Select Page

યુનિવર્સિટીના વિકાસના પાયામાં સાંકળચંદકાકાનું યોગદાન છે-આનંદીબેન પટેલ

વિસનગર એસ.કે.માં હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નવિન ભવનનું લોકાર્પણ કરાયુ

• ચેરમેન પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો છે-દુષ્યંતભાઈ પટેલ
• વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સહકારથી વિસનગરને યુનિવર્સિટી અને મેડિકલ કોલેજની ભેટ મળી છે-પ્રકાશભાઈ પટેલ
• યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની તમામ ઈચ્છાઓ પુરી થાય તેવા મારા આશિર્વાદ-આનંદીબેન પટેલ

વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નવિન ભવનનું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ગુરૂવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, મહેસાણા સાંસદ સભ્ય શારદાબેન પટેલ, એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટી દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, નિતિનભાઈ પટેલ(ખરોડ), સહીત શહેર-તાલુકાના રાજકીય અને સહકારી આગેવાનો, વેપારીઓ, સંસ્થાના પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ કાર્યમાં બધાના વિચારો એક દિશામાં હોય તો તેમાં સારૂ અને ધાર્યુ પરિણામ મળે છે. અત્યારે સમાજના ઉત્થાન માટે શિક્ષણ સાથે સંસ્કાર જરૂરી છે. શિક્ષિત યુવાનો થકી ભારત શ્રેષ્ઠ રાષ્ટ્ર બની રહ્યું છે. દેશમાં ૬૫ ટકા યુવાનો ભારત દેશને મજબુત અને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપવાની તાકાત ભારત પાસે છે. કોરોના મહામારીના કપરા કાળમાં ભારત દેશે કોરોના વેક્સીન બનાવી વિશ્વના ૮૦ થી ૯૦ દેશોને મદદ કરી હતી. કોરોના કાળમાં વેક્સીન બનાવી ભારત દેશ ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યો હતો. જ્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિકાસની વાત કરતા જણાવ્યુ હતું કે, આ યુનિવર્સિટીના વિકાસના પાયામાં શેઠ શ્રી સાંકળચંદ કાકાનું મહત્વનું યોગદાન રહ્યુ છે. દાતાઓની દિર્ઘદ્રષ્ટીના કારણે આજે વિસનગર શૈક્ષણિક નગરી તરીકે ઓળખાય છે. અત્યારે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટી દુષ્યંતભાઈ પટેલ, સાંસદ સભ્ય શારદાબેન પટેલ જેવા ટ્રસ્ટી મંડળના સભ્યોની મહેનતથી યુનિવર્સિટીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. અને આગામી સમયમાં રિસર્ચ ક્ષેત્રે વધુ વિકાસ થશે તેવો મને આત્મવિશ્વાસ છે. જોકે જે સંસ્થાઓ વટવૃક્ષ બની ભાંગી પડી છે તેના પાછળ આંતરિક વિખવાદ હોય છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થમાં સંસ્થાઓને ભાંગી નુકશાન કરી રહ્યા છે. ત્યારે હોદ્દાની લાલચમાં આ સંસ્થાને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા ટ્રસ્ટી મંડળના સભ્યોને ટકોર કરી હતી. વધુમાં આનંદીબેન પટેલે જણાવ્યુ હતું કે, સરકારના “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનથી સમાજમાં બહેનોમાં જાગૃતતા આવી છે. શિક્ષણ થકી સમાજમાં બહેનોને વિશિષ્ઠ સ્થાન આપવામાં આવી રહ્યું છે. સમાજમાં સેક્સ રેશિયો અને સાક્ષરતા દરમાં ઘણો સુધારો આવ્યો છે. જ્યારે હોમિયોપેથીક દવા બાબતે પોતાનો અનુભવ જણાવતા કહ્યુ કે, હોમિયોપેથીક દવા કેટલીક જટીલ બિમારીમાં અક્સીર પરિણામ આપે છે. હોમિયોપેથીક દવા ફાયદાકારક છે. આ સંસ્થામાં શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે વિકાસ જોતા ચેરમેન પ્રકાશભાઈ અને દુષ્યંતભાઈ હજુ પણ સંસ્થાનો વધુ વિકાસ કરશે તેવી આશા છે. અને આ સંસ્થાના વિકાસ માટે કાયમ મારો સહયોગ રહેશે. આ સાથે તેમને સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલની તમામ ઈચ્છાઓ પુરી થાય તેવા આશિર્વાદ આપી શુભકામના પાઠવી હતી.
જ્યારે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અમારા પ્રતિનિધિ મંડળે એસ.કે. યુનિવર્સિટીની મંજુરી માટે રજુઆત કરી હતી. ત્યારે આનંદીબેન પટેલે કહ્યું હતું કે, જે સંસ્થામાં મેં શિક્ષણ લીધુ હોય અને જે સંસ્થાને હું જાણતી હોય તેવી સંસ્થા યુનિવર્સિટી બને તેનો મને આનંદ હોય તેમ જણાવી એસ.કે.યુનિવર્સિટી માટે ઝડપી મંજુરી આપી હતી. આનંદીબેનના સહયોગથી વિસનગરને યુનિવર્સિટી અને નૂતન મેડિકલ કોલેજની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી વિસનગરમાં નૂતન મેડિકલ કોલેજ શરૂ થઈ છે. આ સંસ્થાના વિકાસમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનું પણ યોગદાન રહ્યું છે. સાંસદ શારદાબેન સંસ્થાના વિકાસ માટે આજે પણ મદદરૂપ બની રહ્યા છે. સરકારના સહયોગથી વિસનગર પંથકના બાળકોને પ્રાથમિક વિભાગથી લઈને ઉચ્ચ કક્ષા સુધીનું શિક્ષણ ઘરઆંગણે મળી રહ્યુ છે. અને આવનાર સમયમાં આ યુનિવર્સિટી શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે દેશની નામાંકીત ટોપટેન યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જ્યારે સંસ્થાના ટ્રસ્ટી પટેલ દુષ્યંતભાઈ પટેલ(મામા) એ જણાવ્યું હતું કે, હું નાનો હતો ત્યારથી વિસનગરને ઓળખું છું. વિસનગર સંસ્કારી નગરી છે. જેમાં શહેરની આ શૈક્ષણિક સંસ્થાને વટવૃક્ષ બનાવવા કેટલીય પેઢીઓએ પોતાનો ભોગ આપ્યો છે. જોકે વિસનગરના વિકાસ માટે દરેક આગેવાનો હંમેશા એક થયા છે. આગેવાનોના સહકારથી વિસનગરનો સર્વાંગી વિકાસ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની સમાજ સેવાની શરૂઆત પણ વિસનગરથી થઈ હતી. આ સમયે તેઓ મુરબ્બી શ્રી ભોળાભાઈ પટેલના ધર્મપત્ની શાન્તાબેન પટેલ પાસે મહિલાઓના વિવિધ પ્રશ્નો લઈને આવતા હતા. મૌન રહીને જવાબ આપવો અને મૌન રહીને સમાજસેવાનું કાર્ય કરવુ તે આનંદીબેન પટેલનો સ્વભાવ છે. જ્યારે શેઠ શ્રી સાંકળચંદ દાદાનું વ્યક્તિત્વ અલગ હતુ. સહકારી ક્ષેત્ર તેમના લોહીમાં હતુ. સાંકળચંદ દાદાએ બીજા આગેવાનોને સાથે રાખી વિસનગર અને મહેસાણામાં સહકારી સંસ્થાઓ ઉભી કરી હતી. નેતાગીરીથી સમાજને ફાયદો થવો જોઈએ. મહેસાણા જીલ્લાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આનંદીબેન પટેલના નેતૃત્વમાં ગુજરાત અને દેશનો વિકાસ થયો છે. અને અત્યારે ચેરમેન પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. પ્રકાશભાઈની અંદર નેતૃત્વ કરવાની તાકાત છે. આ પ્રસંગે સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા ટ્રસ્ટી મંડળને શુભેચ્છા સંદેશ આપી અભિનંદન પાઠવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts