Select Page

વંશાવલીના પ્રોત્સાહન માટે વહીવંચા બારોટ સમાજની રજુઆત

વહીવંચા બારોટ સમાજનુ અસ્તિત્વ છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને સમાજ રક્ષીત છે. આ સમાજનુ સન્માન કરવુ અને આવકાર આપવો એ તમામ હિન્દુ સમાજની પ્રાથમિક ફરજ છે. ત્યારે વંશાવલીની પરંપરાને પ્રોત્સાહન મળે તેમજ આ નાના સમાજની સરકારમાં નોધ લેવાય તે માટે વહીવંચા બારોટ સમાજ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાત લેવામાં આવી હતી. જ્યા સમાજના રાજકીય અને સામાજીક વિકાસ માટે રજુઆત કરવામાં આવી હતી.
હિન્દુ સમાજના લોકો ક્યાંથી આવ્યા અને કોના વંશજ છે તેની જાણકારી તેમજ ઈતિહાસ સાચવી રાખનાર વહીવંચા બારોટ સમાજને સહયોગ તથા પ્રોત્સાહન નહી મળતા આ સમાજ વંશાવલીની પરંપરાથી ધીમેધીમે અળગો થઈ રહ્યો છે. એ નોધપાત્ર બાબત છેકે વહીવંચા બારોટ સમાજ વંશાવલીની કામગીરીથી દુર થશે તો તે હિન્દુ સંસ્કૃતિ અને સમાજ માટે જોખમી બનશે. હિન્દુ સમાજનો ઈતિહાસ લુપ્ત થઈ જશે.
વહીવંચા બારોટ સમાજને તેમના મૂળભૂત વ્યવસાય સાથે જોડાયેલા રહેવા પ્રોત્સાહન મળે તેમજ આ નાના સમાજના સાજીક વિકાસ અને ઉત્થાન માટે આ સમાજના સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત આગેવાનો તા.૨૧-૨ ના રોજ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને મળ્યા હતા. જેમાં ગુજરાત વહીવંચા બારોટ સામજના સંયોજક પંકજભાઈ બારોટ, ઈન્ટરનેશનલ કલાકાર ગોપાળભાઈ બારોટ, ગુજરાત રંગભૂમિ તથા ટીવી કલાકાર પ્રશાંતભાઈ બારોટ, જાણીતા સ્ટેજ કલાકાર જીજ્ઞેશ કવિરાજ બારોટ, વિશાલ બારોટ, હસમુખભાઈ બારોટ, ડાયરાના કલાકાર બાલકૃષ્ણ બારોટ, મનીષભાઈ બારોટ, અજીતભાઈ બારોટ, ઘનશ્યામભાઈ બારોટ ખેરાલુ, જયેશભાઈ બારોટ વડનગર ઉપરાંત્ત અમદાવાદ, ભરૂચ, વડોદરા, વિસનગર, ખેરાલુ, વડનગર, મહેસાણા, સિધ્ધપુર, ધોળકા, સૌરાષ્ટ્ર, કચ્છ વિગેરે વિસ્તારના વહીવંચા બારોટ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વહીવંચા બારોટ સમાજ દરેક સમાજના લોકોની વંશાવલી રાખતા હોવાથી પોતાના યજમાન સાથે આત્મીયતા અને સન્માનથી જોડાયેલા છે. હિન્દુ સંસ્કૃતિની ધરોહરથી જોડાયેલ હોવાથી આ સમાજ ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલ હોય તે સ્વાભાવિક છે. ત્યારે આ સમાજે ક્યારેય રાજકીય ભાગીદારીમાં માગણી કરી નથી.
વહીવંચા સમાજનો સમાવેશ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ છે. પરંતુ અન્ય બક્ષીપંચ સમાજના વિકાસ માટે સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે તેવુ વહીવંચા બારોટ સમાજને અત્યાર સુધી કોઈ પ્રોત્સાહન મળ્યુ નથી. નવાઈની વાત તો એ છેકે ભાજપ હિન્દુ સંસ્કૃતિ અને રક્ષણની વાતો કરે છે ત્યારે હિન્દુઓનો ઈતિહાસ જેમની પાસે સચવાયેલો છે તે વંશાવલીના વ્યવસાયને પ્રોત્સાહન આપવા ભાજપ દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યુ નથી. જેની રજુઆત માટે સમાજના આગેવાનો પ્રદેશ ભાજપ પ્રમુખને મળ્યા હતા.
વહીવંચા બારોટ સમાજના દરેક શહેરમાં નાના ટ્રસ્ટ કાર્યરત છે. પરંતુ આર્થિક સક્ષમ નહી હોવાથી પોતાનુ સામાજીક સંકુલ ઉભુ કરી શક્યા નથી. જેની પણ રજુઆત કરાઈ હતી. વહીવંચા બારોટ સમાજ દ્વારા ચાલતી વંશાવલીની પરંપરા સાથે આવનારી પેઢી જોડાયેલી રહે તે માટે સરકાર દ્વારા તાલીમ શીબીરો યોજી પ્રોત્સાહિત કરવામાં આવે તેમજ આવા તાલીમાર્થી તજજ્ઞોને સરકાર દ્વારા ભથ્થુ આપવામાં આવે. તેમજ સમાજના વિકાસ તથા ઉત્થાન માટે વિવિધ માગણીઓ કરવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us