Select Page

આંતરરાષ્ટ્રીય મહિલા દિને ફક્ત એકજ દિવસે નહી પરંતુ
જીવન પર્યત સ્ત્રી સન્માન એજ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિને ફક્ત એકજ દિવસે નહી પરંતુ<br>જીવન પર્યત સ્ત્રી સન્માન એજ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર

તંત્રી સ્થાનેથી…

ભારતમાં આદિ અનાદિ કાળથી મહિલાઓને જગદજનનીના સ્વરૂપે પુજવામાં અને સન્માનવામાં આવે છે. સમય બદલાતા મહિલાઓને વિવિધ લાચારીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ સ્ત્રી સન્માનનુ મહત્વ એ આપણી સંસ્કૃતિ છે. એક સ્ત્રી માઁ, દાદી, નાનીમા, મામી, કાકી, બહેન, પત્ની, પુત્રી જેવા અનેક સબંધોથી સમાજમાં બંધાયેલી છે. ત્યારે વિચારો કે પૃથ્વી ઉપર નારી ન હોત તો, આખો બંધ કરીને થોડી કલ્પના કરી જુઓ. સ્ત્રી એટલે એક ધૂપસળી છે. જેમાં આગ છે, ધીરજ છે, સહનશીલતા છે અને પોતાની જાતને ધીમે ધીમે બાળીને પરિવારને સુગંધીત કરવાની તાકાત પણ છે. આ બધુ એટલા માટે અત્યારે યાદ કરવુ પડ્યુ છેકે ૮ માર્ચના રોજ ‘વુમન્સ ડે’ તરીકે ઉજવ્યો. ઘણા પુરુષોએ નોકરી કે વ્યવસાયમાં પોતાનાથી ઉપરી મહિલા અધિકારીને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી. મહિલા અધિકારી કે સહકર્મચારી આગળ પોતાની સારી છાપ ઉભી કરવા માટે સન્માન આપ્યુ. ત્યારે પોતાના પરિવારમાં રહેલી સ્ત્રી શક્તિને આવુ સન્માન આપો તેજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનુ તાત્પર્ય જાળવ્યુ કહેવાય. જેમ રોઝ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઈન ડેની જેમ ‘વુમન્સ ડે’ પણ પશ્ચીમી દેશોની ભેટ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો જન્મ આંદોલનથી થયો છે. વર્ષ ૧૯૦૮ માં ૨૮ મી ફેબ્રુઆરીના રોજ હજ્જારો મહિલાઓએ અમેરિકાના ન્યુયોર્કમાં રેલી યોજીને નોકરીમાં સમાન હક્કની માગણી કરી સમાન સેલેરી અને સમાન કલાક માટે અવાજ ઉઠાવ્યો હતો. આ પ્રદર્શન બાદ સોશિયલીસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને વર્ષમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવવાની સત્તાવાર જાહેરાત કરી. ૧૯૧૭ માં યુધ્ધ દરમ્યાન રશીયાની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસ એટલે કે બ્રેડ અને કપડા માટે હડતાળ ઉપર જવાનો નિર્ણય કર્યો. આ ઐતિહાસિક હડતાળના કારણે સમ્રાટ નિકોલસને પદ પરથી રાજીનામુ આપવાની ફરજ પડી. જે બાદ વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો. આ દિવસ ગ્રેગોરિયન કેલેન્ડરમાં ૮ માર્ચ હતો. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચથી ઉજવવાનુ શરૂ થયુ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો હેતુ છે મહિલાઓને સમાન અધિકાર આપવા અને સમાજમાં ભાગીદારી વધારવી. દરેક દેશમાં આ દિવસ અલગ અલગ રીતે મનાવાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને રાજકીય, આર્થિક, ઐતિહાસિક, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રે મહિલાઓની સિધ્ધિઓને યાદ કરવામાં આવે છે. મોટે ભાગે મહિલાઓને ફુલ સહિતની કેટલી ગીફ્ટ આપીને સન્માન કરવામાં આવે છે. મોટાભાગના પુરુષોએ નોકરી કે વ્યવસાયમાં પોતાનાથી ઉપરી હોદ્દો ધરાવતી મહિલાને ગુલદસ્તો કે ભેટ આપીને વુમન્સ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવી હશે. ત્યારે વુમન્સ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવનાર પુરુષોએ પોતાની પાછળ સર્વસ્વ ન્યોછાવર કરનાર માઁ, પત્ની કે બહેનને શુભેચ્છા પાઠવી ખરી? ૧૯૦૮ માં અમેરિકામાં મહિલાઓએ આંદોલન કરતા વુમન્સ ડેનો જન્મ થયો. ત્યારે ભારતના હજ્જારો વર્ષ જુના ઈતિહાસના પાને સમાજ અને રાષ્ટ્ર માટે બલિદાન આપનાર અનેક મહિલાઓના નામ કંડારાયેલા છે. પરંતુ આપણને તો પશ્ચીમી સંસ્કૃતિનુ ઘેલુ લાગ્યુ છે. ભારતીય સંસ્કાર પ્રમાણે જ્યાં નારીનુ પૂજન અને સન્માન કરવામાં આવે છે ત્યા દેવતા વાસ કરે છે. આ વાતને સાર્થક કરતો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us