કેબીનેટ મંત્રી રાજ્યની જવાબદારીમાં શહેરનો વિકાસ વિસર્યા
વિસનગર તાલુકા પંચાયત અને પાલિકા ભવનનુ ખાતમુહુર્ત ક્યારે થશે
ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી બન્યા બાદ ઋષિભાઈ પટેલે તાલુકાના ગામડાઓને લગતા વિકાસ માટે પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે રાજ્યની જવાબદારીમાં વિસનગર શહેરનો વિકાસ વીસર્યા છે. શહેરના વિકાસને લગતા ઘણા પડતર પ્રશ્નો છે. પરંતુ યોગ્ય ટીમવર્કના અભાવે વિકાસ કામ આગળ વધતા નથી. પાલિકા ભવનની જગ્યાની મંજુરીના ઠેકાણા નથી જ્યારે તાલુકા પંચાયત ભવનનુ ખાતમુહુર્ત થાય તેવુ નજીકના ભવિષ્યમાં દેખાતુ નથી. કેબીનેટ મંત્રી બન્યા બાદ રાજકીય કદ વધારવામાં પ્રયત્નશીલ ઋષિભાઈ પટેલ સાથે સાથે શહેરના મહત્વના વિકાસ કામ પણ આગળ ધપાવે તે જરૂરી છે.
કેબીનેટ મંત્રી બન્યા બાદ છ માસનો સમય થયો, પરંતુ હજુ સુધી શહેરને લગતા એક પણ વિકાસ કામની મંજુરી મળી નથી
એતો ચોક્કસ વાત છેકે ત્રણ ટર્મના ધારાસભ્ય કાળમાં ઋષિભાઈ પટેલે તાલુકાના ગામડામાં જે વિકાસ કામ કર્યા છે તેટલા વિસનગર શહેરમાં કર્યા નથી. શહેરના વિકાસને લગતા એક નહી ઘણા પડતર પ્રશ્નો છે. પરંતુ ઋષિભાઈ પટેલ તેનો નિકાલ લાવી શક્યા નથી. ગામડામાં મતદારો વધારે છે તે માટે ઋષિભાઈ પટેલનુ ગ્રામ વિકાસ પ્રત્યે ધ્યાન વધારે હોય તે માનવા યોગ્ય છે. પરંતુ વિસનગર શહેરના લોકો પણ ઋષિભાઈ પટેલને મત આપે છે તે ભૂલવુ જોઈએ નહી. ઋષિભાઈ પટેલના ત્રણ ટર્મના ધારાસભ્ય કાળમાં વિસનગર શહેરમાં મહત્વના કોઈ વિકાસ કામ થયા નથી. શહેરનો વિકાસ નહી થવા પાછળ રાજકીય વર્તુળમાંથી એવુ જાણવા મળતુ હતુ કે ઋષિભાઈ પટેલની ઈમેજ ન વધે તે માટે શહેરમાં વિકાસ કામ થવા દેવામાં આવતા નથી. પરંતુ હવે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી છે. સરકારના મહત્વના ત્રણ વિભાગ સંભાળે છે. સરકારમાં કદ અને વગ બન્ને વધ્યા છે. ઋષિભાઈ પટેલ ધારે તો શહેરના વિકાસની આડે અત્યારે કોઈ આવી શકે તેમ નથી. પછી કયા કારણોથી શહેરનો વિકાસ અટકીને ઉભો છે તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.
ઋષિભાઈ પટેલના પ્રયત્નથીજ વિસનગર પાલિકા ભવન માટે તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં જગ્યાની મંજુરી મળી છે. જંત્રી પ્રમાણે જમીનની કિંમત વધારે થતી હોવાથી જમીનનો દર ઘટાડવાની ફાઈલ ગાંધીનગર મહેસુલ વિભાગમાં પડી છે. જેઓ ઘણા સમયથી નિકાલ આવતો નથી. પાલિકા ભવન માટેનો પ્લાન, એસ્ટીમેટ તૈયાર છે પરંતુ જગ્યાની કિંમત ઘટાડવાની ફાઈલ મહેસુલ વિભાગમાંથી મંજુર થાય તો કામગીરી આગળ વધે તેમ છે, તેવીજ રીતે તાલુકા પંચાયત ભવનનુ ખાતમુહુર્ત રાહ જોઈને ઉભુ છે. આ સીવાય એમ.એન.કોલેજ રોડ પહોળો કરવા કોલેજની વરંડા તરફની ૧૦ ફૂટ જગ્યા સંપાદન કરવા, એસ.ટી. રોડ પહોળો કરવા એસ.ટી. પાસેથી ૧૦ ફૂટ જગ્યા સંપાદન કરવા, દરબાર જુની મામલતદાર ઓફીસ કમ્પાઉન્ડમાં અર્બન હેલ્થ સેન્ટરની મંજુરી, સમગ્ર શહેરમાં સી.સી.ટી.વી. કેમેરા, સાંસ્કૃતિક નગરીને શોભે તેવો કોમ્યુનિટી હૉલ, શહેરમાં કોટ વિસ્તારમાં અશાંતધારો, ખુલ્લી કેનાલોથી થતી ગંદકી અને મચ્છર રોકવા કેનાલ
મજબુતીકરણ, શહેરને હાઈવેના ટ્રાફીક સમસ્યામાંથી મુક્તી મળે તે માટે બાયપાસ રોડ, જી.યુ.ડી.સી. પ્રોજેક્ટ, સિવિલ હોસ્પિટલના વિકાસ માટેનુ ટેન્ડર વિગેરે વિકાસને લગતા ઘણા પડતર પ્રશ્નો છે.
કેબીનેટ મંત્રી બન્યા બાદ ઋષિભાઈ પટેલ કહેતા હતા કે, રન વધારે છે અને ઓવરો ઓછી છે. જે વાત સાચી, પરંતુ ટીમવર્ક વગર મેચમાં જીત મેળવી શકાતી નથી. કેબીનેટ મંત્રી બન્યા પછી ઋષિભાઈ પટેલની આસપાસ ફરતા ફક્ત લાભાર્થીઓ છે. વિસનગર શહેરના વિકાસની ખેવના રાખતા નિઃસ્વાર્થ કામ કરે તેવા આગેવાન કાર્યકરો ઓછા છે. શહેરના આગેવાનો પોતાના લાભ માટે કે કોઈનુ કામ કઢાવવા ગાંધીનગરના ધક્કા ખાય છે. પરંતુ શહેરના વિકાસ માટે દોડે તેવા કોઈ નથી. ઋષિભાઈ પટેલ શહેરના વિકાસ માટેની ટીમ તૈયાર નહી કરે અને દરેક વિકાસ કામની અલગ અલગ જવાબદારી નહી સોપે તો કેબીનેટ મંત્રી પદ મળ્યાનો કોઈ ફાયદો થવાનો નથી. ઋષિભાઈ પટેલ આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર થઈને આવે, ચુંટણીમાં જીતે અને સરકારમાં હાલ છે તેના કરતા પણ વધારે મહત્વનુ સ્થાન મળે તેવી શુભેચ્છા. પરંતુ ઋષિભાઈ પટેલે એ ન ભૂલવુ જોઈએ કે આવી તક વારંવાર મળતી નથી. મહત્વના વિકાસ કામ ક્યારે થશે? કે પછી કે પછી કેબીનેટ મંત્રી બનવા છતા ત્રીજી ટર્મ પણ શહેર માટે નિષ્ફળ જશે?
વિકાસ ટીમ તૈયાર નહી કરે તો વિકાસને લગતા પ્રશ્નોનો નિકાલ કરવો અશક્ય
વિકાસ ટીમ તૈયાર નહી કરે તો વિકાસને લગતા પ્રશ્નોનો નિકાલ કરવો અશક્ય