તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની પાંચ સીટના સિમાંકન સાથે વિસનગર તાલુકા પંચાયતની ર૪ બેઠકોનુ રોટેશન જાહેર
રાજ્ય ચુંટણી આયોગે વિસનગર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકોનુ રોટેશન જાહેર કરતા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીમા કઈ બેઠક કયા વર્ગ માટે ફાળવવામા આવી છે તે સ્પષ્ટ થઈ ગયુ છે. આ જાહેરાત બાદ ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પક્ષની ટીકીટ મેળવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. જેમા અત્યારે ભાજપના સંભવિત દાવેદારોએ ટીકીટ મેળવવા ભુગર્ભ ધમપછાડા શરૂ કર્યા છે. જોકે આ નવા રોટેશનમા અગાઉથી ચુંટણી લડવા થનગની રહેલા દાવેદારોનુ સપનુ રોળાયુ છે
આગામી માર્ચ મહિનામા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા ડેલીગેટોનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેને પગલે રાજ્ય ચુંટણી આયોગે રોસ્ટર મુજબ આગામી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણી માટે બેઠકોની ફાળવણી કરી છે. જેમા વિસનગર તાલુકા પંચાયતની ર૪ બેઠકોમા બિન અનામત સામાન્ય -૮, સામાન્ય સ્ત્રી-૭, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ (OBC)-૩, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી-૩, અનુસુચિત જાતિ સ્ત્રી ૧, અનુસુચિત જાતિ-૧,તથા અનુસુચિત આદિજાતિ સ્ત્રી ૧,માટે બેઠકો ફાળવવામા આવી છે. જ્યારે વિસનગર તાલુકા પંચાયત સમાવિષ્ટ જીલ્લા પંચાયતની પાંચ બેઠકોમા ભાન્ડુ જીલ્લા સીટ બિન અનામત સામાન્ય, કાંસા જીલ્લા સીટ સામાન્ય સ્ત્રી, ગોઠવા જીલ્લા સીટ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ (OBC) કમાણા જીલ્લા સીટ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ (OBC), તથા ભાલક જીલ્લા સીટ- સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી ઉમેદવાર માટે ફાળવવામા આવી છેે. ચુંટણી આયોગે તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકોની ફાળવણી કરતા રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટેની ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. જેમા ભાજપમા ચુંટણી લડવા દાવેદારોની લાંબી હોડ લાગી છે. જો કે નવા રોટેશનમા વિસનગર તાલુકામા ભાજપમા લગ્ને લગ્ને કુંવારા એવા દાવેદારોનુ ચુંટણી લડવાનુ સપનુ રોળાયુ છે. રાજકીય વિશ્લેષકોના મતે વિસનગર તાલુકામા સમાવિષ્ટ જીલ્લા પંચાયતની પાંચ બેઠકોમા ભાન્ડુ સીટ ઉપર લેઉવા પાટીદાર સમાજનુ પ્રભુત્વ છે. અને આ સીટમાં તરભ, વાલમ, ભાન્ડુ, અને જેતલવાસણા તાલુકા સીટનો સમાવેશ કરવામા આવ્યો છે. જેથી આ જીલ્લા સીટ ઉપર ભાન્ડુ કે વાલમ ગામના લેઉવા પાટીદાર ઉમેદવારને ફાયદો થશે. જ્યારે કાંસા જીલ્લા સીટમા તાલુકાના દેણપ, ઉમતા, ખદલપુર, કાંસા-૧ (વોર્ડ-૩થી ૮ અને ૧ર થી ૧૪) તથા કાંસા ર (બોર્ડ ૧થી ર અને ૯થી ૧૧) ગામનો સમાવેશ કરાયો છે. આ સીટમાં મોટા બાવન કડવા પાટીદાર સમાજના મતો વધુ છે. વધુમા આ તાલુકા સીટમા સવાલા ગામનો પણ સમાવેશ કરાયો છે. જેથી આ જીલ્લા સીટ ઉપર સુખી સંપન્ન અને પ્રતિષ્ઠીત પાટીદાર સમાજના ઉમેદવારને ફાયદો થશે. જ્યારે ગોઠવા જીલ્લા સીટમાં તાલુકાના દઢિયાળ, કુવાસણા, ઉદલપુર તથા ગોઠવા-૧ અને ગોઠવા -ર ના વોર્ડનો સમાવેશ કરાયો છે. આ સીટ ઉપર ઠાકોર સમાજનો વર્ષોથી દબદબો છે. અગાઉ આ સીટ ઉપર ઠાકોર સમાજના ભાજપના ઉમેદવાર ચુંટણી જીત્યા હતા. જેથી આ જીલ્લા સીટમા ઠાકોર સમાજના ઉમેદવારને ટીકીટ ફાળવવામા આવે તો ફાયદો થશે. જ્યારે ભાલક જીલ્લા સીટમાં કડા, રાલીસણા, ભાલક, ગુંજા અને પાલડી તાલુકા સીટનો સમાવેશ કરાયો છે. આ સીટ ઉપર ઈત્તર સમાજ તથા મુસ્લીમ સમાજના મતો વધુ છે. જેથી આ સીટ ઉપર ઠાકોર કે ચૌધરી સમાજના ઉમેદવારને ટીકીટ ફાળવવામાં આવે તો ફાયદો થશે. જ્યારે મગરોડા સીટમાં બાસણા, કંસારાકુઈ, કમાણા અને કાંમલપુર (ખ) નો સમાવેશ કરવામા આવ્યો છે. આ જીલ્લા સીટ સવાલા જીલ્લા પંચાયતની સીટમાંથી વિભાજીત કરીને બનાવવામા આવી છે. પહેલા આ જીલ્લા સીટ ઉપર કોંગ્રેસનો દબદબો હતો. પરંતુ અત્યારે સવાલા ગામનો કાંસા સીટમાં સમાવેશ કરવામા આવતા આ સીટમાં ચૌધરી સમાજના દાવેદારોનો રાફડો ફાટી નીકળશે. જો કે આ સીટ ઉપર ચૌધરી સમાજના ઉમેદવારને ટીકીટ ફાળવવામા આવે તો ફાયદો થશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો ઉપર કયા સમાજના ઉમેદવારોને ચુંટણી જંગના મેદાનમા ઉતારે છે. તે જાણવા પાર્ટીના કાર્યકારો અને રાજકીય વિશ્લેષકો ઉત્સુક બન્યા છે.