Select Page

માયાબજારમાં ગટરના પાણીમાંથી શોભાયાત્રા નીકળી વિસનગર પાલિકાનુ રામનવમીના દિવસેજ પોત પ્રકાશ્યુ

માયાબજારમાં ગટરના પાણીમાંથી શોભાયાત્રા નીકળી વિસનગર પાલિકાનુ રામનવમીના દિવસેજ પોત પ્રકાશ્યુ

તહેવારના દિવસોમા અને જ્યાથી શોભાયાત્રા નીકળવાની હોય ત્યા સ્વચ્છતા રાખવાની જગ્યાએ ગટરનુ પાણી વહેતા પાલિકાની નિષ્કાળજીની ભારે ટીકા થઈ હતી. માયાબજારમાં ગટર ઉભરાતા રામનવમીની શોભાયાત્રાના પ્રસ્થાન સ્થળે ગંદુ પાણી વહ્યુ હતુ. શોભાયાત્રામાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને કપડા ન બગડે તેની સાવચેતી રાખવી પડી હતી. ત્યારે વિચારો કે માયાબજારમાં રોજ રોડ ઉપર પાણી રેલાય છે તો અવરજવર કરતા લોકોની શુ હાલત થતી હશે. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પણ હાજર હતા. જેમણે ગટર ઉભરાતા નીચા જોવાનુ થયુ હતુ.
વિસનગર પાલિકાના વર્તમાન બોર્ડ જાહેર રોડ ઉપર ગટરનું પાણી કે પીવાનુ પાણી વહેતુ અટકાવવામાં નિષ્ફળ નિવડ્યુ છે. શહેરના અનેક વિસ્તારો છે જ્યા ગટરો ઉભરાય છે અને ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબુર બને છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ પાસે નગરજનોની સમસ્યા જોવાનો કે તેનો નિકાલ કરવાનો સમય નથી. ત્યારે ખુદ આરોગ્ય મંત્રી ગટર ઉભરાવાની સમસ્યાનો ભોગ બન્યા હતા. પરંતુ લોક સમસ્યામાં બેધ્યાન રહેતા પાલિકા પ્રમુખને કશુ કહી શક્યા નહોતા. અત્યારે રામજન્મ ભૂમિ અયોધ્યામા રામ મંદિરના નિર્માણ બાદ ઉત્તરપ્રદેશ તથા કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી આવનાર દર્શનાર્થીઓને સ્વચ્છતા અને સુવિધા મળે તેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. જ્યારે રામનવમીના દિવસે વર્ષમાં એક વખત નીકળની શોભાયાત્રામાં સ્વચ્છતા રાખવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે.
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને ગટરના પાણીમાંથી ચાલવામાં સાવચેતી રાખવી પડી
રામનવમીના દિવસે માયાબજાર રામદ્વારા મંદિર આગળ શોભાયાત્રા પ્રસ્થાનની તૈયારી ચાલતી હતી. આરતીનો ચડાવો બોલવામાં આવતો હતો. ત્યારે બીજી બાજુ ગોલવાડ તરફથી ગટરનુ પાણી વહેવાનુ શરૂ થયુ હતુ. આમ તો રથની આસપાસ લોકોના ટોળા ઉમટતા હોય છે. પણ ગટરનુ પાણી શરૂ થતાની સાથેજ રથયાત્રામા સામેલ થવા આવેલ ધર્મજનોમાંથી કેટલાક સાઈડના ઓટલા ઉપર ચડી ગયા હતા તો કેટલાક સાઈડમાં ગોઠવાઈ ગયા હતા. બીજી તરફ માયાબજાર ચાર રસ્તા પાસે ગોરા રામજી મંદિરમા પણ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. બે દિવસના આ કાર્યક્રમમાં રામનવમીના દિવસે રોડ ઉપર ગટરનુ પાણી ઉભરાતા લોકોમાં રામનવમીની ઉજવણીનો ઉત્સાહ ભાગી પડ્યો હતો. ગટર ઉભરાયા બાદ શોભાયાત્રા અડધા કલાકમાં નીકળી ગઈ હતી. જ્યારે ગોરા રામજી મંદિરના મહોત્સવમાં આખો દિવસ ગટરના ગંદા પાણીનો સામનો કરવો પડ્યો હતો. ઘર આગળ સામાન્ય પ્રસંગ હોય તો પણ સ્વચ્છતાનુ ધ્યાન રાખવામાં આવે છે. રામનવમીના દિવસે જ્યાથી શોભાયાત્રા નીકળે ત્યાં ગંદકી ન થાય તેનુ પાલિકા તંત્ર ધ્યાન રાખી શક્યુ નહોતુ.
શોભાયાત્રામાં ઉપસ્થિત માયાબજારના વેપારીઓનો કચવાટ હતો કે, ત્રણેક દિવસથી ગોલવાડમાં ગટર ઉભરાતા માયા બજારમાં ગંદકી થાય છે. આમેય માયાબજારમાં મોટાભાગના દિવસે ગટરનુ પાણી રેલાતુ જોવા મળે છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે રામનવમીની શોભાયાત્રામાં પવિત્રતા રહે તે માટે પાલિકાએ કાળજી કેમ ન રાખી. બીજો એ પણ ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે, આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ હાજર રહેવાના હોય તેનો જો પાલિકા તંત્ર વિચાર ન કરે તો ગટર ઉભરાવાની રોજની સમસ્યાનો સામનો કરતા શહેરના લોકોનો તો ક્યાંથી વિચાર કરે?