મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અદ્યતન પાલિકા ભવન આકાર લેશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૂા. ર કરોડની ગ્રાન્ટ ફળવાઈ
- કુલ રૂા.પ.૩પ કરોડના ખર્ચે સુવિધા સભર ભવનનું નિર્માણ થશે
વિસનગરને સરકારમાં કેબીનેટ મંત્રી પદ મળતા વિકાસ લક્ષી વર્ષોના પડતર પ્રશ્નોનો હવે ઝડપથી નિકાલ થઈ રહ્યો છે. પાલિકા ભવનની જગ્યા માટે મહેસુલ વિભાગમાંથી મંજુરી મળ્યા બાદ હવે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલિકા ભવન માટે રૂા. ર કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે. ઋષિભાઈ પટેલના ધારાસભ્ય પદેના પ્રયત્નોમાં છેલ્લા સાત વર્ષથી પાલિકા ભવનનું ગુંચવાયેલુ કોકડું ઉકેલાતુ નહોતુ ત્યારે કેબીનેટ મંત્રી બનતા ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમા કરોડોના ખર્ચે અદ્યતન સુવિધા સભર પાલિકા ભવનનું નિર્માણ થશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૩૦ વર્ષથી જુની ગુજરાતની અનેક નગરપાલિકાઓના નવા ભવનનું નિર્માણ થઈ ચુક્યુ છે. વિસનગર પાલિકા ભવન મંડી બજારના ગીચ વિસ્તારમાં આવેલ હોવાથી તેમજ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહી હોવાથી બહારના વિસ્તારમાં ભવન બનાવવા માટેનો છેલ્લા દસ વર્ષથી પ્રયત્નો થતા હતા. જેમા ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સુચનાથી તત્કાલીન પ્રમુખ સ્વ.ગીરીશભાઈ પટેલના કાર્યકાળમાં તા.૩૧-૭-ર૦૧૪ ની સામાન્ય સભામાં નવા પાલિકા ભવન માટે ઠરાવ કરાયો હતો અને તાલુકા પંચાયતમાં જગ્યાની માંગણી કરવામા આવી હતી. આ દરમ્યાન વર્ષ ર૦૧૬થી ર૦ર૦ સુધી વિકાસ મંચ અને કોંગ્રેસના ગઠબંધનના શાસનમાં દરબાર કંમ્પાઉન્ડમાં જુની કોર્ટની જગ્યામાં પાલિકા ભવન બનાવવામાં પ્રયત્નોમાં પાંચ વર્ષ બગડયા. વર્ષ ર૦૧૭ મા ઋષિભાઈ પટેલ ત્રીજા ટર્મ ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. પરંતુ ઋષિભાઈ પટેલની રાજકીય ઈમેજ વધી ન જાય તેવી ગંદી રાજનીતિમાં તાલુકા પંચાયતમાં પાલિકા ભવનની જગ્યાની મંજુરીની ફાઈલ જીલ્લા કલેકટર ઓફીસથી આગળ વધતી નહોતી. ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાની સાથે જ છેલ્લા દશ વર્ષના પ્રયત્નોમાં વચ્ચે જે રોડા હતા તે દૂર થયા અને પાલિકા ભવનની ફાઈલ અસાધારણ ગતિથી આગળ વધી. ઋષિભાઈ પટેલ બીજી વખત કેબીનેટ મંત્રી બનતા તેમની રાજકીય વગથી કુલ રૂા. ર.પ૪ કરોડમાંથી ફક્ત જંત્રી આધારીત કિંમત રૂા. ૧ર.૬૦ લાખ ભરવાની મંજુરી સાથે ખાસ કિસ્સામાં જગ્યાના એડવાન્સ પઝેશનનો મહેસુલ વિભાગ દ્વારા હુકમ કરવામા આવ્યો હતો. જે આધારે સીટી સર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલને ૧ર૦૦ ચો.મી.નો આગેતરો કબજો સોંપવામા આવ્યો હતો.
વિસનગર પાલિકા ભવન માટે જગ્યાની મંજુરી મળતા પાલિકા દ્વારા તા.૧૭-પ-ર૩ ના રોજ સૈધ્ધાંતિક અને વહીવટી મંજુરી માટે દરખાસ્ત કરવામા આવી હતી. જેમા રૂા.પ,૩પ,૩પ ,૧૦૦/-ની તાંત્રીક મંજુરી મળી હતી. પાલિકા ભવનનું કામ ઝડપથી શરૂ થાય તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ ર કરોડની ગ્રાન્ટ ફાળવવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે રકમ પાલિકામાં બેથી ત્રણ દિવસમાં જમા થશે. હવે કામ શરૂ થશે ત્યારે ખુટતી રકમની વહીવટી મંજુરી માંગવામા આવશે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ જણાવ્યુ છે કે રૂા. ર કરોડની ગ્રાન્ટ ફળવાતા ટુંક સમયમાં ટેન્ડરીંગ કરવામા આવશે અને ખાત મુર્હત કરવામા આવશે.