ONGCમાં નોકરીની લાલચ આપી રૂા.૯.૭૫ લાખમાં છેતર્યા
સદુથલાના પિતા પુત્ર લેભાગુ તત્વોનો ભોગ બન્યા
ONGCમાં નોકરીની લાલચ આપી રૂા.૯.૭૫ લાખમાં છેતર્યા
છેતરપીંડી કરનાર ઓ.એન.જી.સી.ની ઓફીસોની મુલાકાત કરાવવાની હિંમત કરતા ઓ.એન.જી.સી.ના અધિકારીઓની પણ ભાગબટાઈની શંકા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અત્યારના બેકારીના યુગમાં સારી નોકરી મેળવવા યુવાનો અને તેમના વાલીઓ ગમે તે કરી છુટવા તૈયાર હોય છે. જે તકનો લાભ લઈ કેટલાક લેભાગુ તત્વો લાલચ આપી ભોગ બનાવતા છેતરપીંડીના બનાવો બને છે. વિસનગર તાલુકાના સદુથલા ગામના પિતા પુત્ર રૂા.૯.૭૫ લાખમાં છેતરાતા ત્રણ વિરુધ્ધ છેતરપીંડી અને ઠગાઈનો ગુનો નોધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સદુથલા ગામના ભરતભાઈ ચતુરભાઈ અંબારામ પટેલના પુત્ર હર્ષદ પટેલ બાસણા કોલેજમાં બી.ઈ.ઈલેક્ટ્રોનીક્સ કરી ગાંધીધામ રેલટેલ કંપનીમાં છ મહિનાથી નોકરી કરતા હતા. હર્ષદ પટેલ સારી નોકરીની તપાસમાં હતા ત્યારે કોલેજમાં સાથે અભ્યાસ કરતો મિત્ર લાડોલ ગામનો ભાર્ગવ નિલેષભાઈ પટેલ મળ્યો હતો. ભાર્ગવ પટેલે હર્ષદ પટેલને જણાવ્યું હતું કે, હું ઓ.એન.જી.સી.માં નોકરી લાગ્યો છુ, તારે નોકરી જોઈતી હોય તો મારી પાસે એક વ્યક્તિનો સંપર્ક છે. ઓ.એન.જી.સી.માં ડીપ્લોમાં ઈસીની કાયમી જગ્યા ખાલી છે તે રેફરન્સથી ભરવાની છે. ભાર્ગવ પટેલે વિજાપુર તાલુકાના ભાવસોર ગામનો ચીંતન દિનેશભાઈ પટેલ(પરમાર) નો સંપર્ક કરાવ્યો હતો.
ચીંતન પટેલે ઓ.એન.જી.સી.ના એચ.આર.તરીકે નોકરી કરતો હોવાનુ જણાવી પોતાની ઓળખાણ આપી હતી. જેણે જણાવ્યુ હતું કે રેફરન્સથી જગ્યા ભરવાની થતી હોઈ ડીપોઝીટ પેટે પૈસા ભરવાના થશે. મારા બેંક ખાતામાં જમા કરવાના થશે. છેલ્લે એપોઈન્ટમેન્ટ લેટર મળ્યા બાદ તમારી ટોટલ રકમ પરત મળી જશે. વિશ્વાસમાં લીધા બાદ ચીંતન પટેલે મેઈલ આઈડી ઉપર માર્કશીટ અને ડૉક્યુમેન્ટ મંગાવ્યા હતા. ચીંતન પટેલ સદુથલા આવી હર્ષદ પટેલના અસલ ડૉક્યુમેન્ટ તથા બે કોરા સ્ટેમ્પ લઈ ગયો હતો. ત્યારબાદ ફરીથી આવી રૂા.૧,૨૫,૦૦૦ રોકડા લઈ ગયો હતો. તા.૧૭-૧૦-૨૦૧૫ થી તા.૫-૧૦-૨૦૧૬ સુધી માગ્યા પ્રમાણે રૂા.૮,૫૦,૩૫૦/- ખાતામાં જમા કરાવ્યા હતા. રકમ ભર્યા બાદ ચીંતન પટેલે હર્ષદ પટેલને ગાંધીનગર સચીવાલયમાં કર્મયોગી ભવન ખાતે બોલાવ્યો હતો. જ્યાં ઓ.એન.જી.સી.ના ઓરીજીનલ સીમ્બોલ મર્કાવાળો એચ.ઓ. ઓ.એન. જી.સી.નો સીક્કો મારી આર.જે.શ્રીવાસ્તવની સહી કરેલો તા.૧૫-૮-૨૦૧૬ ના રોજ લેટર આપ્યો હતો. જેની સાથે અન્ય ડૉક્યુમેન્ટ અને ટ્રેનીંગ લેટર પણ આપ્યો હતો. ત્યારબાદ જગુદણ, અમદાવાદ નારોલ ઓબ્ઝર્વેશન માટે હર્ષદ પટેલને લઈ ગયા હતા.
ચીંતન પટેલે તા.૧૦-૩-૧૭ ના રોજ ઓ.એન.જી.સી. ચાંદખેડા ખાતે મળી હર્ષદ પટેલને જણાવેલ કે તમારૂ કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે પછીની કામગીરી આદર્શ રઘુનાથ ગૌરે ઓ.એન.જી.સી.લી. હૈદરાબાદ વાળા સંભાળશે. જેણે આદર્શ ગૌરે સાથે મોબાઈલ ઉપર વાતચીત પણ કરાવી હતી. ત્યારબાદ તા.૨૭-૩-૧૭ ના રોજ આદર્શ ગૌરેનો ફોન આવેલો અને તા.૩૧-૩-૧૭ ના રોજ ઓ.એન.જી.સી. અવની ભવન અમદાવાદ ખાતે હાજર રહેવા માટે હર્ષદ પટેલને જાણ કરી હતી. જણાવેલ તારીખે હર્ષદ પટેલ અને તેમના પિતા પહોચતા કોઈનો સંપર્ક થયો નહોતો. ચીંતન પટેલ કે આદર્શ ગૌરેનો ફોન ઉપર સંપર્ક કરતા ફોન બંધ બોલતો હતો. નોકરી મેળવવાની લાલચમાં પિતા પુત્રને છેતરાયાની જાણ થઈ હતી. આ બાબતે સદુથલાના ભરતભાઈ ચતુરભાઈ પટેલની ફરિયાદ આધારે પોલીસે પટેલ ચીંતન નિલેષભાઈ (પરમાર), ભાવસોર તા.વિજાપુર, આદર્શ રઘુનાથ ગૌરે ઓ.એન.જી.સી.હૈદરાબાદ તથા પટેલ ભાર્ગવ નિલેષભાઈ જયંતિલાલ રહે.લાડોલ તા.વિજાપુર વિરુધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
છેતરપીંડીના આ બનાવમાં નોંધપાત્ર મહત્વની બાબત તો એ છેકે, આ ગુનામાં ઓ.એન.જી.સી.ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પણ હોવા જોઈએ. ચીંતન પટેલ ઓ.એન.જી.સી. ચાંદખેડા લઈ જાય છે. જગુદણ, અમદાવાદ, નારોલ ઓ.એન.જી.સી.ની ઓફીસો અને સાઈડો ઉપર ઓબ્ઝર્વેશનમાં લઈ જાય છે. છેતરપીંડી કરનાર ઓ.એન.જી.સી.ની પ્રીમાઈસીસમાં જવાની હિંમત કરતા એ સાબીત થાય છેકે છેતરપીંડીમાં ઓ.એન.જી.સી.ના અધિકારીઓની પણ ભાગબટાઈ હોવી જોઈએ. આવા તો ઘણા યુવાનો ઓ.એન.જી.સી.માં નોકરીની લાલચે છેતરાયા હશે.