૫૩ સોસાયટીમાં સીસી રોડ બનશે-પેવર બ્લોક નંખાશે
કેબીનેટ મંત્રીએ રૂા.૮૫.૭૮ લાખ ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવતા
- જરૂરીયાતમંદ સોસાયટીઓ લોકફાળામાં રોડ, પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, રિચાર્જેબલ બોર, ગટરલાઈન, પેવર બ્લોક જેવા કામ કરાવવા ધારાસભ્ય કાર્યાલયમાં સંપર્ક કરી શકશે
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તમામ સમાજના લોકો, તમામ વિસ્તાર અને તમામ સોસાયટીઓને વિકાસના લાભ મળે તે માટે સતત ચિંતિત તેમજ પ્રયત્નશીલ છે. જનભાગીદારી યોજનામાં ૨૦ ટકા લોકફાળા પેટે કેબીનેટ મંત્રીએ રૂા.૮૭.૭૮ લાખની ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવી છે. જેમાં વિસનગર પાલિકા વિસ્તારની ૫૩ સોસાયટીમાં સીસી રોડ બનશે અને પેવર બ્લોક નાખવાનુ કામ થશે. આ વિકાસ કામના એસ્ટીમેટ તૈયાર થઈ ગયા છે. ટેન્ડરીંગ બાદ આ સોસાયટીના રહીસોને ધારાસભ્યની જનભાગીદારીની ગ્રાન્ટનો લાભ મળશે.
વિસનગર પાલિકાની હદમાં એવી ઘણી સોસાયટી છેકે જેમાં મકાનોની સંખ્યા ઓછી છે. ઘણી સોસાયટીઓ એવી પણ છેકે જેમાં મધ્યમ વર્ગના લોકો રહે છે. સરકારની જનભાગીદારી યોજના એવી છેકે જેમાં વિકાસ કામના કુલ એસ્ટીમેટમાં સોસાયટીએ ૨૦ ટકા લોકફાળો આપવાનો રહે છે. બાકીના ૮૦ ટકા પાલિકા ગ્રાન્ટમાંથી ફાળવણી કરે છે. નાની સોસાયટીઓ તેમજ મધ્યમ વર્ગની સોસાયટીના લોકો એસ્ટીમેટના ૨૦ ટકા ભરવા સક્ષમ હોતા નથી. જેના કારણે આવી સોસાયટીને જનભાગીદારીમાં વિકાસ કામનો કાંઈ લાભ મળતો નથી. ઓછા મકાન ધરાવતી નાની સોસાયટી તેમજ મધ્યમ વર્ગની સોસાયટીમાં પણ વિકાસ કામ થાય તે માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ૨૦ ટકા લોકફાળા પેટે રૂા.૮૫.૭૮ લાખ ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી છે. જેમાંથી શહેરની આ સોસાયટીઓમાં સીસી રોડ તથા પેવરબ્લોકના કામ થશે.
જનભાગીદારીમાં કંઈ સોસાયટીમાં સીસી રોડ બનશે તે જોઈએ તો, સેન્ટરપાર્ક સોસાયટી, વસંતપાર્ક સોસાયટી, પટેલનગર સોસાયટી, અર્બુદાનગર એ અને સી વિભાગ, જલદીપ સોસાયટી, રોનકપાર્ક સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી એ વિભાગ, કલ્પતરૂ સોસાયટી, મણીરત્ન સોસાયટી, સરસ્વતી એ વિભાગ, રામેશ્વર સોસાયટી, આનંદપાર્ક સોસાયટી અને અંદર આવેલ લક્ષ્મીનગર, આનંદપાર્ક તથા અંદર આવેલ મંગલમૂર્તિ, આનંદપાર્ક સોસાયટી, ગુરૂનાનક સોસાયટી, ચામુંડાનગર સોસાયટી, હરિકૃપા સોસાયટી, ગણપતિ સોસાયટી, ગુરૂદેવ ટાઉનશીપ, દેસાઈનગર, પંચશીલ સોસાયટી, સરદાર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી, યમુનાનગર સોસાયટી, અર્જુનનગર સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, ઈન્દ્રલોક સોસાયટી, સુરક્ષા સોસાયટી બી વિભાગ, સંતોષનગર સોસાયટી, ભરતનગર સોસાયટી, રામનગર સોસાયટીથી મોતીનગર તરફ, ચંદનપાર્ક સોસાયટી, ગોકુળનગર સોસાયટી, પ્રભુનગર સોસાયટી, દેવર્ષી-બે સોસાયટી, રાજ બંગ્લોઝ, આરાધના સોસાયટી, રાજેન્દ્ર કોલોની, ન્યુટન પાર્ક સોસાયટી તથા વૃંદાવન સોસાયટીમાં સીસી રોડ બનશે. જ્યારે ગૌરવપથ રોડ અમી હોસ્પિટલના પાછળનો ભાગ, શક્તિનગર સોસાયટી, અલકા સોસાયટી, જવાહર સોસાયટી, સંતોષનગર સોસાયટી, તિરૂપતી વસંત વિહાર, તિરૂપતી રોયલ રેસીડન્સી, આદર્શનગર સોસાયટી, હરસિધ્ધીનગર સોસાયટી, હરદ્વાર સોસાયટી તથા હરિહર સોસાયટીમાં પેવર બ્લોક નાખવામાં આવશે.
મોટાભાગના લોકોને એવો ખ્યાલ છેકે જનભાગીદારીમાં સીસી રોડ અને પેવર બ્લોકનાજ કામ થાય છે. પરંતુ આ બન્ને કામ ઉપરાંત્ત પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, રિચાર્જેબલ બોર તથા ગટરલાઈનના કામ પણ જનભાગીદારીમાં થાય છે. આગામી સમયમાં શહેરની અન્ય સોસાયટી કે જે ૨૦ ટકા લોકફાળો પાલિકામાં ભરવા સક્ષમ નથી આવી સોસાયટીના વિકાસ કામ માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તેમની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ૨૦ ટકા લોકફાળા પેટે ફાળવી આપશે. સોસાયટીમાં આવુ કોઈ વિકાસ કામ બાકી હોય તો કયુ કામ કરવાનુ છે તે બાબતે ધારાસભ્ય કાર્યાલયમાં લેખીત રજૂઆત કરવા જણાવ્યુ છે. જે સોસાયટીની રજુઆત હશે તેમને લોકફાળાની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે.