ખેરાલુ તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તથી પ્રમુખનું રાજીનામું
વિધાનસભાની ચુંટણી ટાણે ભાજપ મોવડીઓની નિષ્ક્રીયતાથી ભવાડો
• ધારાસભ્ય અજમલજી ઠાકોર અને જિલ્લા ઉપાધ્યક્ષ ભીખાલાલ ચાચરીયા ભાજપના કષ્ટભંજન બન્યા
• તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપતા ૧ર પૈકી છ ભાજપના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી
• હવે તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું અપાઈ ગયું છે ત્યારે ખરેખર રાજીનામું કયારે મંજુર થશે તે બાબતે સૌ ચર્ચા કરી રહ્યુ છે
ખેરાલુ તાલુકા ભાજપના આગેવાનોમાં પક્ષ કરતા જ્ઞાતિ-સબંધો વિશેષ મહત્વ આપે છે. પ્રમુખ પતિ મહિલાઓ સાથે બિભત્સ વર્તન કરે, ભ્રષ્ટાચારનાઆક્ષેપો થાય, મહિલા પ્રમુખના બદલે પતિ વહીવટ કરે જેવા અનેક આક્ષેપો હતા. છતા ભાજપના નેતાઓએ જિલ્લા ભાજપ પ્રમુખને નિર્ણય ન લેવા દેતા ખેરાલુ તાલુકા પંચાયતમાં ભાજપની આબરૂના ધજાગરા વિધાનસભાની ચુંટણી પહેલા થયા છે. ભાજપના સભ્યોએ છ મહિના સુધી ભાજપના મોવડીઓ સમક્ષ વારંવાર રજુઆતો કરી છતા છ મહિના સુધી કોઈ નિર્ણય ન લેવાતા ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ અસ્મીતાબેન ચૌધરી વિરૂધ્ધ તા.રપ-૮-ર૦રરના રોજ છ ભાજપના અને છ કોંગ્રેસના ડેલીગેટોએ ભેગા મળીને અવિશ્વાસની દરખાસ્ત આપી હતી. આ સમાચાર પ્રદેશ ભાજપ સુધી પહોંચતા પ્રદેશ ભાજપની સુચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલે ધારાસભ્ય અજમલજી ઠાકોર અને જિલ્લા ઉપાધ્યક્ષ ભીખાલાલ ચાચરીયાને કામે લગાડતા ગણત્રીના કલાકોમાં પ્રમુખનું રાજીનામું લઈ છ ભાજપના સભ્યો પાસે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવા લખાણ ટી.ડી.ઓને મોકલી આપ્યું હતુ.
ખેરાલુ તાલુકા પંચાયતનો પ્રશ્ન શુ છે તે સમજવા માટે માર્ચ ર૦રરમાં પાછા જવું પડશે. પ્રમુખ પતિ જસુભાઈ ચૌધરીની મનમાનીને કારણે ખેરાલુ તાલુકા પંચાયતની બજેટ મિટીંગમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ ભેગા મળીને બજેટ ના મંજુર કર્યુ હતુ. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ સાથે તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ મિટીંગ કરી હતી. જેમાં ધારાસભ્ય, તાલુકા ભાજપ ટીમ પણ હાજર રહી હતી. સભ્યોની મક્કમતા જોતા ખેરાલુ તાલુકા ભાજપના પ્રસિધ્ધ ભાજપી આગેવાને તાલુકા પંચાયતના સભ્યોને ગુમરાહ કરવા સવા-સવા વર્ષની ફોરમ્યુલા બતાવી. તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ભોળવાઈ ગયા હતા. ત્યારબાદ ૧પ જુન આવી છતા પ્રમુખે રાજીનામું ન આપતા ભાજપના ત્રણ સભ્યોએ સભ્યપદેથી રાજીનામું આપી દીધું. તે વખતે ફરીથી મિટીંગ થઈ પ્રમુખનું રાજીનામું લેવાનું નક્કી થતા સભ્ય પદેથી રાજીનામા પરત ખેંચાયા. એક મહિનામાં પ્રમુખનું રાજીનામું પરત લઈ લેવાનું નક્કી થયું. છતા જિલ્લા ભાજપ પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ કે પછી ખેરાલુ વિધાનસભા પ્રભારી કોઈ નિર્ણય ન લેતા તા.રપ-૮-ર૦રરના રોજ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસના ટેકાથી આવી. જેથી ભાજપની શિસ્તના જાહેરમાં લીરેલીરા ઉડયા.
અવિશ્વાસની દરખાસ્ત આવતા પ્રદેશ ભાજપને જાણ કરાઈ પ્રદેશ ભાજપે યુધ્ધના ધોરણે પ્રશ્નને હલ કરવા જિલ્લા ભાજપને સુચના અપાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલે ધારાસભ્ય અજમલજી ઠાકોર અને જિલ્લા ઉપાધ્યક્ષ ભીખાલાલ ચાચરીયાને સમાધાન કરાવવા મેદાને ઉતાર્યા હતા. ભીખાલાલ ચાચરીયાએ ભાજપના છ સભ્યોને બોલાવી સ્પષ્ટ જણાવ્યુ કે તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું લઈ લેવાશે. તે પછી તમે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચો, અવિશ્વાસની દરખાસ્તમાં ટેકો આપવા કોંગ્રેસના છ સભ્યો પણ હાજર હોવાથી ૧ર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવા ચર્ચા શરુ થઈ. કોંગ્રેસના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવા હાજર ન થયા જેથી ભાજપના છ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા લખાણ અપાયુ.
એક બાજુ ભાજપના છ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા ટી.ડી.ઓ. પાસે પહોચ્યા પરંતુ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામા ના લેટરમાં સહી કરવાના નાટક શરૂ કર્યા.ખેરાલુ એ.પી.એમ.સી. અને ધારાસભ્ય કાર્યાલય વચ્ચે વારંવાર કાર્યકરોની દોડધામ જોવા મળી. અંતે પ્રમુખ અસ્મીતાબેન ચૌધરીએ રાજીનામાના લેટરમાં સહી કરી. પરંતુ ટી.ડી.ઓ સમક્ષ રૂબરુ હાજર થવા માટે આનાકાની કરી. ભીખાલાલ અને અજમલજી ઠાકોરના પ્રયત્નોથી તાલુકા પંચાયત પ્રમુખ ટી.ડી.ઓ. સમક્ષ રાજીનામું આપવા રૂબરૂ હાજર થયા.
સૌ પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત આવી એટલે તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી પત્ર મહેસાણા જિલ્લા પંચાયત મોકલી આપ્યો હતો. ત્યારબાદ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરનારા ભાજપના છ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવા પત્ર લખ્યો તે પણ ટી.ડી.ઓ.એ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી પત્ર જિલ્લા પંચાયતમાં મોકલી આપ્યો. અને છેલ્લે ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ અસ્મીતાબેન ચૌધરીએ રાજીનામું આપ્યુ ત્યારે પણ ટી.ડી.ઓ.એ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી પત્ર જિલ્લા પંચાયતમાં મોકલી આપ્યો. એક જ દિવસના ત્રણ ઘટના ક્રમની જાણ જિલ્લા વિકાસ અધિકારીની થઈ છે. હવે નિર્ણય લેવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીની છે.
અગાઉ જયારે ખેરાલુ તાલુકા પંચાયતમાં આવી જ રીતે તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યુ ત્યારે જિલ્લા પંચાયતની જનરલ મિટીંગમાં રાજીનામાનો ઠરાવ કરી રાજીનામું મંજુર કરાયુ હતુ. હવે નવા નિયમ પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારી સીધુ જ તાલુકા પંચાયત પ્રમુખનુ રાજીનામું મંજુર કરે તો ઉપપ્રમુખ, બાબુજી ઠાકોરને પ્રમુખની ચુંટણી ન થાય ત્યાં સુધી પ્રમુખનો ચાર્જ મળશે.
અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરનાર ૧ર સભ્યો (૧) ચૌધરી બબુબેન ભગવાનભાઈ (ચાણસોલ), (ર) ઠાકોર સેંધાજી જુજારજી (કુડા) ભાજપ, (૩) ઠાકોર વસુબેન ભુપતજી (ડભોડા-૧)ભાજપ, (૪) ઠાકોર બાબુજી દિવાનજી (વિઠોડા) ભાજપ, (પ) પ્રજાપતિ મનિષાકુમારી અમિતકુમાર (ગોરીસણા) ભાજપ (૬) ચૌધરી હિરાબેન મહેશભાઈ (મલેકપુર) ભાજપ (૭) ઠાકોર લક્ષ્મણજી કોનાજી (ડભોડા-ર) કોંગ્રેસ (૮) ઠાકોર પરબતજી કુંવરજી (ડભાડ)કોગ્રેંસ (૯) પરમાર કૈલાશબા રણજીતસિંહ (નાનીવાડા)કોગ્રેંસ (૧૦)પરમાર પ્રવિણચંદ્ર કચરાલાલ (લુણવા) કોંગ્રેસ, (૧૧) મોમીન નુરઅલી નશીરભાઈ (લીમડી) કોગ્રેંસ (૧ર) પરમાર ઉષાબેન જીતેન્દ્રભાઈ (ચાડા) કોગ્રેંસ અને છેલ્લે વિધાનસભાની ચુંટણી તાકડે જે રીતે ભાજપના નેતાઓને ઉંઘતા રાખી સતલાસણા તાલુકા પંચાયત કોગ્રેંસે કબ્જે કરી લીધી હતી. તે જ રીતે ખેરાલુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને લાભ દેખાતા તમામ આગેવાનો એક થઈ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરાવવા તાલુકા પંચાયત પહોચ્યા હતા. પરંતુ ભીખાલાલ ચાચરીયા અને અજમલજી ઠાકોરે ભાજપના બાગી સભ્યો સાથે ગણત્રીના કલાકોમાં સમાધાન કરી કોંગ્રેસની નાવડીના શઢમાં ભરાતી હવા કાઢી નાંખી કહેવાય.