Select Page

સ્ટેટ મોનીટરીંગ સેલની રાત્રે ધમધમતા જુગારના અડ્ડા ઉપર રેડ

સ્ટેટ મોનીટરીંગ સેલની રાત્રે ધમધમતા જુગારના અડ્ડા ઉપર રેડ

વિસનગરમાં કડા દરવાજા વિજાપુર રોડ ઈંગ્લીશ – દેશી દારૂનું વેચાણ, દેશી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા જેવી અસમાજીક પ્રવૃત્તિઓનુ ધામ

સ્ટેટ મોનીટરીંગ સેલની રાત્રે ધમધમતા જુગારના અડ્ડા ઉપર રેડ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરે વિસનગરમાં કડા દરવાજા વિજાપુર રોડ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર અડધી રાત્રે રેડ કરી વિસનગર પોલીસની હપ્તાચોરીની પોલ ખુલ્લી પાડી છે. વિસનગર પોલીસની છત્રછાયાના કારણે આ વિસ્તારમાં અસમાજીક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી નવ જુગારીયાઓને ઝડપ્યા છે. જ્યારે અડ્ડાનો સંચાલક મહિને પોલીસ ખાતામાં લાખ્ખોનુ ભરણ ચુકવતો રઘજી ઠાકોર પોલીસના હાથમાંથી છટકી ગયો છે. બહારની એજન્સીએ રેડ કરતા વિસનગર પોલીસને લોકો પ્રશ્ન કરી રહ્યા છેકે, મોટી સંખ્યાના જુગારીયાઓની હાજરીમાં ધમધમતા જુગારનો અડ્ડો કેમ દેખાતો નહોતો?
વિસનગર પોલીસની હપ્તાખાઉ પધ્ધતી અને અસમાજીક પ્રવૃત્તીઓની આળપંપાળના કારણે કડા દરવાજા વિજાપુર રોડ વિસ્તાર અસમાજીક પ્રવૃત્તીઓનુ ધામ બની ગયો છે. અહીથી ઈંગ્લીશ અને દેશી દારૂનું મોટા જથ્થામાં વેચાણ તથા નિકાસ થાય છે. દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમે છે. જુગારના અડ્ડાઓ દિવસ રાત ચાલે છે. આ પ્રવૃત્તિઓ અને આ વિસ્તારના બુટલેગરોને અંકુશમાં લાવવામાં નહી આવે તો ભૂતકાળમાં બુટલેગરોએ વિસનગર પોલીસ લાઈન ઉપર હુમલો કર્યો હતો તેવા બનાવો જાહેરમાં બને તો નર્વાઈ નહી કહેવાય. જોકે પાપનો ઘડો ભરાય છે ત્યારે છલકાયા વગર રહેતો નથી.
સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં માણસા રોડ બાલવા ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે, વિસનગરમાં કડા દરવાજા – રામાપીર મંદિર ત્રણ રસ્તા, વિજાપુર રોડ ઉપરના કાનકુવા ઠાકોરવાસમાં વૉહના છાપરા વિસ્તારમાં રહેતો રઘાજી ઉર્ફે રઘજી શબાજી ઠાકોર પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી એકઠા કરી છાપરામાં લાઈટના અજવાળે જાહેરમાં જન્નાનો જુગાર રમાડી રહ્યો છે. જે બુટલેગર જન્નાના દાવમાંથી નાળના પૈસા ઉઘરાવી પોતાની ૮૬૬૬ નંબરની સફેદ કલરની સ્કોર્પીઓમાં પૈસા ભેગા કરી રહ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલને સચોટ બાતમી હતી. જુગારના અડ્ડા ઉપર મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા હોવાની પણ પોલીસને માહિતી મળી હતી. ત્યારે વિસનગરમાં મોડી રાત્રે ધમધમતા જુગારના આ મોટા અડ્ડા ઉપર રેડ કરવા ગાંધીનગરથી બીજા આર.આર.પી.ના ૧૦ નો સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો. તમામ સ્ટાફ વિસનગરમાં મોડી રાત્રે કડા ત્રણ રસ્તા પાસે આવી ખાનગી વાહનોમાં એક સાથે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. પોલીસને અચાનક આવેલી જોઈ જન્નાનો જુગાર રમતા જુગારીયાઓમાં નાસભાગ થઈ હતી. કેટલાક જુગારીયા રાત્રીના અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. જુગારના અડ્ડાનો સંચાલક રઘજી ઠાકોર પણ પોતાની સ્કોર્પીઓ ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે જોયુ તો લાકડા ટેકા ઉપર છાપરૂ બનાવી લાઈટના અજવાળે જુગાર રમાતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે મોડી રાત્રે ૪-૦૦ કલાકે રેડ કરી હતી.
• રઘજી ઠાકોરનુ પોલીસ ખાતામાં મહિને લાખ્ખોનું ભરણ ચાલતુ હોવાની ચર્ચા
• અસમાજીક પ્રવૃત્તિઓને છાવરતી પોલીસની પોલ ખુલ્લી પડી
સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ચૌહાણ ઈમરાનભાઈ ઉર્ફે ડાબો ઈકબાલભાઈ કડા દરવાજા, રાઠોડ જયેશકુમાર કાન્તીભાઈ આઈ.ટી.આઈ પાસે સિધ્ધેશ્વરી સોસાયટી, ઠાકોર મયુરસિંહ જવાનસિંહ કુવાસણા, ઠાકોર વિષ્ણુભાઈ હરચંદભાઈ કાનકુવાવાસ, પટેલ ડાહ્યાભાઈ ઈશ્વરભાઈ દિપરા દરવાજા, પારેખ કિરણકુમાર અમીતભાઈ શ્રીનાથ સોસાયટી, કડીયા દિલીપભાઈ વિરચંદભાઈ ફતેહ દરવાજા, રબારી રઘાભાઈ કમશીભાઈ ચાંદખેડા અમદાવાદ તથા પઠાણ ગુલામકાદીર પીરખાન કસ્બા કડા દરવાજાને જુગાર રમતા ઝડપ્યા હતા. પોલીસ રેડમાં જુગારધામ ચલાવનાર ઠાકોર રઘાજી ઉર્ફે રઘજી શબાજી વૉહના છાપરા, રૂપસંગજી ઉર્ફે દમાજી ભુદરજી ઠાકોર કડા દરવાજા, મેસ્ટ્રો સ્કુટર જી.જે.૦૨ સીડી ૬૦૪૯ નો ચાલક, બાઈક નં.જી.જે.૧૮ સી.પી.૧૮૯૧ નો ચાલક નાસી જતા કુલ ૧૩ સામે જુગારધામ મુજબ કાર્યવાહી કરી હતી. આ રેડમાં પોલીસે રૂા.૩૩,૫૫૦/- ની રોકડ, ૯ મોબાઈલ, એક સ્કોર્પીઓ, બે બાઈક, ટ્યુબલાઈટ, ૩૨ પત્તા મળી કુલ ૯,૨૮,૨૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us