Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તીવ્ર ઈચ્છા શક્તિ રાખે તો…
વિસનગર નાગરિક બેંક પુનઃ જીવંત કરવી શક્ય

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તીવ્ર ઈચ્છા શક્તિ રાખે તો…<br>વિસનગર નાગરિક બેંક પુનઃ જીવંત કરવી શક્ય

ગુજરાત સરકારમાં વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી મહત્વનુ સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ સમક્ષ પણ ઋષિભાઈ પટેલની સારી ઈમેજ છે. ત્યારે આવા સુવર્ણકાળનો સદ્‌ઉપયોગ કરી વિસનગરને પોતાની બેંક મળે તે માટેની તક ઝડપી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પ્રયત્નો કરવા જોઈએ. સહકારી નગરીમાં સહકારી ક્ષેત્રના ઘણા અનુભવી લોકો છે. આવા અનુભવી આગેવાનોની ટીમ બનાવે તો વિસનગર નાગરિક બેંક પુનઃજીવીત કરવી શક્ય છે. કેબીનેટ મંત્રી તીવ્ર ઈચ્છા શક્તિ ધરાવે તો પણ સ્પેશ્યલ કેસમાં વિસનગરમાં બેંક મંજુર થાય તેમ છે.
સહકારી ક્ષેત્રમાં વિસનગરનો સુવર્ણયુગ હતો. સહકારી બેંકો અને સંસ્થાઓથી શહેર ધમધમતુ હતુ. જેમાં વિસનગર નાગરિક સહકારી બેંકની ગુજરાત ભરમાં શાખાઓ હતી. વિસનગરની પોતાની બેંક હોવાથી વેપારીઓને ધંધાના વિકાસમાં ખુબજ મદદરૂપ હતી. પરંતુ રાજકીય દ્વેષભાવ અને હરિફાઈમાં બેંક ફડચામાં ગઈ. જોકે બેંક બંધ થવા પાછળ બેંકમાં ફૂલેલો ફાલેલો વ્યાપક ભ્રષ્ટાચાર પણ એટલોજ જવાબદાર હતો. વિસનગર નાગરિક બેંક બંધ થવાના કારણે શહેરની અન્ય બેંકો અને ક્રેડીટ સોસાયટીઓ પણ ફડચામાં ગઈ. હાલ પરિસ્થિતિ એવી છેકે સહકારી ક્ષેત્રે નામના ધરાવતા વિસનગરમાં પોતાની એક પણ બેંક નથી.
• સહકારી ક્ષેત્રના જાણકાર અનુભવી આગેવાનોની ટીમ બનાવે તો કામ સરળ બને તેમ છે
• વડાપ્રધાન મોદી, અમીતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મદદથી સ્પેશ્યલ કેસમાં પણ બેંકની મંજુર મળી શકે
વિસનગરમાં રાષ્ટ્રીય કૃત બેંકોમાં મોટાભાગના પરપ્રાન્તના કર્મચારી હોવાના કારણે સંતોષકારક સેવા મળતી નથી. આસપાસના તાલુકાની બેંકો વિસનગરમાં ધમધમે છે. જે બેંકોમાં લોન માટે બહારના લોકોને આજીજી કરવી પડે છે. વિસનગર નાગરિક બેંકની ફડચા પ્રક્રિયા છેલ્લા ઘણા વર્ષથી ચાલે છે. સરકારના ફડચા અધિકારીઓ પોતાના હિતમાં કામ કરે છે. બેંકના હિતમાં કોઈ કામ કરતુ નથી. અધિકારીઓ પોતાના સ્વાર્થ ખાતર ફડચા પ્રક્રિયા લંબાવી રહ્યા છે. લેણા તથા દેવામાં અધિકારીઓ અને મેનેજર પોતાની ગોઠવણ કરી રહ્યા છે. નાગરિક બેંકમાં વસુલાત કરેલ રકમનુ મોટુ ભંડોળ પડ્યુ છે. જે ડી.આઈ.સી.જી.સી.ના પૈસા છે. ત્યારે કરોડોની રકમ ડી.આઈ.સી.જી.સી. માડવણ કરે તો આ રકમથી બેંક ફરીથી ચાલુ થાય તેમ છે.
વિસનગર શહેર અને તાલુકાની જનતાએ ઋષિભાઈ પટેલને સતત ચાર ટર્મ ચુંટણીમાં વિજયી બનાવ્યા છે. ત્યારે હવે ચીલા ચાલુ વિકાસના કામ છોડી વિસનગરને પોતાની બેંક મળે તેવા કેબીનેટ મંત્રીએ પ્રયત્નો કરવા જોઈએ. ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ મુખ્યમંત્રી પછી બીજા નંબરનુ સ્થાન ધરાવે છે. સિનિયર અને વગદાર નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ સાથે પણ સબંધ ધરાવે છે. ઋષિભાઈ પટેલ વિસનગર માટે કંઈક આગવુ કરી છુટવાની તીવ્ર ઈચ્છા શક્તિ ધરાવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આર.બી.આઈ.માં મદદ કરે તેમ છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ પાસે સહકાર ખાતુ છે. ગુજરાતમાં જે સરકાર હોય તેજ કેન્દ્રમાં સરકાર અને કેન્દ્રીય નેતાગીરી સાથેના સબંધો આવો સુવર્ણકાળ ક્યારેકજ રચાતો હોય છે. ત્યારે આ તક ઝડપી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગરની જનતાનુ દિર્ઘકાલીન હિત ઈચ્છતા હોય તો નાગરિક બેંક પુનઃજીવીત કરી શકાય અથવા તો નવી બેંકની મંજુરી મેળવી શકાય.
વિસનગર માર્કેટયાર્ડના પૂર્વ સેક્રેટરી પ્રભુદાસ એન.પટેલે જણાવ્યુ છેકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ધારે તો કંઈ અશક્ય નથી. ચીમનભાઈ પટેલની સરકારમાં સ્પેશ્યલ કેસમાં આખા ગુજરાતમાં ફક્ત ઉનાવા નાગરિક બેંકને મંજુરી મળી હતી. ઋષિભાઈ પટેલ સરકારના અનુભવી અને સિનિયર ધારાસભ્ય છે. નવી બેંક ઉભી કરવાની સક્ષમતા અત્યારે કેબીનેટ મંત્રી ધરાવે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us