Select Page

ભાજપ આ ચુંટણીમાં મેન્ડેટ પ્રથા અપનાવશે તો મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણીમાં બિનહરીફ થવાના એંધાણ

ભાજપ આ ચુંટણીમાં મેન્ડેટ પ્રથા અપનાવશે તો મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણીમાં બિનહરીફ થવાના એંધાણ

આગામી તા.૭મી ફેબ્રુઆરીના રોજ મહેસાણા દૂધસાગર ડેરીની ચુંટણીને લઈને જીલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જેમાં આજે તા.૨૪-૧૧ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને તેમાં નિયામક મંડળની ૧૫ માથી કેટલી બેઠક બિનહરીફ થાય છે તે જાણવા સહકારી તજજ્ઞો ઉત્સુક છે. જો વર્તમાન પરિસ્થિતિને જોઈને દૂધસાગર ડેરીના પુર્વ ચેરમને વિપુલભાઈ ચૌધરી અને પુર્વ ડિરેક્ટર કનુભાઈ ચૌધરી (પ્રમુખ ગૃપ) ભાજપ સામે પોતાની પેનલ નહી બનાવે તો આ ચુંટણી બિનહરિફ થવાની પુરેપુરી શક્યતા છે. જેમાં વિસનગર વિભાગમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના જેના ઉપર આશિર્વાદ હશે તે ઉમેદવાર બિનહરિફ ડીરેક્ટર બનશે તેવી રાજકીય તજજ્ઞોએ આગાહી કરી છે.
વિસનગરમાં રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના જેના ઉપર આશિર્વાદ હશે તે ઉમેદવાર દૂધસાગર ડેરીની ચુંટણીમાં બિનહરીફ ડીરેક્ટર બનશે
હાલની રાજકીય પરિસ્થિતીને જોઈને દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી અને ડેરીના ડીરેક્ટર કનુભાઈ ડી.ચૌધરી (પ્રમુખ ગૃપ) બંન્ને દિગ્ગજ આગેવાનો આ ચુંટણીમાં પોતાની પેનલ ઉતારશે નહી તેવી ચર્ચા
મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના પાંચ વર્ષના શાસનમાં ડેરીમાં અનેક વિવાદો થયા ચેરમેન અશોકભાઈ ચૌધરીના વહીવટ સામે આક્ષેપો થયા પરંતુ ભાજપના ટોચના નેતાઓના આશિર્વાદથી ચેરમેન અશોકભાઈ ચૌધરીનું શાસન પાંચ વર્ષ સુધી ટકી રહ્યુ. ચેરમેન અશોકભાઈ ચૌધરીનો રાજકીય દબદબો વધતા વિરોધીઓએ રાજકીય પરિસ્થિતિ જોઈને સમાધાન કરી વલણ અપનાવ્યા. જેમાં ડેરીની ચુંટણી પહેલા ભાજપના નેતાઓની સમજાવટથી ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ચૌધરી સમાજના ભામાશા કહેવાતા ડેરીના ડીરેક્ટર કનુભાઈ ડી.ચૌધરી (દગાવાડીયા) વચ્ચે રાજકીય સમાધાન થયુ. જ્યારે બીજી તરફ દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી કાયદાકીય પ્રક્રિયામાં ડેરીની ચુંટણી લડી શકે તેમ નથી. આમ હાલની રાજકીય પરિસ્થિતી જોતા આ બંન્ને દિગ્ગજ સહકારી આગેવાનો ચુંટણી લડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જોકે પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી અને ડીરેક્ટર કનુભાઈ ચૌધરીના સમર્થકોમાં એવી ચર્ચા છે કે વિપુલભાઈ ચૌધરી અને કનુભાઈ ચૌધરીએ રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે લોકચાહના મેળવી છે. આ બંન્ને આગેવાનોનું દરેક સમાજમાં રાજકીય પ્રભુત્વ છે. પરંતુ હાલની રાજકીય પરિસ્થિતી પારખીને તેઓ ભાજપ સામે કોઈ બગાવત નહી કરે. જો આ બંન્ને સહકારી દિગ્ગજો પોતાની પેનલ નહી ઉતારે તો આ ચુંટણીમાં મહેસાણા સીટ સહિત વિસનગર,કડી, કલોલ, વડનગર, ચાણસ્મા, સિધ્ધપુર, ઉંઝા તથા બેચરાજી બેઠકના ઉમેદવારો બિનહરીફ થવાની શક્યતાઓ છે. જેમાં વિસનગર વિભાગની બેઠક ઉપર વિસનગર એ.પી.એમ.સી.ના પુર્વ ચેરમેન પટેલ પ્રિતેશભાઈ પ્રભુદાસ, કાંસાના અગ્રણી પટેલ મહેન્દ્રભાઈ અંંબારામદાસ, સુંશીના પટેલ રાજેશભાઈ રેવાભાઈ તથા ધામણવાના પટેલ આશાબેન ભરતકુમારનુ નામ ચર્ચામાં છે. જેમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના જેના ઉપર આશિર્વાદ હશે તે ઉમેદવાર દૂધસાગર ડેરીની ચુંટણીમાં બિનહરીફ ડીરેક્ટર બનશે તેવી રાજકીય તજજ્ઞોએ આગાહી કરી છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી વિસનગર બેઠક ઉપર કોણ ઉમેદવારી ફોર્મ ભરે છે તે જાણવા સહકારી આગેવાનો ઉત્સુક છે.