સહકાર સંમેલનમાં જવા વૉલ્વો બસ કરી રૂા.૬૫ હજાર ભાડુ ચુકવ્યુ
માર્કેટયાર્ડ ચેરમેનના ખેડૂતો પાછળ નહી પરંતુ અપરંપાર રાજકીય ખર્ચા
વિસનગર માર્કેટયાર્ડ ચેરમેન દ્વારા અત્યારે નિરંકુશ રાજકીય ખર્ચા કરવામાં આવી રહ્યા છે. શેષની આવકનો કોઈ હિસાબ નથી ત્યારે માર્કેટયાર્ડમાં ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા છે. માર્કેટની આવક ખેડૂતોના હિત માટે ખર્ચાવી જોઈએ ત્યારે ચેરમેન તેમની ખુરશીના હિતમાં ખર્ચા કરતા ડિરેક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની આવકના પૈસે ચેરમેન વી.આઈ.પી. સગવડો ભોગવી રહ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચાના એરણે ચડ્યો છે. આવાજ ખર્ચા થતા રહેશે તો માર્કેટયાર્ડનુ શુ થશે તેની વેપારીઓ અને ખેડૂતોએ ચીંતા વ્યક્ત કરી છે.
વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન બન્યા બાદ પ્રિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રથમ મીટીંગમાં અગાઉ દર મીટીંગમાં કાજુ બદામની ડીસો મુકવામાં આવતી હતી તે બંધ કરી ફક્ત ચા ને બીસ્કીટ મુકવા. ભોજનાલયમાં થતા વધારાના ખર્ચા બંધ કરવા, માર્કેટયાર્ડના ખર્ચે ઓછામાં ભાડામાં ફરતી ગાડી કિલોમીટરે ભાડુ વધારવુ વિગેરે સરાહનીય નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રિતેશભાઈ પટેલ ચેરમેન પદે બેસતા માર્કેટના વિકાસ તથા ખેડૂતોના હિત માટે આવકનો ઉપયોગ થશે તેવી આશા હતી. પરંતુ સમય જતાજ માર્કેટયાર્ડનો ખર્ચ બચાવવાના ઠરાવો દેખાવ પુરતા કરવામાં આવ્યા હોવાનુ જોવા મળી રહ્યુ છે.
માર્કેટયાર્ડની આવક ઉપર ફક્ત ને ફક્ત તાલુકાના ખેડૂતો અને માર્કેટયાર્ડના વેપારીઓનોજ હક્ક છે. ત્યારે ચેરમેને આડેધડ રાજકીય ખર્ચા શરૂ કર્યા છે. ચેરમેનની ખુરશી ઉપર બેઠા કે પ્રથમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ સહકાર સંમેલન પાછળ રૂા.૧૦ લાખનો માતબર ખર્ચ કર્યો. ત્યારબાદ તિરૂપતી ઋષિવન દેરોલમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ટી-શર્ટ અને ટોપી આપી રૂા.૧.૮૦ લાખનો ખર્ચ કર્યો. જીલ્લા ભાજપના કિસાન સંમેલનમાં રૂા.૭૦,૦૦૦/- ખર્ચ કર્યો. ચેરમેન ફક્ત રાજકીયજ નહી પોતાની વી.આઈ.પી. સગવડો પુરી પાડવા માટે પણ માર્કેટયાર્ડની આવક ખર્ચવાનો વિચાર કરતા નથી. હમણા થોડા સમય અગાઉ ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ સહકાર સંમેલનમાં જવા માટે અમદાવાદથી સ્પેશ્યલ વૉલ્વો બસ ભાડે કરવામાં આવી હતી. અમદાવાદથી સ્પેશ્યલ વૉલ્વો બસ વિસનગર આવી, વિસનગરથી ગાંધીનગર ગયા, ગાંધીનગરથી વિસનગર આવ્યા અને બસ પરત અમદાવાદ ગઈ. જેનું ભાડુ રૂા.૬૫,૦૦૦/- ચુકવવામાં આવ્યુ. જાણવા મળ્યા પ્રમાણે વૉલ્વો બસમાં ફક્ત ૧૫ થી ૨૦ જણા હતા. સહકાર સંમેલનમાં જવા વિસનગરથી પોતાની ચાર જેટલી ગાડી લઈને ગયા હોત તો પણ રૂા.૫૦૦૦/- ડીઝલનો ખર્ચ થયો હોત. પરંતુ નિરંકુશ બનેલા ચેરમેન દલા તલવાડી જેવુ કરી રહ્યા છે. પોતાની જાતનેજ પુછવાનુ અને પોતાનેજ ભોગવવાનું. માર્કેટયાર્ડના નાણાં વેડફનાર ચેરમેન ઉપર કોઈનો અંકુશ નથી. બે ડીરેક્ટરોએ વધારાના ખર્ચા માટે અમારી કોઈ જવાબદારી નથી તેવુ લખીને આપ્યુ છે. પરંતુ પોતાનો હોદ્દો ટકાવવા તથા અળખા ન થવુ પડે તે માટે જાહેરમાં બોલતા નથી. ડીરેક્ટરો પણ ખેડૂતોના હિતની રક્ષા માટે બેઠા છે કે પછી ચેરમેનના હિતની રક્ષા માટે છે તે સમજાતુ નથી.
હમણાંજ માર્કેટયાર્ડ દ્વારા શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓના હિતમાં રાહતદરે નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યુ. ત્યારે જાણવા મળ્યા પ્રમાણે ચેરમેન તથા એક આગેવાને પોતાના વિસ્તારની શાળાના બાળકોને નોટબુકો આપી. નોટો લેવા શહેર અને તાલુકાના બાળકો તથા વાલીઓ માર્કેટયાર્ડની ઓફીસ આગળ લાઈનોમાં ઉભા રહે, ત્યારે કહેવાતા આ આગેવાનો પોતાના વિસ્તારની સ્કુલોમાં નોટબુકોની લ્હાણી કરે. માર્કેટયાર્ડમાં કેવો વહીવટ ચાલી રહ્યો છે તે સમજાતુ નથી. ચેરમેન દ્વારા થતા ખોટા ખર્ચાને લઈ ડીરેક્ટરોમાં પણ રોષ ફેલાયો છે. પરંતુ ચુપ કેમ છે તે એક પ્રશ્ન છે.