Select Page

તંત્રી સ્થાનેથી-ખોટી ખુશામત કરનારો તમારો પહેલો દુશ્મન હોઈ શકે

તંત્રી સ્થાનેથી-ખોટી ખુશામત કરનારો તમારો પહેલો દુશ્મન હોઈ શકે

તંત્રી સ્થાનેથી

ખોટી ખુશામત કરનારો તમારો પહેલો દુશ્મન હોઈ શકે

પ્રવર્તમાન કળીયુગના સમયકાળમાં સાચા બોલા, સ્પષ્ટ વક્તા વ્યક્તિઓની સંખ્યા ઘણી ઓછી છે. તે સામે જુઠ્ઠા, ખુશામત કરનારાઓની સંખ્યા વધતી જાય છે. મોટી વ્યક્તિની ખુશામત કરી પોતાના કામો કઢાવી લેનારની સંખ્યા ઘણી મોટી છે. વ્યક્તિ જ્યારે સુખી સંપન્ન ન હોય તે વખતે તેની સામે નહિ જોનાર લોકો વ્યક્તિ સુખી સંપન્ન થાય એટલે તેની આજુબાજુ ખુશામત કરી પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય છે. વ્યક્તિ કોઈપણ પદ ઉપર ન હોય અથવા નાના પદ ઉપર હોય તે વખતે પથ્થરો મારનાર લોકો વ્યક્તિ મોટો પદાધિકારી બને ત્યારે તેની આગળ-પાછળ ખુશામત કરવા લાગી જતા હોય છે. જેનું મોં જોવા લોકો તૈયાર ન હોય એવી વ્યક્તિ ઉચ્ચ પદાધિકારી બને ત્યારે રોજેરોજ તેની ખુશામત કરનારની સંખ્યા વધી જાય છે. વ્યક્તિએ એક વાત યાદ રાખવી જોઈએ કે તમારો પહેલો દુશ્મન ખુશામત ખોર છે. આવું બધુ બધા સમજતા હોય છે છતાં ખુશામત ખોરોની બોલબાલા છે. એક કવિ કહી ગયા છેકે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. ચોર, ગુન્ડા, મવાલી, ખિસ્સા કાતરુઓને જોતા જ લોકો સાવધાન બની જતા હોય છે. તેવીજ રીતે જે લોકો ખુશામત ખોરોને જાણી ગયા હોય છે તેવા લોકો ખુશામત ખોરને જોઈને સતર્ક થઈ જતા હોય છે. પણ ખુશામત એવી વસ્તુ છે કે પોતાની ખુશામત દરેક વ્યક્તિને ગમતી હોય છે. જેથી ખુશામતખોરોથી દૂર રહેવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ પણ ખુશામતખોરથી દૂર રહી શકતા નથી. ખુશામતખોર પોતાના સ્વાર્થ ખાતર ખોટા વખાણો કરી વ્હાલા થવાના પ્રયત્ન કરતા હોય છે. અધિકારી, પદાધિકારી પોતે જાણતો હોય છેકે સામો વ્યક્તિ પોતાની ખોટી ખુશામત કરે છે છતાં તેમના કામો કરી નાંખવા માટે મજબુર બને છે. ખુશામત કરવા ટેવાયેલા વ્યક્તિઓને ખુશામત કર્યા વિના ચેનજ નથી પડતું. કેટલાક મોટા વ્યક્તિઓની ખુશામત કરનાર વ્યક્તિઓ પોતાની ઓળખની બડાઈ મારી પદાધિકારી અધિકારી પાસે કામ કરી આપવાની ખોટી વાતો કરી કટકી પણ કરી લેતા હોય છે. જ્યારે પદાધિકારી અધિકારીને કટકીની ખબર પડે છે ત્યારે ખુશામતખોરને ટોકે છે પણ ખુશામતખોરની વાતો એટલી મીઠી હોય છેકે પદાધિકારી અધિકારી કટકીની વાત કરનારને ખોટા સમજે છે. પ્રવર્તમાન સંજોગોમાં એવું બને છે કે કેટલાક સ્વાર્થી પદાધિકારીઓ પોતાનો વટ લોકો ઉપર જમાવવા માટે ખુશામતખોરોની ફોજ જોડે રાખતા હોય છે. આવા ખુશામતખોરો એટલી હદે નીચે જતા હોય છે કે નેતાજીના જૂતા પણ પગમાં પહેરાવી દેતા હોય છે. આવા લોકોના જ કારણે ખુશામત ખોરો સમાજમાં ચાલે છે. પણ એક વાત યાદ રાખવી જરૂરી છેકે તમારી ખોટી પ્રસંશા કરનાર વ્યક્તિ તમારો પહેલો દુશ્મન છે. સાચા બોલા સ્પષ્ટ વક્તાની મિત્રતા કરવી જોઈએ. એવુ નથી તમારી પ્રશંસા કરનાર ખુશામતખોર હોય સાચો વ્યક્તિ સારાને સારૂ કહી પ્રશંસા કરે પણ વારંવાર પ્રશંસા કરનારા ખુશામતખોરોમાં ગણી શકાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us