કેનાલમાં કિશોરી તણાઈને મૃત્યુ પામી પછી લોખંડની જાળીઓ નાખી તેમ રખડતા પશુ કોઈનો ભોગ લેશે પછી પાલિકા જાગશે
વિસનગરની પ્રજાએ ભાજપના સભ્યોને ખોબલે ખોબલે મત આપ્યા પરંતુ આ સભ્યોને લોકોની કંઈ પડી નથી અને મેળવેલ મતની કોઈ કિંમત નથી. શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છે. લોકો અડફેટે આવી ઈજા પામે છે. ત્યારે પાલિકા સભ્યો ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ બેસી રહ્યા છે. શહેરમાં રખડતા પશુઓની હેરાનગતી જોઈ પાલિકા કંઈ નહી કરતા ભાજપના સભ્યોને શેના માટે ચુંટીને મોકલ્યા છે તે વિચાર કરી રહ્યા છે.
વિસનગરમાં અત્યારે રખડતા પશુઓનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જાહેર રોડ ઉપર ગાયોના ધાડેધાડા જોવા મળી રહ્યા છે. લોકોને અડફેટે લેતી , વગાડતી અને મોતને ઘાટ ઉતારતી રખડતી ગાયો પકડી પુરવા માટે હાઈકોર્ટ દ્વારા હુકમ કરાયો છે. જેનો મોટા ભાગની પાલિકાઓ અમલ કરી રહી છે. ત્યારે વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદી, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ અને ભાજપના સભ્યોને હાઈકોર્ટના હુકમની પણ દરકાર નથી. પાલિકામાં જ્યા મળતર હોય તેજ કામ થાય છે.
ભાજપ શાસીત પાલિકાની મશ્કરી કરતી ચર્ચા-રખડતા પશુ પકડવાના કોન્ટ્રાક્ટમાં કંઈ મળતર હોતુ નથી એટલે ટેન્ડરીંગ કરાતુ નથી
ત્યારે ગાયો પકડવાના કોન્ટ્રાક્ટમાં કંઈ મળતુ નહી હોવાથી કોન્ટ્રાક્ટ માટે મહેનત કરવામાં આવતી નથી તેવી હવે પાલિકા ઉપર છેલ્લી કક્ષાના આક્ષેપો કરતી ચર્ચાઓ થઈ રહી છે. ગત વર્ષ થલોટા ચાર રસ્તા પાસે કેનાલમાં તણાઈને એક કિશોરીએ જીવ ગુમાવ્યા બાદ પાલિકા દ્વારા તાત્કાલિક તમામ કેનાલના મુખ આગળ જાળીઓ લગાવવામાં આવી હતી. આવીજ રીતે શહેરમાં રખડતા પશુ કોઈનો ભોગ લેશે પછી પાલિકા તંત્ર જાગશે. રખડતા પશુની અડફેટથી ઈજાના શહેરમાં રોજે રોજ બનાવી બની રહ્યા છે. ત્યારે ભાજપના સભ્યો નફ્ફટ બનીને તમાશો જોઈ રહ્યા છે. પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપવામા સભ્યો અંદરો અંદર લડી શકે છે. પરંતુ પ્રજાના પ્રશ્નો માટે અને રખડતા પશુઓના ત્રાસમાથી શહેરીજનોને છુટકારો આપવા માટે કોઈ સભ્ય બોલવા કે લડવા તૈયાર નથી. નવાઈની વાત તો એ છે કે અત્યાર સુધી ભાજપના એક પણ સભ્યએ રખડતી ગાયો પકડવા માટે પાલિકામાં રજુઆત કરી નથી.
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પાલિકા સભ્ય હિરેનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી માટે રજુઆત કરી છે કે, શહેરના સ્ટેશન રોડ, પાલડી ત્રણ રસ્તા થી કડા ચાર રસ્તા સુધી મુખ્ય હાઈવે ઉપર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી હોય છે. સ્ટેશન રોડ ઉપરથી વૃધ્ધો, સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ પસાર થાય છે. જે અડીંગો જમાવીને બેઠેલા ઢોરની અડફેટનો ભોગ બને છે. સ્ટેશન રોડ ઉપર આખલાઓ બાખડતા દોડધામ થઈ જાય છે. ત્યારે શહેરમા વર્ષોથી જોવા મળતી રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા ભાજપનુ તંત્ર નિષ્ફળ ગયુ છે. રખડતા ઢોર કોઈનો જીવ લેશે ત્યારે ભાજપ શાસીત પાલિકા જાગશે. સરકાર દ્વારા રખડતા ઢોર માટે નંદીવન બનાવીશુ એવી વિકાસની પોકળ જાહેરાતો કરાઈ છે. અને પ્રજાની ટેક્ષના પૈસા ભ્રષ્ટાચારમાં ખર્ચાઈ જાય છે.