Select Page

કાંસાના એડવોકેટ જયદિપસિંહ રાજપૂતની DGP તરીકે નિમણુંક

કાંસાના એડવોકેટ જયદિપસિંહ રાજપૂતની DGP તરીકે નિમણુંક

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કાંસા ગામના વિદ્વાન યુવા વકીલ જયદિપસિંહ બી.રાજપૂતના વકીલાતના બહોળા અનુભવ અને નિષ્ઠાને ધ્યાને રાખી સરકારના કાયદા વિભાગે બુધવારના રોજ તેમની મહેસાણા જીલ્લા મુખ્ય સરકારી વકીલ (D.G.P) તરીકે નિમણુક કરી છે. સરકારે જયદિપસિંહ રાજપૂતની મુખ્ય જીલ્લા સરકારી વકીલ તરીકે મહત્વની જવાબદારી સોપતા રાજપૂત સમાજ સહિત દરેક સમાજના લોકો અને વકીલ મિત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
જે વ્યક્તિ પોતાની નોકરી કે વ્યવસાયમાં નિતિ અને પ્રમાણિક્તા રાખે છે તેની હંમેશા પ્રગતિ થાય છે. નિષ્ઠાવાન માણસોની કદર થયા વગર રહેતી નથી. વિસનગર તાલુકાના કાંસા ગામના વતની જયદિપસિંહ બી.રાજપૂત વર્ષ ૨૦૦૫થી વિસનગર કોર્ટમાં વકીલાત કરે છે. જયદિપસિંહ બી.રાજપૂત કાયદાના અભ્યાસુ હોવાથી વર્ષ ૨૦૧૬માં G.P.S.C દ્વારા લેવાયેલ મદદનીશ સરકારી વકીલ (A.P.P) ની પરીક્ષામાં તેઓ ઉતિર્ણ થયા હતા. જયદિપસિંહના વકીલાતના બહોળા અનુભવ અનેે નિષ્ઠાને ધ્યાને રાખી સરકારના કાયદા વિભાગે માર્ચ-૨૦૨૨માં મહેસાણા જીલ્લા મદદનીશ સરકારી વકીલ (સિવિલ કેસ) માટે નિમણુક કરી હતી. ત્યારબાદ માર્ચ-૨૦૨૩માં મહેસાણા જીલ્લા સ્પેશીયલ સરકારી વકીલ (પ્રોહીબિશન કેસ) માટે નિમણુક કરી હતી. જયદિપસિંહ રાજપૂતની નિષ્ઠાપુર્વકની કાર્યપધ્ધતી અને પ્રમાણિક્તાને ધ્યાને રાખી સરકારના કાયદા વિભાગે મુખ્ય જીલ્લા સરકારી વકીલ કેયુરભાઈ એમ.જોષીની જગ્યાએ જયદિપસિંહ બી.રાજપૂતની નિમણુક કરી છે. જયદિપસિંહ રાજપૂતે ગુરુવારના રોજ ૧૨-૩૯ શુભ મુહુર્તમાં વિધવત રીતે મુખ્ય સરકારી વકીલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે જીલ્લાના સરકારી વકીલ મિત્રો, વકીલો, તથા સગા સબંધીઓએ જયદિપસિંહ રાજપૂતનુ બહુમાન કરી શુભકામાના પાઠવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us