Select Page

એસ.કે.યુનિવર્સિટીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા મન મુકી ઝુમ્યા

જગત જનની માં અંબાના પાવન પર્વ નવરાત્રી મહોત્સવ “થનગનાટ-૨૦૨૨” નું ભવ્ય આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં તારીખ ૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે ૯૦૦૦થી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓ, યુનિવર્સિટી પરિવાર તથા આમંત્રિત મહેમાનોએ પારંપારિક વેશભૂષામાં ઢોલના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.
છેલ્લા કેટલાયે વર્ષોથી ઉજવાતા યુનિવર્સિટીના નવરાત્રિ મહોત્સવ “થનગનાટ” નું સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશેષ આકર્ષણ રહ્યુ છે. મહોત્સવના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયક ઓસમાન મીર અને તેમની સમગ્ર ટીમે પોતાના મધુર સ્વરથી ઉપસ્થિત સર્વેને ગરબાના તાલે ઝૂમતા કરી દીધા હતા. વધુમાં યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ગ્રામ્ય સંસ્કૃતિને દર્શાવતું સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો, જે સર્વે માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ અને જેમાં લોકોએ પોતાની સેલ્ફી લઈને સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય શારદાબેન પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, મહેસાણા જિલ્લા ભા.જ.પા. મહામંત્રી ડૉ.જે.એફ.ચૌધરી, ભગાજી ઠાકોર અને શૈલેષભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જગદીશભાઇ પટેલ તથા તાલુકાના સહકારી, સામાજિક અને રાજકીય મહેમાનો હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભારત વિકાસ પરિષદના આગેવાનો, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં વીધીવત શસ્ત્ર પુજા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ દ્વારા તલવાર બાજી કરી કાંડાનું કૌવત રજૂ કર્યુ હતુ. મહોત્સવના બીજા દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયક “ભલા મોરી રામા” ફેમ અરવિંદ વેગડા અને તેમની ટીમે પોતાના ગીતોથી ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં પારંપારિક વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થી ખેલૈયાઓ, યુનિવર્સિટી સ્ટાફ તથા આમંત્રિત મહેમાનોને મન મૂકીને ગરબે ઘુમતા કરી દીધા હતા. કાર્યક્રમમાં બીજા દિવસે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. નવરાત્રિ મહોત્સવને અંતે યુનિવર્સિટી દ્વારા ગરબા રમવામાં અને વેશભૂષામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ ગ્રૂપને આમંત્રિત મહેમાનો, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ.ડી.જે. શાહના હસ્તે ઈનામ આપ્યા હતા.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને પધારેલ સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે સમયાંતરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાછલા બે વર્ષોમાં કોરોનાને લીધે “થનગનાટ”નું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. પણ આ વર્ષે મા અંબાના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ડી.જે. શાહે મહોત્સવને સફળ બનાવવા માટે આયોજનમાં સંકળાયેલ તમામ સ્ટાફને બિરદાવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts