વિસનગર સિવિલને આધુનિક હોસ્પિટલ બનાવવાની છે-ઋષિકેશભાઈ પટેલ
વિસનગર સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબોરેટરીનું લોકાર્પણ કરાયુ
વિસનગર સિવિલને આધુનિક હોસ્પિટલ બનાવવાની છે-ઋષિકેશભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ રાજ્યના આરોગ્યમંત્રી બનતાની સાથેજ શહેરની સિવિલ હોસ્પિટલને આધુનિક હોસ્પિટલોની જેમ આરોગ્યલક્ષી તમામ સુવિધા સાથે અદ્યતન હોસ્પિટલ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અત્યારે શંકાસ્પદ કોરોના દર્દીઓના RTPCR ટેસ્ટ માટે મોડેક્યુલર લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ લેબોરેટરીનું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તા.૨૩-૧ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેથી હવે RTPCR ટેસ્ટનો રિપોર્ટ ૨૪ કલાકમાં મળી શકશે.
ઋષિકેશભાઈ પટેલ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ગમે તે કારણે શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવાનું કામ કરી શકતા નહતા. પરંતુ જ્યારથી ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બન્યા છે ત્યારથી તેઓ વિસનગરની જી.ડી.જનરલ હોસ્પિટલને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ સાથે આધુનિક હોસ્પિટલ બનાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં અત્યારે આરોગ્યમંત્રી
ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શંકાસ્પદ કોરોના દર્દીઓના RTPCR ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં મોડેક્યુલર લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ લેબોરેટરીનું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તા.૨૩-૧ ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાના કપરા સમયમાં સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફ રાત-દિવસ ખડેપગે હાજર રહી જીવના જોખમે કોરોના દર્દીઓની સારવાર કરી હતી. કોરોનાના દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું સતત ધ્યાન રાખતા હતા.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ભાજપના પાયાના કાર્યકર અને નગરપાલિકાના ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરોની ટીમે સિવિલમાં પોતાનુ ઘર બનાવ્યુ હોય તેમ એક મહિના સુધી રાત-દિવસ હાજર રહી કોરોનાના દર્દીઓ માટે ખાવા-પીવાની તથા ઓક્સિજનના બાટલાની સુવિધા પુરી પાડી હતી. જોકે કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વાયરસ અને કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન ઘટતો નથી. તેમજ તેની અસર કરવાની તિવ્રતા ખુબજ ઓછી છે. છતાં આપણે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ સાથે તમામ સુવિધા ઉભી કરી છે. કોઈપણ હોસ્પિટલ બનાવવી સરળ છે પણ તેનો ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ સુધી લાભ પહોંચાડવો ખુબજ અઘરૂ છે. અત્યારે સિવિલ હોસ્પિટલોમાં સુવિધા સાથે સારી તબીબી સારવાર મળતા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓનો સિવિલમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પહેલા આપણને સિવિલ હોસ્પિટલોમાં ર્ડાક્ટરો મળતા નહતા. પણ હવે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તમામ જીલ્લાઓમાં મેડીકલ કોલેજ બનાવવાનું નક્કી કર્યુ છે. જેમાં મેડીકલ ફીલ્ડને લગતા નાના-મોટા ૮૦ જેટલા અભ્યાસક્રમો શરૂ કરાશે. જેના કારણે તમામ રોગોના ર્ડાક્ટરો અને અન્ય સ્ટાફ મળી શકશે. જોકે દુનિયાના વિકસિત દેશોની વસ્તી પ્રમાણે આરોગ્યલક્ષી સુવિધામાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. અત્યારે સરકાર દરેક જગ્યાએ પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટરો અદ્યતન બનાવી રહી છે. મોટા જીલ્લામાં સબ ડીસ્ટ્રીક સેન્ટરમાં વધારો થઈ રહ્યો છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓ માટે એમ.આર.આઈ. અને સીટી સ્કેન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. વિસનગર સિવિલમાં બે માળ અને આધુનિક હોસ્પિટલ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા અમે પ્રયાસ કરી રહ્યા છે. જેમાં સિવિલની રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુંદભાઈ બ્રહ્મભટ્ટ, ઈશ્વરલાલ નેતા, જે.કે.ચૌધરી જેવા સમાજસેવી વ્યક્તિઓ સારો સહયોગ આપી રહ્યા છે. જેઓ જનસેવા માટે સિવિલ હોસ્પિટલની નિયમિત મુલાકાત લઈ રહ્યા છે. વિસનગર સિવિલને જાગૃત રોગી કલ્યાણ સમિતિના સભ્યો મળ્યા છે. જે અમને સિવિલની માહિતી આપવાનું કામ કરી રહ્યા છે. કોઈપણ માહિતી વગર કામ થતુ નથી. જો માહિતી હોય તો ઘણુ સારૂ કામ થઈ શકે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં પી.એમ. કેર દ્વારા ઠેર-ઠેર ઓક્સિજન પ્લાન્ટ નંખાયા છે. સરકારે દર્દીઓને વિનામુલ્યે આરોગ્યલક્ષી સારવાર આપવા માટે માઁ કાર્ડ અને માઁ વાત્સલ્ય કાર્ડનું આયુષ્યમાન કાર્ડમાં સંકલન કર્યુ છે. કેન્દ્ર સરકાર ગુજરાતની સિવિલ હોસ્પિટલોમાં નવિનીકરણ અને સુવિધાઓ વધારવા માટે ૭૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં બેઠા હોવા છતાં ગુજરાતની સતત ચિંતા કરી રહ્યા છે. પીવાનુ પાણી, તળાવો ભરવા, ઘન કચરાનો નિકાલ, નગરપાલિકા ભવન બનાવવા માટે સરકાર સતત કાર્યશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત પ્રત્યેની લાગણી જોતા આગામી દિવસોમાં પ્રજાની કોઈ સમસ્યા રહે તેવું લાગતુ નથી. મંત્રીશ્રીએ કોરોના અને ઓમિક્રોન વાયરસના સંક્રમણથી બચવા માટે લોકોને ફરજીયાત માસ્ક પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા ખાસ અપીલ કરી હતી. જોકે કોરોનાની ત્રીજી લહેરમાં ૯૮ ટકા દર્દીઓ સાજા થતા હોવાનુ જણાવી લોકોને કોરોનાના ભયમાંથી મુક્ત કર્યા હતા.
આ પ્રસંગે વડનગરના સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલીયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, સિવિલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, ર્ડા.નેહાબેન શાહ, ર્ડા.ગાર્ગીબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.આર.ડી.પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, પાલિકા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મહેશજી ઠાકોર, રોગી કલ્યાણ સમિતિના ઉત્સાહી સભ્ય જે.કે.ચૌધરી સહિત શહેર-તાલુકાના પદાધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.