શિક્ષણ શાખાની ઓફિસ જવાહર પ્રાથમિક શાળામા કાર્યરત છે. જ્યા જી-સ્વાન નેટની કોઈ સુવિધા ન હોઈ શિક્ષકોની વહીવટી કામગીરીમા વિલંબ થતો હોવાની ચર્ચા
વિસનગર તાલુકા પંચાયતના જર્જરીત મકાનનું ડીમોલેશન કાર્ય પુર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા નવિન તાલુકા પંચાયત ભવન બનાવવા માટે બે વખત ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ ર્જીંઇ વધારવાના મુદ્દે રાજ્યના કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર ઉતરતા કોઈ ટેન્ડરીંગ નહી આવતા તાલુકા પંચાયત ભવન બનાવવાની કામગીરી ખોરંભે પડી છે. જેથી આગામી બે વર્ષમાં નવિન તાલુકા પંચાયત ભવન બનશે તેવી આશાઓ ઉપર પાણી ફરી વળવાની શક્યતા છે.
વિસનગર તાલુકા પંચાયતનું બે માળનુ મકાન જર્જરીત થતા ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી તત્કાલિન જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલ દ્વારા તાલુકા પંચાચયત સંકુલમા વિવિધ સરકારી કચેરીઓ બનાવવા મંજુરી આપવામાં આવી હતી. પરંતુ આ સમયે તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી તાલુકા પંચાયત ભવન બનાવવાની કામગીરી આગળ વધી શકી ન હતી. તાલુકા પંચાયતમા ભાજપનુ શાસન આવ્યુ અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી બનતા તાલુકા પંચાયત ભવન બનાવવા માટે યુધ્ધના ધોરણે ડીમોલેશન કામગીરી શરૂ થઈ હતી. તાલુકા પંચાયત ભવનની ડીમોેલેશનની કામગીરી પુર્ણ થતા જ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણથી સરકારે તાલુકા પંચાયતનુ નવિન ભવન બનાવવા માટે રૂા.૩.૩૩ કરોડ ગ્રાન્ટ મંજુર કરી હતી. અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા પંચાયત ભવન બનાવવા માટે તા.૨૪-૧૨-૨૦૨૧ના રોજ ટેન્ડર પ્રક્રિયા કરવામા આવી હતી. જેમાં એક જ ટેન્ડર આવ્યુ હતુ. ત્યારબાદ તા.૨૯-૧-૨૦૨૨ના રોજ બીજુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. ત્યારે એસ.ઓ.આર. ભાવ વધારાની માંગણીને લઈ સમગ્ર રાજ્યના કોન્ટ્રાકટરો હડતાલ ઉપર ઉતરતા એકપણ ટેન્ડર આવ્યુ ન હતુ. ત્યારબાદ તા. ૨-૩-૨૦૨૨ના રોજ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રીજા પ્રયત્ન સાથે ટેન્ડર નિવિદા બહાર પાડવામાં આવી હતી. પરંતુ હજુસુધી કોઈ ટેન્ડર આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ નથી. અત્યારે વિસનગર તાલુકા પંચાયતમા કાર્યરત કચેરીઓ અલગ-અલગ સ્થળે ખસેડવામાં આવી છે. જ્યારે ટી.ડી.ઓ. ઓફીસ તેમજ વિકાસ શાખાની ઓફિસ તાલુકા પંચાયત સંકુલમા હોવાથી તાલુકાના અરજદારો અને તાલુકા પંચાયત હસ્તકની કચેરીઓના કર્મચારીઓને ટી.ડી.ઓ.ની સહી તથા અન્ય કામગીરી માટે તાલુકા પંચાયત સંકુલમાં જવુ પડે છે. જેમાં શિક્ષણ શાખાની ઓફિસ તાલુકા સેવાસદન સામે આવેલ જવાહર પ્રાથમિક શાળાના એક રૂમમાં કાર્યરત છે. જ્યા જી-સ્વાન નેટની કોઈ સુવિધા ન હોવાથી ક્લાર્કને ઓનલાઈન વહીવટી કામગીરી માટે તાલુકા પંચાયત સંકુલમાં જવુ પડે છે. જ્યાં તેઓ રોજેરોજ નહી જઈ શક્તા શિક્ષણશાખાની વહીવટી કામગીરીમા વિલંબ થતો હવાનું શિક્ષકોમાં ચર્ચાય છે. અત્યારે કોન્ટ્રાક્ટરોની હડતાલના કારણે ટેન્ડર પ્રક્રિયા પુર્ણ ન થતા આગામી બે વર્ષમાં તાલુકા પંચાયત ભવન બનશે તેવી લોકોની આશાઓ ઉપર પાણી ફરી વળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.