Select Page

રેઢીયાળ કોન્ટ્રાક્ટર અભી કન્સ્ટ્રક્શને રોડના કામ શરૂ કર્યા

રેઢીયાળ કોન્ટ્રાક્ટર અભી કન્સ્ટ્રક્શને રોડના કામ શરૂ કર્યા

વિસનગર પાલિકાએ બ્લેક લીસ્ટ કરવાની નોટીસ આપતા

રેઢીયાળ કોન્ટ્રાક્ટર અભી કન્સ્ટ્રક્શને રોડના કામ શરૂ કર્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં અભી કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી વિકાસ કામના ટેન્ડર ભરવામાં આવે છે. વર્ક ઓર્ડર મળી ગયા બાદ આ કોન્ટ્રાક્ટરે ક્યારેય સમયમર્યાદામાં કામ કર્યુ નથી. શહેરના મહત્વના બાર રોડનો વર્ક ઓર્ડર લીધા બાદ છ માસની મુદત પછી પણ નવ રોડનુ કામ નહી કરતા પાલિકા દ્વારા બ્લેક લીસ્ટ કરવાની નોટીસ આપવામાં આવી હતી. પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરે ડામર રોડ બનાવવાનું કામ શરૂ કર્યુ છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૧૮-૧૯, વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારમાં ડામર રોડ બનાવવાનુ ટેન્ડરીંગ કરાયુ હતુ. જેમાં અમદાવાદની અભી કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર લાગતા તા.૧૫-૬-૨૦૨૧ ના રોજ છ માસની મુદતમાં કામ પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમા છ માસની મુદત પુરી થાય તે પહેલા મહત્વના બાર રોડમાંથી આ કોન્ટ્રાક્ટરે પટણી દરવાજાથી નૂતન હાઈસ્કુલ થઈ રોટરી સર્કલ, ત્રણ દરવાજા ટાવરથી ગોવિંદચકલા પટેલવાડી સુધીનો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જ્યારે નૂતન હાઈસ્કુલથી કોમર્સ કોલેજ સુધીનો એક તરફનો રોડ બનાવી કામ બાકી રાખવામાં આવ્યુ હતુ.
ચોમાસાના કારણે શહેરના મોટાભાગના ડામર રોડ તુટી ગયા હતા. રોડ ઉપર મોટા ખાડા પડવાથી વાહનચાલકો હેરાન થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટરની મુદત તા.૧૫-૧૨-૨૧ ના રોજ પુરી થવા છતા બાકીના કડા દરવાજાથી જાળેશ્વર મહાદેવ, પટણી દરવાજાથી રેલ્વે અંડરપાસ થઈ માટેલ હોટલ, ખેરાલુ અંબાજી લીંક રોડથી જીવરાજનગર નાળા સુધી, તિરૂપતી ટાઉનશીપના મેઈન રોડ, અભય શોપીંગ સેન્ટરથી સુરક્ષા સોસાયટી, ગાયત્રી મંદિરથી ર્ડાક્ટર હાઉસ સુધી, એમ.એન.કોલેજ ફાટકથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા, ત્રણ દરવાજા ટાવરથી રેલ્વે સર્કલ તથા રેલ્વે સર્કલથી એસ.ટી.સ્ટેન્ડના વરંડા સુધીના નવ મહત્વના રોડનુ કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતુ નહોતુ.
જાણવા મળ્યા પ્રમાણે આ કોન્ટ્રાક્ટર ભાજપના એક પૂર્વ મંત્રીનો સબંધી થતો હોવાથી પાલિકા દ્વારા કામ પુરા કરવા વારંવાર સંપર્ક કરવા છતા કોન્ટ્રાક્ટર ગાઠતો નહોતો. આ કોન્ટ્રાક્ટરને પાલિકા દ્વારા કામ પુર્ણ કરવા નોટીસ આપવા છતા ગણકારતો નહોતો. ચોમાસાના કારણે બીસ્માર બનેલા રોડથી લોકો હેરાન થતા હતા ત્યારે ભાજપ શાસીત પાલિકા બોર્ડ પણ કોન્ટ્રાક્ટરની વગના સામે લાચાર બની ગયુ હતુ. ત્યારે પાલિકા દ્વારા અભી કન્સ્ટ્રક્શનને નોટીસ આપવામાં આવી હતી કે, છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ ટેન્ડરમાં મનસ્વીપણે કામગીરી કરી પાલિકાને બાનમાં લીધી છે. સમયમર્યાદામાં કામ પુર્ણ નહી થાય તો માર્ગ મકાન વિભાગના ઠરાવ પ્રમાણે વિલંબીત વસુલાત કપાત કરવામાં આવશે. ગ્રાન્ટ લેપ્સ થશે તો તેની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરની અંગત રહેશે. કોન્ટ્રાક્ટરના ખર્ચ અને જોખમે બીજી એજન્સી પાસે બાકી રહેલી કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ અભી કન્સ્ટ્રક્શન કાું. ને બ્લેક લીસ્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવતા છેવટે આ કોન્ટ્રાક્ટર દ્વારા બાકી રોડનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts