Select Page

ચિમનાબાઈ સરોવરનુ ભારે વરસાદમાં પણ લેવલ ૧૪ ફૂટે પહોચ્યુ

ચિમનાબાઈ સરોવરનુ ભારે વરસાદમાં પણ લેવલ ૧૪ ફૂટે પહોચ્યુ

સિંચાઈ વિભાગની નિષ્ક્રિયતાને કારણે

  • મોકેશ્વર કેનાલ, કુડા ફિડર અને ડભોડા ફિડરમાંથી ૧૩૦ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમા હજુ પણ ચાલુ છે

ખેરાલુ તાલુકાની જીવાદોરી સમાન ચિમનાબાઈ સરોવરના આવરા સમયસર સફાઈ ન થતા સતત અને ભારે વરસાદમા પણ પાણી ચિમનાબાઈ સરોવરસુધી પહોચ્યુ નથી. ચિમનાબાઈ સરોવરના આવરા સાફ કરવા માટે દર વર્ષે ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં ટેન્ડરીંગ પ્રક્રિયા કરવા તૈયારીઓ શરૂ થવી જોઈએ. સિંચાઈ વિભાગની નિષ્ક્રિયતાને કારણે ચિમનાબાઈ સરોવરના આવરા સાફ કરવામા આવતા નથી. અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળમા ચિમનાબાઈ સરોવરના આવરા સાફ કરાવવા ટેન્ડરીંગમા વ્યાપક ભ્રષ્ટાચાર થતો હતો. જે બાબતે તત્કાલીન ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ફરીયાદ કરતા સિંચાઈ વિભાગની પોલી ખુલ્લી પડી હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી સિંચાઈ વિભાગે ચિમનાબાઈ સરોવરના આવરા સાફ કરવા માટે ટેન્ડરીંગ થતુ જ નથી. તેવુ ચર્ચાય છે.હાલ પાટણ-સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી ચિમનાબાઈ સરોવરમાં ૧૩૦ ક્યુસેક પાણી પહોચી રહ્યુ છે.ચિમનાબાઈ સરોવરનું લેવલ ૧૪ ફુટે પહોચ્યુ છે.
મોકેશ્વર ડેમની કેનાલો સફાઈ માટે ઉનાળામાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ પત્ર લખ્યો હતો. ત્યારબાદ મોકેશ્વર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા જોતા રર-૮-ર૦રપ ના રોજ સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખી ચિમનાબાઈ સરોવરમા મોકેશ્વર કેનાલ મારફત પાણી છોડવા પત્ર લખ્યો હતો તેમજ સિંચાઈ વિભાગના સચિવને સમક્ષ પણ ધરોઈ ડેમ આધારીત કેનાલ દ્વારા ચિમનાબાઈ સરોવરમા પાણી છોડવા જાણ કરી હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા પણ ધરોઈ કેનાલ આધારિત ફિડરોમાંથી ચિમનાબાઈ સરોવરમા પાણી છોડવા જણાવ્યુ હતુ. ધરોઈ મુખ્ય ઈજનેરે જણાવ્યુ હતુ કે મેઈન કેનાલમા રીપેરીંગ ચાલે છે જે સમયસર પુર્ણ કરી પાણી છોડવામા આવશે. બે મહિના પહેલા ધારાસભ્યએ આપેલી સુચના અંતર્ગત હવે કુડા ફિડર અને ડભોડા ફિડરમાંથી ૧૦૦ ક્યુસેક પાણી છોડવામા આવે છે. આ બાબતે ભાજપ અગ્રણી દિનેશજી ઠાકોરે જણાવ્યુ હતુકે રસુલપુર પંપીંગ સ્ટેશનમા પણ પંપ રિપેરીંગ કરવાના હતા જેની સુચના અપાતા યુધ્ધના ધોરણે પંપ રિપેર કરાયા હતા. જેના કારણે કુડા ફિડર અને ડભોડા ફિડરમાંનુ પાણી ચિમનાબાઈ સરોવરમા પહોચ્યુ છે.
ચિમનાબાઈ સરોવરનુ લેવલ હાલ ૧૪ ફુટે પહોચ્યુ છે. આગામી સમયમા ધરોઈથી વરસંગ તળાવ સુધી પહોચેલી પાઈપ લાઈનનુ ટેસ્ટીંગ કરી પાણી છોડવાની શરુઆત થશે. વરસંગ તળાવ ઓવરફલો થતા લુણી નદી અને રૂપેણ નદીમા પાણી છોડતા ચિમનાબાઈ સરોવરમાં વધારાનુ પાણી શરૂ થશે. જે ગુજરાત સરકારના તત્કાલિન સિંચાઈમંત્રી તથા હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને આભારી કહેવાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ખેરાલુ- સતલાસણા તાલુકાના ખેડૂતોની વાત પહોચાડી રૂા.૩૧૭ કરોડની યોજના મંજૂર કરાવી જેના કારણે વરસંગ તળાવમા પાણી પહોચશે.