Select Page

કડા રોડ ઉપર મંજુરી પહેલાજ વહેળામાં પાઈપો નંખાઈ

માર્ગ મકાન વિભાગની ગેરરીતીનો આર.ટી.આઈ.થી પર્દાફાશ

  • અવરજવર માટે એપ્રોચ રોડની મંજુરી આપી જ્યારે આખા વહેળામાં દબાણ થયુ

વિસનગરમાં વરસાદી પાણીના નિકાલના વહેળામાં થતા દબાણોનો ઘણા વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વહેળામાં કોની મંજુરીથી નાળા બની રહ્યા છે અને પાઈપ લાઈનો નંખાઈ રહી છે તે માટે આર.ટી.આઈ. કરવામાં આવી હતી. ત્યારે માર્ગ મકાન વિભાગની ગેરરીતીનો પર્દાફાશ થયો છે. પાલિકાના એક લેટર ઉપરથી સ્પષ્ટ જણાય છે કે માર્ગ મકાન વિભાગની મંજુરી પહેલાજ વહેળામાં પાઈપો નંખાઈ ગઈ હતી. મોટી લેતી દેતી બાદ મંજુરી આપી હોવાનુ ચર્ચાય છે.
સરકારમાં એક રેવન્યુ વિભાગ અને બીજુ માર્ગ મકાન વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે. પરંતુ લોકહિતનો વિવાદ કર્યા વગર આડેધડ મંજુરીઓ આપતા આ સરકારી બાબુઓ ઉપર કોઈનો અંકુશ નથી. વિસનગરમાં કડા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ કરતા વહેળામાં થયેલા દબાણોનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જ્યારે વહેળામાં દબાણ હટાવવાની નોબત આવી ત્યારે સરકારનો એક પણ વિભાગ જવાબદારી લેવા તૈયાર નહોતો. ત્યારે કોની મંજુરીના આધારે વહેળામાં પાઈપલાઈનો નાખી તેની માહિતી માટે જાન્યુઆરી ૨૦૨૩ માં માર્ગ મકાન વિભાગમાં એક આર.ટી.આઈ. થઈ હતી. જેમાં શરૂઆતમાં અમુક જ માહિતી આપવામાં આવી હતી. અરજદાર પાસે જ્યારે સંપુર્ણ માહિતી આવી ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ગેરરીતીનો પર્દાફાશ થયો હતો.
માર્ગ મકાન વિભાગ દ્વારા તા.૨૪-૮-૨૦૨૨ ના રોજ વહેળા ઉપર એપ્રોચ રસ્તાની મંજુરી આપવામાં આવી હતી. જેમાં વરસાદી પાણીના નિકાલના વહેળાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે વિગત છુપાવી છે. મંજુરીમાં એપ્રોચનો ઉપયોગ ફક્ત અવર જવર માટે મર્યાદિત રહેશે. કોઈપણ પ્રકારનુ ગેરકાયદેસર બાંધકામ કે દબાણ કરાશે નહી. એપ્રોચ રસ્તાથી મુખ્ય રસ્તા કે રસ્તાની સાઈડમાં આવતા અન્ય વરસાદી કે કુદરતી પાણીના વહેળાના વહેણ પ્રભાવિત ન થાય તે માટે જરૂરી સ્ટ્રક્ચર કે નાળુ બનાવવાનુ રહેશે. વરસાદી પાણીના નિકાલની સંપુર્ણ જવાબદારી અરજદારની રહેશે તેવી અન્ય શરતો કરવામાં આવી છે. મંજુરીના પત્રો પણ અલગ અલગ તારીખના છે.
વરસાદી પાણીના વહેળામાં પાઈપો નાખવામાં આવતા વિવાદ થયો હતો. જેમાં તા.૧૫-૩-૨૦૨૨ ના રોજ વિસનગર પાલિકા દ્વારા માર્ગ મકાન પેટા વિભાગ વિસનગરની કચેરીમાં પત્ર લખવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, સ્થળ ઉપર બાંધકામ થયુ (પાઈપો નંખાઈ ગઈ) હોવાથી વરસાદી પાણીના નિકાલને કોઈ અડચણ નથી તે પ્રકારની એન.ઓ.સી. આપવાની થતી નથી. પાલિકા દ્વારા તા.૧૫-૩-૨૨ ના રોજ માર્ગ મકાન વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. જ્યારે જેમાં ઉલ્લેખ કરાયો છેકે વહેળામાં પાઈપલાઈનો નંખાઈ ગઈ છે. જ્યારે આ પત્રના પાંચ માસ બાદ માર્ગ મકાન વિભાગે તા.૨૪-૮-૨૨ ના રોજ મંજુરી આપી હતી. જેમાં સ્ટ્રક્ચરવાળુ નાળુ બનાવવાની શરત મુકવામાં આવી છે. જોકે આ મંજુરી પહેલા વહેળામાં પાઈપો નંખાઈ ગઈ હતી. આ બાબતે ખરેખર તપાસ થવી જોઈએ અને માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us