ખેરાલુમાં બે ધારાસભ્યો આપવાનું વચન કયારે પુરુ કરશે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
ખેરાલુ વિધાનસભા- ર૦રરની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. જેમા ચુંટણી સમયે એવુ લાગતુ હતુ કે અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ છે. ભાજપ જીતશે તેવુ આઈબી રિપોર્ટમાં પણ ક્યાંય સાંભળવા મળતુ નહોતુ ત્યારે વિધાનસભાની ચુંટણીના અઠવાડીયા પહેલા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમા અમિતભાઈ શાહે ખેરાલુ વિધાનસભાની જનતાને વચન આપ્યુ હતુ કે ખેરાલુના વર્તમાન ધારાસભ્ય અજમલજી છે તેમની ચિંતા તમે ના કરતા હું કરીશ. ટીકીટ એક જ હોય એટલે એક જ વ્યક્તિને મળે છે. આ વખતે સરદારભાઈ ચૌધરીને આપી છે અજમલજીની ચિંતા કરવાની જવાબદારી મારી છે. દરેક મત વિસ્તારને એક ધારાસભ્ય મળે છે. તમે સરદારભાઈને જીતાડી દો તમને બે ધારાસભ્ય મળશે. અમિતભાઈ શાહનુ વચન સાંભળી ઠાકોર સમાજે ભાજપના સરદારભાઈ ચૌધરીને ખોબલે ખોબલે મત આપ્યા પરિણામ આવ્યુ ત્યારે ભાજપ પ્રથમ ક્રમે હતુ. કોંગ્રેસ બીજા ક્રમે અને અપક્ષ ત્રીજા ક્રમે ધકાલાયુ હતુ.
ગૃહમંત્રી અમિતભાઈ શાહે વચન આપ્યાને એક વર્ષ પૂર્ણ થયુ. ઠાકોર સમાજના લોકોને એવુ લાગતુ હતુ કે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરને ઠાકોર વિકાસ નિગમના ચેરમેન કે પછી લોકસભામા સ્થાન મળશે. લોકસભા ર૦ર૪ ની ચુંટણી આવી રહી છે. ઠાકોર સમાજ દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહના વક્તવ્યનો વિડીયો સોશિયલ મિડીયામા ફરતો કર્યો છે. ઠાકોર સમાજ સંપૂર્ણ ભાજપ સાથે છે. ર૦રર વિધાનસભામા ચૌધરી સમાજ સંપૂર્ણ કોંગ્રેસ સાથે હોવા છતા ઈત્તર કોમ અને ઠાકોર સમાજના ટેકાથી સરદારભાઈ ચૌધરી ચુંટાયા છે. ખેરાલુ વિધાનસભાની ર૦રરની ચુંટણીમા ચૌધરી સમાજના તમામ ગામોમાંથી કોંગ્રેસ પ્લસ હતી. જયારે ઠાકોર અને ઈત્તરકોમે સાથે ક્ષત્રિય રાજપૂતો જોડાતા ભાજપનો ભવ્ય વિજય થયો હતો.
ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે કોરોના સમયમાં પોતાની ચિંતા કર્યા વગર દિવસ- રાત લોકોની સેવા કરી છે. ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમા સિંચાઈના પાણીની સમસ્યા ભોગવતા ગામો માટે તત્કાલિન સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સામે આગેવાનોને લઈ જઈ સરકારમાંથી ધરોઈ આધારિત પાઈપ લાઈનથી તળાવો ભરવાની સિંચાઈ યોજના મંજૂર કરાવવા ખુબ જ સંઘર્ષ કર્યો હતો. જેના ફળ સ્વરૂપે પ૪ ગામોના ૭૬ તળાવો ભરવા રૂા.ર૬પ કરોડનુ ટેન્ડર મંજૂર થઈ ગયુ છે. ઠાકોર સમાજના ર૦ર૪ ની લોકસભાની ચુંટણીમા મત લેવા હશે તો ગુજરાત સરકારે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહનુ વચન પાળી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરને સન્માનીય નિમણુંક સરકારમાં કે સંગઠનમાં આપવી પડશે. નહી તો લોકસભાની ચુંટણીમા કોંગ્રેસ આ મુદ્દો બનાવી ઠાકોર સમાજના મત લેવામા સફળ થશે. પાટણ લોકસભામા ૭ વિધાનસભા આવે છે. જેમા રાધનપુર,ચાણસ્મા, પાટણ, સિધ્ધપુર, વડગામ, કાંકરેજ અને ખેરાલુ વિધાનસભામા ઠાકોર સમાજનુ પ્રભુત્વ છે. આ મુદ્દે સાતે વિધાનસભાના ઠાકોર સમાજના મતદારોનુ ધ્રુવીકરણ થશે તેવુ લાગે છે.