Select Page

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ મોટી યોજના ભેટ આપવા સક્રીય ગંદકી-મચ્છરો અને ટ્રાફીકથી મુક્ત કરવા કેનાલ ડેવલપમેન્ટ ડ્રોન સર્વે

કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ મોટી યોજના  ભેટ આપવા સક્રીય ગંદકી-મચ્છરો અને ટ્રાફીકથી મુક્ત કરવા કેનાલ ડેવલપમેન્ટ ડ્રોન સર્વે

વિસનગર શહેરમધ્યેથી પસાર થતી ખુલ્લી કેનાલના કારણે ગંદકી અને મચ્છરોથી શહેરીજનો ત્રાસી ગયા છે. ત્યારે વર્ષો જુની ગંદકી અને મચ્છરોના ત્રાસમાંથી મુક્ત કરવા કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સક્રીય થયા છે. ચાર કી.મી.ની કેનાલ નાના વાહનો પસાર થઈ શકે તે રીતે ડેવલપ કરવા ડ્રોન સર્વે કરવામાં આવ્યો છે. જેમા પાર્કિંગ, લારી પાથરણાના નાના વેપારીઓની વ્યવસ્થા ફુટપાથ સાથેનો રોડ બંન્ને બાજુ કુંડીઓ, સ્ટ્રીટ લાઈટ વિગેરે વ્યવસ્થા સાથેનો ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. મંત્રી ઋષિભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી કમલપથ માટે સક્રીય હતા. ત્યારે પાલિકાને ‘અ’ વર્ગનો દરજ્જો મળતા સ્પેશ્યલ પ્રોજેક્ટ અંતર્ગત કરોડોની યોજનાને મંજુરી મળશે.
ઉમિયા માતાના મંદિરથી ઉત્તર કોમર્શિયલ સેન્ટર અને સવાલા દરવાજા નાળાથી મહેસાણા ચાર રસ્તા સુધી નાના વાહનો પસાર થઈ શકશે
વિસનગર મારવાડી વાસથી મહેસાણા ચાર રસ્તા સધીમાતા મંદિર સુધીની શહેર મધ્યેથી પસાર થતી કેનાલ લોકો માટે અભિશાપ સમાન છે. આ ખુલ્લી કેનાલની ગંદકી, દુર્ગંધ અને મચ્છરોથી લોકો ત્રાસી ગયા છે. કેનાલની આસપાસ રહેતા લોકોની હાલત એવી છે કે સાંજે ઘરના બારી બારણા બંધ કર્યા વગર રહી શક્તા નથી. ખુલ્લી કેનાલના કારણે અડધુ શહેર મચ્છરોનો ત્રાસ અનુભવી રહ્યુ છે. કેનાલની ગંદકી, દુર્ગંધ અને મચ્છરોથી ત્રાસી ગયેલા લોકોને એ જાણીને આનંદ થશે કે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની રજુઆતથી રાજ્ય સરકાર દ્વારા કેનાલ ડેવલપમેન્ટ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમા મારવાડીવાસથી મહેસાણા ચાર રસ્તા સુધીજ નહી પરંતુ વડનગર, ખેરાલુ રોડ, હિરોહોન્ડા શો-રૂમથી મહેસાણા રોડ સધીમાતા મંદિર સુધીની ચાર કી.મી.કેનાલ ઢાંકવા તથા તેના વિકાસ માટે ડ્રોન સર્વે કરવામાં આવ્યો છે. સરકારમા ઋષિભાઈ પટેલે મંત્રી તરીકે હવાલો સંભાળ્યા બાદ શહેર અને તાલુકાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે. ત્યારે કરોડોના ખર્ચે કેનાલ ઢાંકવા સાથે સુવિધાયુક્ત બને તે માટે મંત્રી સક્રીય બન્યા છે.
કેનાલના ડ્રોન સર્વેમા કઈ સુવિધાઓ અને શક્યતાઓનો વિચાર કરવામાં આવ્યો છે. તે બાબતે એક મુલાકાતમા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, કેનાલ ઉપર ૭.૫૦ મીટર પહોળાઈનો રોડ બનાવવામાં આવશે. જેમા ઉમિયા માતાના મંદિરથી ત્રણ દરવાજા ટાવર બજરંગ ચોક પાસેના ઉત્તર કોમર્શીયલ સેન્ટર સુધી ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો અવર જવર કરી શકશે. આ ઉપરાંત સવાલા દરવાજા નાળાથી મહેસાણા ચાર રસ્તા થી સધીમાતા મંદિર સુધી પણ નાના વાહનો અવર જવર કરી શકે તેવો પથ બનાવવામાં આવશે. પથ ઉપર એકથી દોઢ મીટર પહોળાઈનો ફુટપાથ તેમજ સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આસપાસના વિસ્તાર કે સોસાયટીની વરસાદી કે ગટર લાઈન જોઈન્ટ કરવા કેનાલ પાસે દર ૩૦ મીટરે કુંડી બનાવવામાં આવશે. આ સીવાય લારી પાથરણાવાળા નાના ફેરીયાઓને ઉભા રહેવાની તથા પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કેનાલ ઉપરના પથ ઉપર સોસાયટીઓના રસ્તા માટે પણ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ મુકવામાં આવશે. પાલિકાને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાથી આ પ્રોજેક્ટ શક્ય નથી. ‘અ’ વર્ગની પાલિકાઓને સ્પેશ્યલ પ્રોજેક્ટનો લાભ આપવામાં આવે છે. જે અંતર્ગત સરકારની સુચના અને માર્ગદર્શનમા કેનાલ ડેવલપ કરવા ડ્રોન સર્વે કરવામાં આવ્યો છે.