેની યાદી તૈયાર કરી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વિસનગરમાં દાયકાઓ પહેલા દાતાઓના દાનથી ઊભી થયેલી આઇ.ટી.આઈ કોલેજની વિશાળ જમીન મૂળ માલિક (દાતા)ના નામે ચાલતી હોવાનું જાણવા મળતા મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ આ જમીનને શ્રી સરકાર કરવા મથામણ કરી રહ્યા છે.આ ઉપરાંત જિલ્લા કલેકટર અને ડીડીઓએ તાલુકાના દરેક ગામના તલાટી કમ મંત્રીને તેમના ગામમાં આવેલી દરેક સરકારી મિલકતોના પ્રોપર્ટી કાર્ડ અને ૭/૧૨ના ઉતારાની ચોકસાઈ કરવાનો આદેશ આપતા અત્યારે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનું વહીવટી તંત્ર દોડતુ થયું છે.ત્યારે આગામી સમયમાં વિસનગર તાલુકામાં દાતાના કે તેમના વારસદારોના નામે ચાલતી કેટલી જમીનો સફળતાપૂર્વક ’શ્રીસરકાર’ થાય છે અને કેટલા કિસ્સામાં કાયદાકીય લડાઈ ઊભી થાય છે તે જોવું રહ્યું.