વિસનગરમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થાના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ
રાજ્યના આરોગ્યમંત્રી, પંચાયતમંત્રી, સહકારમંત્રીની ઉપસ્થિતિમાં
વિસનગર આઈ.ટી.આઈ. કોલેજ સંકુલમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવેલ અદ્યતન બિલ્ડીંગનું ગત સોમવારના રોડ ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી, પંચાયત મંત્રી અને સહકાર મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, જીલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશ શર્મા, વિસનગર પ્રાન્ત અધિકારી રામનિવાસ બુગાલીયા, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ,એ.પી. એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, નાયબ નિયામક તાલીમ એ.સી. મુલીયાણા, રોજગાર અને તાલીમના નાયબ નિયામક કુ.એ.પી.પટેલ સહિત તાલુકા અને જીલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, આઈ.ટી.આઈ.ના શિક્ષકો, તાલીમાર્થીઓ અને શહેર-તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત અને વિકાસ આજે એકબિજાની પર્યાય બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તાલુકાના છેવાડાનો માનવી જન્મથી મૃત્યુ સુધીની તમામ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યો છે. વિસનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમથી વિસનગરની યશકલગીમાં પીછું ઉમેરાયુ છે. જોકે સરકાર દ્વારા રૂા.૩૫૦ કરોડના ખર્ચે મા નર્મદાના પાણીથી ગામેગામ તળાવો ભરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યુ છે અને આગામી ટુંક સમયમાં વિસનગર શહેર અને તાલુકાના લોકોને નર્મદા મૈયાનું પાણી મળી રહે તે માટે રૂા.૧૫૫ કરોડની યોજનાનુ લોકાર્પણ થનાર છે. આમ વિસનગરમાં અનેકવિધ વિકાસ યોજનાઓમાં ખાતમુહુર્ત, ભૂમિપુજન અને લોકાર્પણના કાર્યક્રમો થવાના છે. વિસનગરનો સર્વાંગી વિકાસ કરવાનું મારૂ ધ્યેય છે. મને છ મહિના ગુજરાતની પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો છે. આજે કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છતા, પિવાના પાણીની સમસ્યા, કચેરીઓનુ નિર્માણ કાર્ય થઈ રહ્યુ છે. આગામી સમયમાં વિસનગરમાં આવનારા કોઈપણ આગેવાનને વિકાસકામો શોધવા પડે તેવા વિકાસકામો હું કરવાનો છુ.ં અત્યારે સિવિલ હોસ્પિટલનો અભુતપુર્વ વિકાસ થઈ રહ્યો છે. અને બાકીના વિકાસકામો થવાના છે.
જ્યારે આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓના ઈનોવેશન મોડેલને બિરદાવતા જણાવ્યુ હતુ કે, હવે દેશમાં નવા આધુનિક મશીનો સાથે નવા નવા ઉદ્યોગ અને ઉત્પાદનો થવાના છે. ત્યારે યુવાનોએ ૨૫-૩૦નું વોટ્સએપ ગૃપ બનાવી સ્વરોજગારમાં આગળ વધવું જોઈએ. સરકાર બધા યુવાનોને નોકરી આપી શકવાની નથી. એજ્યુકેશનનુ સર્ટીફીકેટ મળે એટલે નોકરી કે રોજગારી મળે તેવુ નથી. સરકારની દરેક ક્ષેત્રમાં ભરતી કરવાની મર્યાદા છે. એટલે ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાશે તો દરેક યુવાનોને રોજગારી મળશે. કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણની સાથે સ્કીલ પાવર હોવોપણ જરૂરી છે. સરકાર મેરીટ આધારે યુવાનોને નોકરી આપવાની છે. વધુમાં આરોગ્યમંત્રીશ્રીએ ભાજપ સરકારમાં વિસનગરમાં થયેલા વિકાસકામોની માહિતી આપી ખેડુતોને પ્રાકૃતિક ખેતી અને ગૌમાતાના સંરક્ષણ તથા સંવર્ધનની હિમાયત કરી હતી.
જ્યારે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ હતુ કે, વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈએ ગુજરાતના નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. ઋષિકેશભાઈ પટેલ વિસનગરના પાણીદાર મંત્રી કહેવાય છે. જેઓ તરવૈયા મંત્રી તરીકે પણ ગણાય છે. જેના કારણે સરકારે તેમને પાણી પુરવઠા ખાતાના મંત્રી બનાવ્યા છે. મંત્રી મંડળમાં ઋષિકેશભાઈ પટેલ સતત આરોગ્ય અને પાણીની ચિંતા કરતા હોય છે. ઋષિકેશભાઈએ વિસનગરમાં અનેક વિકાસકામોનો માણેક સ્થંભ રોપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્કીલ ડેવલપમેન્ટના ત્રિ- દિવસીય સેમીનારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા અને રાજસ્થાનના યુવાનો ભાગ લઈ પોતાના કૌશલ્યના નવિન પ્રયોગો રજુ કર્યા હતા. જેમાં ગુજરાતના ૪૦ યુવાનોમાં ૧૪ યુવાનોને મેડલ મળ્યા હતા. તેમ જણાવી વિસનગર ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ૨૫ ટ્રેડમાં ફરજ બજાવનાર ૨૫૦ જેટલા કર્મયોગીઓની સેવાની ભારોભાર પ્રસંશા કરી હતી.
જ્યારે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૫૦માં સૌ પ્રથમ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના નિર્માણ ભારતમાં થયુ હતુ. અને અત્યારે સમગ્ર ભારતમાં ૧૫૦૦૦થી વધુ આઈ.ટી.આઈ. કોલેજ આવેલી છે. જેમાં ગુજરાતમાં તાલુકા કક્ષાએ ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ ચાલી રહી છે. વિસનગર આઈ.ટી.આઈ. કોલેજમાં જે વિદ્યાર્થીઓએ નવા પ્રોજેક્ટ મુક્યા છે. તેમને સારી ટ્રેનીંગ મળી રહે તે માટે તાલીમ સંસ્થાના અધિકારીઓએ અવાર- નવાર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. સહકાર અને શ્રમ વિભાગના સંયુક્ત પ્રયાસથી યુવાનોને સ્વરોજગારી મળે તે દિશામાં કામ કરવા તેમજ અર્બન ક્લેપ થકી નવિન એપ્લીકેશન બનાવી તાલીમ સંસ્થાઓના યુવાનોને જોડવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણી પીડીપીયુ સહિતની સંસ્થાઓની મુલાકાત લેવા માટે વિદ્યાર્થીઓને સલાહ આપતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને સ્વરોજગારી મળે તેની ચિંતા કરી છે. વાયબ્રન્ટ ગુજરાત થકી આવેલ ઔદ્યોગીક ક્રાન્તીથી યુવાનો રોજગારી સાથે આત્મનિર્ભર બની રહ્યા છે. અત્યારે ગુજરાતમાં ૨૮૮ સરકારી તાલીમ સંસ્થાઓમાં ૨૬૩ તાલીમ સંસ્થાઓ પોતાના બિલ્ડીંગમાં ચાલી રહી છે. જ્યારે ૧૯ બિલ્ડીંગનુ નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. વિસનગરમાં વર્ષ ૧૯૬૩માં શરૂ થયેલ ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ૪૫ વર્કશોપ, ૩૫ ક્લાસ, અને અન્ય ૧૪ વર્ગોનું નિર્માણકાર્ય થયુ છે. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી, પંચાયતમંત્રી, સહકારમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે એપ્રેન્ટીસ અને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિસનગર સમર્થ ડાયમંડના માલિક ગોવિંદભાઈ પટેલ અને સાકાર ડાયમંડના માલિકનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનુ એન્કરીંગ વિજાપુરના હાસ્ય કલાકાર અને ભાજપના સક્રીય કાર્યકર અજયભાઈ જે.બારોટે કર્યુ હતુ.
• વિસનગરમાં આવનાર કોઈપણ આગેવાનને વિકાસકામો શોધવા પડે તેટલા વિકાસકામો હું કરવાનો છુ.- આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ
• ઋષિકેશભાઈ પટેલ વિસનગરના પાણીદાર અને તરવૈયા મંત્રી ગણાય છે. એટલે સરકારે તેમને પાણી પુરવઠા ખાતાના મંત્રી બનાવ્યા છે- પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા
• સરકારના વાયબ્રન્ટ ગુજરાત થકી આવેલ ઔદ્યોગીક ક્રાન્તિથી યુવાનો રોજગારી સાથે આત્મનિર્ભર બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને સ્વરોજગારી મળે તેની ચિંતા કરી છે-સહકારી મંત્રી જગદીશભાઈ