ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહી? જગતના તાત ઉપર કુદરતની કહેર ત્યારે ભાજપ સરકારની મહેર ક્યારે?
તંત્રી સ્થાનેથી…
ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ, પશુપાલન અને ડેરી એ ભારતના અર્થતંત્રનો પાયો છે. આ ક્ષેત્રો ગ્રામીણ રોજગાર અને આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. દેશમાં ૭૦ ટકા કરતા વધુ ખેતી ઉપર નિર્ભર છે. જ્યારે ૫૮ ટકા જેટલી વસ્તી ખેતી ઉપર આજીવિકા ધરાવે છે. દેશની જીડીપીનો આધાર ખેતી ઉપર રહેલો છે. દેશના જીડીપીમાં ૨૦ ટકા ફાળો આપે છે. ખેત ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આમ કૃષિ પ્રધાન દેશમાં ખેતી અને ખેડૂતોનુ એટલુ યોગદાન છેકે, જો મહત્વ આપવામાં ન આવે તો દેશનો વિકાસ રૂંધાઈ જાય તેમ છે. અત્યારે એટલા માટે ખેતી અને ખેડૂતોને યાદ કરવા પડ્યા છેકે, ગુજરાતમાં કમોસમી વરસાદ બાદની જે સ્થિતિ સર્જાઈ છે તેમાં સરકારની ભૂમિકા ઉપર અનેક શંકાઓ સેવાઈ રહી છે. ખેતીનુ આટલુ મહત્વ હોવા છતા કાયમ જોઈએ તો ખેડૂતોનેજ શોષવા વારો આવે છે. ખેડૂતોને બીયારણ લેવામાં હેરાનગતી, ખાતર લેવા માટે હેરાનગતી, ખેતી માટે પુરતી વિજળીની હેરાનગતી, લાઈટ કનેક્શન માટે હેરાનગતી, જમીન રિસર્વેમાં હેરાનગતી, સરકારની કચેરીઓમાં નોંધો પડાવવા હેરાનગતી, ખેત પેદાશનુ વેચાણ કરવામાં હેરાનગતી, કુદરતના પ્રકોપની હેરાનગતી, આટ આટલી હેરાનગતી હોવા છતા જગતનો તાત પરંપરાગત વ્યવસાયને પકડી રાખી લોકો માટે જીવન નિર્વાહની વસ્તુઓ પુરી પાડે છે. જ્યારે ખેતી સામે ઉદ્યોગોમાં જોવા જઈએ તો હેરાનગતી ઓછી જોવા મળે છે. ખેતીની ત્રણ ઋતુમાં ચોમાસુ ખેતીનુ મહત્વ વધારે હોય છે. ચોમાસામાં પકવેલો પાક તૈયાર થઈને બજારમાં આવે ત્યારે ગંજબજારો અને માર્કેટોમાં રોનક જોવા મળે છે. જોકે આ વર્ષે દિવાળી પર્વનો ઉત્સાહ, ખેતરમાં તૈયાર થયેલા પાકનો આનંદ અને ખેતપેદાશ ઉપર ખેડૂતોના અરમાનો કમોસમી વરસાદે ધોઈ નાખ્યા છે. કમોસમી વરસાદ આફત બનીને વરસતા ખેડૂતોની આસાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે. કારતક મહિનામા ખેતરમાં લહેરાતો પાક લણી વેચાણ કરવાના સમયે ચોમાસા જેવા ભારે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં દશ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીવાડીને નુકશાન થયુ હોવાનો અંદાજ છે. જેમાં મગફળી, કપાસ જેવા રોકડીયા પાકોને વધુમાં વધુ નુકશાન થયુ છે. આ ઉપરાંત્ત ખરીફ પાક જેવા કે જુવાર, બાજરી, કઠોળ જેવા પાકોને પણ ભારે નુકશાન થયુ છે. કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમા આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. જમીનમાંથી કાઢેલી મગફળી પલળી જતા કાળી પડવાથી તેનો ભાવ ૪૦ થી ૫૦ ટકા ઓછો આવશે ત્યારે ખેડૂતોને કલ્પના પણ કરી ન હોય તેટલુ નુકશાન થયુ છે. ચાલુ વર્ષે મગફળીનુ ૬૫ લાખ મેટ્રીક ટન ઉત્પાદનના અંદાજ સામે ત્રીજા ભાગની મગફળી ખેતરમાંજ નષ્ટ થઈ ગઈ છે. કમોસમી વરસાદના કારણે કપાસમાં પણ ૪૦ ટકાથી વધુની ઘટ પડવાનો અંદાજ છે. આ ઉપરાંત્ત ડુંગળી, લસણ, સોયાબીન, તુવેર, ડાંગર, ફળ અને શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકશાન થયુ છે. કમોસમી વરસાદ બાદ ગુજરાતના મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં માવઠાથી થયેલા નુકશાનનો પ્રાથમિક અહેવાલ રજૂ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે તાત્કાલીક સર્વે કરવા તથા વળતર ઝડપથી ચુકવવા માટેના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ માવઠાના માર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કુદરતે ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવી લીધાનુ દુઃખ વ્યક્ત કરી, ખેડૂતોના ખમીરને બિરદાવ્યુ છે. પરંતુ આ વખતે સરકારનુ આશ્વાસન કે સંવેદના કામ આવે તેમ નથી. છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદે ખેતી પાકને ભારે નુકશાન કર્યુ છે. પાક ધોવાઈ જાય છે અને જમીનનુ પણ ધોવાણ થાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોના ઘરમાં બચત નથી. બીયારણ, જંતુનાશક દવા, ખાતર, મજુરી દિવસે દિવસે મોંઘી થતી જાય છે. આવા સંજોગોમાં ખેતી માટે કરેલુ દેવુ ભરપાઈ થતુ નહી હોવાથી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. જોકે આ વર્ષે ખેડૂતોનો મિજાજ કંઈક અલગ પ્રકારનો છે. કુદરતની થપાટોના કારણે દેવામાં ડુબી ગયેલા ખેડૂતોની સરકાર દ્વારા અપાતી થોડી ઘણી સહાયની નહી પરંતુ દેવા માફીની માગણી પ્રબળ બની છે. જેની ચીનગારી સૌરાષ્ટ્રથી શરૂ થઈ ચુકી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની ચુંટણીઓ આવતી હોઈ કમોસમી વરસાદ બાદ ખેડૂતોનો મૂડ જોઈને ખુદ ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ ખેડૂતોના હિતની સરકાર સમક્ષ રજુઆત કરી છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં જેમના એકજ અવાજે આંદોલનથી રસ્તાઓ સુમસામ બની જતા હતા તેવા કિસાન સંઘ દ્વારા પણ યોગ્ય વળતરની માગણી કરવામાં આવી છે. કોંગ્રેસે પણ તકતો લાભ ઉઠાવી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી છે. આ વખતે એકજ માગણી છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોય તો ખેડૂતોના કેમ નહી? જગતના તાત ઉપર કુદરતની કહેર છે ત્યારે ભાજપ સરકારની કેટલી મહરે રહે છે તે સમય બતાવશે.