Select Page

પાઈપલાઈનમાં ગેરરીતી કરનાર એજન્સી રદ કરવાનો ઠરાવ મંજુરદેળીયુ ભરવામાં પાલિકા નિર્બળ-કુદરત બળવાન

પાઈપલાઈનમાં ગેરરીતી કરનાર એજન્સી રદ કરવાનો ઠરાવ મંજુરદેળીયુ ભરવામાં પાલિકા નિર્બળ-કુદરત બળવાન

દેળીયુ તળાવ ભરવા માટે પાલિકા દ્વારા ઘણા વર્ષથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં આ વર્ષે ટેન્ડરીંગ કરી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે પાઈપલાઈન નાખવામાં કોન્ટ્રાક્ટર ગેરરીતી કરતા કામગીરી અટકાવી એજન્સી રદ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી આ વર્ષે તળાવ ભરવામાં પાલિકા નિર્બળ સાબીત થઈ છે જ્યારે તળાવ ભરવામાં કુદરત બળવાન સાબીત થયુ છે. તળાવ અત્યારે છલોછલ ભરાઈ ગયુ છે.
પાણી પુરવઠા બોર્ડને ગ્રાન્ટ તબદીલ કરી પાઈપલાઈન નાખવાની કામગીરી કરાવવી જોઈએ
અગાઉ દર ચોમાસા પહેલા દેળીયા તળાવના આવરા સાફ કરવામાં આવતા હતા. કારણકે તળાવમાં પાણીની આવકનો એકમાત્ર વિકલ્પ હોવાથી આવરાની સફાઈ થતી હતી. જેમાં પાલિકા દ્વારા નિરસતા દાખવવામાં આવી રહી છે. આવરામાં દબાણો થતા સફાઈ શક્ય નથી. ચોમાસામાં ધરોઈ ડેમના ઓવરફ્લોથી તળાવ ભરાય તે માટે ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી ૩.૭૦ કિ.મી. NP3 પાઈપલાઈન નાખવા રૂા.૧.૨૬ કરોડનુ ટેન્ડરીંગ કરી સુરતની ગ્રીનલીક એન્યારોટેક પ્રા.લી.ને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટરે ઓછી જાડાઈની પાઈપલાઈન નાખી ગેરરીતી કરતા કામગીરી અટકાવવામાં આવી હતી. જેના કારણે પાઈપલાઈન ખોદકામ માટે સંમતી આપનાર ખેડૂતોને પણ હેરાન થવુ પડ્યુ હતુ. પાલિકા દ્વારા જેસીબીથી પુરાણ કરાયુ હતુ પરંતુ ચોમાસામાં ખેતરની જમીન બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતની આ એજન્સી ગેરરીતી કરતા પકડાતા પાલિકાની જનરલમાં આ એજન્સી રદ કરી ડીપોઝીટ જપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો. જેથી હવે ફરીથી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. વિસનગર પાલિકાના બાંધકામ વિભાગ કે પાણી પુરવઠા વિભાગમાં અનુભવી એન્જીનીયર નહી હોવાથી કોન્ટ્રાક્ટરો ગેરરીતી કરે છે અને લેવલ વગરનુ કામ થાય છે. જેથી પાઈપલાઈન નાખ્યા બાદ પણ તળાવમાં પાણી આવશે કે નહી તેની કોઈ ગેરન્ટી હોતી નથી. અગાઉ ધરોઈ કેનાલથી પીંડારીયા તળાવ ભરવા માટે પાઈપલાઈન નાખવાની કામગીરી પાણી પુરવઠા બોર્ડને આપવામાં આવી હતી. પાલિકાએ ગ્રાન્ટની રકમ પાણી પુરવઠા બોર્ડમાં તબદીલ કરવામાં આવતા પાઈપલાઈન નાખી હતી છતા તળાવ ભરાયુ ન હોઈ અત્યારે ધરોઈ કેનાલથી પાઈપલાઈન દ્વારા પીંડારીયુ તળાવ ભરવામાં આવે છે. આજ રીતે ધરોઈ કેનાલથી દેળીયા તળાવની પાઈપલાઈન માટે પાણી પુરવઠા બોર્ડમાં ગ્રાન્ટ તબદીલ કરી આ વિભાગ દ્વારા પાઈપલાઈન નાખવાનુ કામ કરાવવામાં આવે તો દેળીયુ તળાવ ભરવાની વર્ષોની સમસ્યાનો અંત આવે તેમ છે. બાકી પાલિકામાં આવતા કોન્ટ્રાક્ટરો તો ગેરરીતી કરવા ટેવાયેલા છે. આ વર્ષે ધરોઈ ડેમ ઓવરફ્લો થયો છે. પરંતુ પાઈપલાઈન નહી નંખાતા ધરોઈનો લાભ મળશે નહી.
જોકે દેળીયુ તળાવ ભરવામાં પાલિકાની નિર્બળતા સામે કુદરત બળવાન સાબીત થઈ છે. આ વર્ષે પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ થવાના કારણે કુદરતી આવરામાંથી પાણીની આવક થતા તળાવ છલોછલ ભરાયુ છે. પાણીની આવકના ગેટ આગળ મુકવામાં આવેલ પથ્થર હવે એક ફૂટ બાકી રહ્યો છે. સતત બીજા વર્ષે તળાવ ભરાતા શહેરના ટ્યુબવેલ જીવંત રહેશે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts