Select Page

વિસનગર તાલુકાના ભાન્ડુમા આમ આદમી પાર્ટીની સભા યોજાઈ ગાંધીનગરમાં સરકાર નહી પણ સર્કસ છે-ગોપાલ ઈટાલીયા

વિસનગર તાલુકાના ભાન્ડુમા આમ આદમી પાર્ટીની સભા યોજાઈ ગાંધીનગરમાં સરકાર નહી પણ સર્કસ છે-ગોપાલ ઈટાલીયા

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામમાં આમ આદમી પાર્ટી(આપ)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની સભા થતા એ જરૂર કહી શકાય કે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની આ વિસ્તાર ઉપર હવે પક્કડ ઓછી થઈ રહી છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની જંગી સભા યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રસની જાટકણી કાઢી હતી. આ સભામાં વિસનગર શહેરનો દુષ્કર્મનો બનાવ પણ ઉછળ્યો હતો. ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, ભાજપના શાસનમાં બુટલેગરોની હિંમત વધી છે અને બુટલેગરોના છોકરાઓ બળાત્કાર કરી રહ્યા છે.
ભાન્ડુ ગામમાં વિસાવદર વિધાનસભા સીટમાં તંત્ર સામે બાથ ભીડી પેટા ચુંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની જંગી સભા યોજાઈ હતી. સભામાં ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, વિસાવદરની ચુંટણી બાદ ગુજરાતમાં માહોલ બદલાઈ ગયો છે અને સત્તામાં બેઠેલા લોકો સામે અવાજ ઉઠાવવાની હિમ્મત કરતા થયા છે. લોકો હવે સ્વયંભુ બોલતા થયા કે કામ નહી કરો તો વિસાવદર વાળી થશે. છેલ્લા ૩૦ – ૩૫ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર લોકોના કામ કરવાની જગ્યાએ જેમને સરકાર સામે અવાજ ઉઠાવ્યો તેમને દબાવી દેવાનુ કામ કર્યુ છે. લોકો પાસે વિકલ્પ નહોતો એટલે ભાજપનો અન્યાય સહન કર્યો. પરંતુ જ્યારથી વિસાવદરની ચુંટણીમાં ખેડૂતોએ જંગી મતદાન કરી ભાજપને હરાવ્યુ ત્યારથી ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. અત્યાર સુધી એવુ થતુ રહ્યુ છેકે સરકારમાં જે પાર્ટી હોય તેનો ઉમેદવાર પેટા ચુંટણી જીતે. વિસાવદરની ચુંટણીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, ૧૦ જેટલા મંત્રીઓ, ૪૦ ધારાસભ્યો, ૧૦ સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ, સૌરાષ્ટ્રના બુટલેગરો, કાઠીયાવાડના એપીએમસીના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાના હોદ્દેદારો પ્રચાર કરતા હતા છતા ૧૭૫૦૦ મતથી વિજય અપાવ્યો.
સરકાર સાથે ભાગ બટાઈમાં વિરોધ નહી કરતા કોંગ્રેસનો એક પણ નેતા ભાજપના શાસનમાં જેલમાં ગયો નથી-ગોપાલ ઈટાલીયા
ભાજપ સરકારના દમન સામે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યુ હતું કે, ૩૬ વર્ષની ઉંમરમાં મારી સામે ૩૦ એફ.આઈ.આર. થઈ છે. પરંતુ ભાજપનુ તંત્ર, ભાજપની પોલીસ કે ભાજપના સરકારી વકીલોમાં એટલો દમ નથી કે અમારી લડાઈને રોકી શકે. કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. પરંતુ સરકાર સાથેની ભાગબટાઈના કારણે કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં ગયો હોય તેવુ મારા ધ્યાનમાં નથી. ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યુ હતું કે, ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં બેઠો ત્યારે જોયુ કે સરકાર નથી પણ સર્કસ છે. અનેક પ્રશ્નો સામે ગુજરાતના લોકો જજુમી રહ્યા છે. સામાન્ય માણસની વેદના સાંભળવાવાળુ કોઈ નથી. પૈસા આપ્યા વગર કામ થતુ નથી. ભાજપના આગેવાનો લોકોની રજુઆત સાંભળવા માટે નહી પરંતુ દબાવવા માટે છે. ભાજપને મત આપ્યો, સમય આપ્યો, પૈસા આપ્યા, સ્વાગત સન્માન બધુજ કર્યુ. હવે એક વખત અમારા જેવા જુવાનીયાઓને આશીર્વાદ આપો તો ગુજરાતમાં ઘણુ સારૂ કામ થશે. ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ એ પણ જણાવ્યુ હતું કે, નેતાને ચુંટણીમાં હારવાનો ડર લાગતો બંધ થઈ જાય તો જીંદગીમાં કોઈ કામ કરે નહી. ભાજપને એટલા મત આપ્યા કે નેતાઓને ચુંટણીમાં હારવાનો ડર જતો રહ્યો છે. જે માણસ જનતાથી ન ડરે તે જનતાનુ કામ કરતો નથી.
સરકારમાં બદલાયેલા મંત્રી મંડળ બાબતે જણાવ્યુ હતું કે, ભાજપે એક વખત નહી પરંતુ ત્રણ વખત મંત્રી મંડળ બદલ્યુ. ભાજપજ માને છેકે બરાબર ચાલતુ નથી. ત્યારે આપણેજ સરકાર બદલીયે. સરકાર બદલવાનો ટાઈમ આવી ગયો છે. ભાજપ ખુલ્લેઆમ બુટલેગરોને દારૂ વેચવા દે છે. જેના કારણે બુટલેગરોની હિમ્મત વધી ગઈ છે. બુટલેગરોની હિમ્મત જુઓ કે બુટલેગરના છોકરાએ વિસનગરમાં બળાત્કાર કર્યો.