
મલેશિયા એરપોર્ટ ઉપર પકડાતા સ્વદેશ રવાના કરાયા ગુંજાળાના યુવકોએ વિદેશના મોહમાં રૂા.૮૩ લાખ ગુમાવ્યા

અત્યારના યુવાનોમા વિદેશ જવાનો ઘણો મોહ હોય છે. વિદેશ જવા માટે એ નથી વિચારતા કે જે એજન્ટ કામ કરવાના છે તે કેટલા વિશ્વાસુ છે. વિસનગર તાલુકાના ગુંજાળા ગામના યુવાનોએ ન્યુઝીલેન્ડ જવા મહેસાણાના ચાર શખ્સોને એજન્ટનુ કામ સોપ્યુ હતુ. રૂા.૮૩ લાખ આપતા મલેશિયા થી ન્યુઝીલેન્ડની કબુતરાબાજીમા યુવાનો મલેશિયા પકડાયા હતા. જેમને ભારત પરત મોકલતા મહેસાણાના શ્રી રાધે વિઝા હબ ઓફીસના ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે કબુતરાબાજીના ચાર શખ્સ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર તાલુકાના ગુંજાળા ગામના પ્રયંકકુમાર નાનજીભાઈ ચૌધરી તથા તેમના કુટુંબી ભાઈઓ આકાશકુમાર ગોવિંદભાઈ ચૌધરી, ફેનીલકુમાર વિષ્ણુભાઈ ચૌધરી તથા સાત્વીકકુમાર રમેશભાઈ ચૌધરીએ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમા વિઝીટર ૩ વર્ષના વિઝા મેળવી વિદેશમા કારકિર્દી બનાવવાનુ નક્કી કર્યુ હતુ. મહેસાણા રાધનપુર રોડ ઉપર પ્લેટીના કોમ્પલેક્ષમા શ્રી રાધે વિઝા હબના નામે વિદેશ વિઝાનું કામ કરતા ધવલ સુરેશભાઈ પટેલ, મિલન સુરેશભાઈ પટેલ, અક્ષિત શંભુભાઈ પટેલ તથા હિમાંશુ બીપીનભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. વિઝાનું કામ કરતા આ એજન્ટોએ પ્રિયંકકુમાર ચૌધરી તથા અન્ય ત્રણને વિઝા અપાવવાની જવાબદારી સ્વિકારી હતી અને વિદેશ પહોંચાડવામા નિષ્ફળ રહેશે તો તમામ પેમેન્ટ પરત કરવાની બાંહેધરી આપી હતી. વિદેશ વિઝાની ડીલ નક્કી થતા આ એજન્ટોને રૂા.૮૯ લાખ આપ્યા હતા. ત્યારબાદ એજન્ટ ધવલ પટેલ તથા હિમાંશુ પટેલ અમદાવાદથી મુંબઈ, મુંબઈ થી ચેન્નઈ અને ચેન્નઈથી મલેશિયાની ટિકીટ આપતા ગુંજાળાના ચારેય યુવાનો મલેશિયા ગયા હતા. મલેશિયા રોકાણ કરવાનુ અને વિઝા ફાડી નાખવા માટે ધવલ પટેલ તથા અક્ષિત પટેલે જણાવ્યુ હતુ.
ગુંજાળાના આ ચાર યુવાનોએ વિઝા ફાડી નાખી મલેશિયા એરપોર્ટ ઉપર જતા તેમને પોલીસે કસ્ટડીમા લઈ ડીપોર્ટ કરી તમામને તા.૨૫-૭-૨૦૨૪ના રોજ ભારત પરત મોકલી આપ્યા હતા. વતન પરત આવી ગુંજાળાના ચાર યુવાનો શ્રી રાધે વિઝા હબની ઓફીસે ખર્ચેલા નાણાં પરત લેવા જતા ધવલ પટેલે રૂા.૬ લાખનો જે ચેક આપ્યો હતો તે રીટર્ન થયો હતો. ત્યારબાદ રૂા.૧૫ લાખનો આપેલ ચેક પણ રીટર્ન થયો હતો. જેમાં રૂા.૬ લાખ પરત આપ્યા હતા. આમ વિદેશ મોકલવાની લાલચ આપી રૂા. ૮૩ લાખની છેતરપીંડી કરતા મહેસાણામા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.