સનાતન ધર્મનો ક્યારેય અંત આવવાનો નથી-કેબીનેટ મંત્રી
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે તરભ શિવધામમાં અખંડ ધૂન કરાઈ
સોમનાથ મંદિરની સ્થાપનાને ૧૦૦૦ વર્ષ થતા વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિસનગર શહેર અને તાલુકા સંગઠન દ્વારા તરભ વાળીનાથ શિવધામમાં અખંડ શિવધૂનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ભગવો ધારણ કરી શિવધામમાં પૂજા અર્ચના કરી હતી અને શિવધૂનમાં સહભાગી થયા હતા. શહેર અને તાલુકાની ભજન મંડળીઓની બહેનોએ ૭૨ કલાકની અખંડ શિવધૂન કરતા તરભ શિવધામ શિવમય બન્યુ હતુ.
મહંમદ ગજનવીએ ૧૬ મી વખત સોમનાથ મંદિર ધ્વંશ કરી લખલુટ ખજાનો લુંટવાના ૧૦૦૦ વર્ષ પુરા થયા બાદ હાલ આ જ્યોતિર્લિંગ ધરાવતુ મંદિર અડીખમ ઉભુ છે. આક્રમણખોરોની મંદિર ઉપર ચડાઈ કર્યાના ૧૦૦૦ વર્ષ પુરા થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામા આવી. આ ઉજવણી નિમિત્તે વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા તરભ વાળીનાથ શિવધામમાં ૭૨ કલાકની અખંડ ધૂનનો કાર્યક્રમ કરાયો હતો. અખંડ ધૂનના શુભારંભ પ્રસંગે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપસ્થિત રહી ભગવો ધારણ કરી શિવલીંગની પૂજા અર્ચના કરી હતી. વાળીનાથ મંદિરના ગાદીપતિ પૂજ્ય જયરામગીરી બાપુએ આશિર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં વિસનગર શહેર અને તાલુકાની ભજન મંડળની બહેનોએ ૭૨ કલાક એટલેકે સતત ત્રણ દિવસની શિવધૂન કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મહંમદ ગજનવીએ ૧૦૦૦ વર્ષ પહેલા સોમનાથ મંદિરનો ખજાનો લુંટવાનુ કામ કર્યુ હતુ. ત્યારે ૧૦૦૦ વર્ષ પછી શ્રધ્ધા, આસ્થા, ધર્મ અને સંસ્કૃતિને આક્રમણખોરો ડગાવી શક્યા નથી. સનાતન ધર્મનો ક્યારેય અંત આવવાનો નથી. જીવો અને જીવવા દો ની ભાવના વાળો આપણો સનાતન ધર્મ છે. દેશની આઝાદી બાદ ૧૯૪૭ માં સરદાર વલ્લભભાઈ પટેલે હાથમાં સમદ્રજળ લઈને ધ્વસ્ત થયેલા સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરિપૂર્ણ કર્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સોમનાથ મંદિરનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આવનાર સમયમાં સોમનાથ યાત્રાધામ સમગ્ર વિશ્વ માટે શ્રધ્ધા અને પ્રવાસનનુ મહત્વનુ કેન્દ્ર બનશે. જ્યારે વાળીનાથ મંદિરના ગાદીપતિ મહંત જયરામગીરી બાપુએ જણાવ્યુ હતું કે, ગુજરાતના બીજા મહત્વના શિવધામમાં કાર્યક્રમ યોજાયો છે. શિવધામમાં ૭૨ કલાકની અખંડ શિવધૂન યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ અને શિવભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી, પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા, પાલિકાના પૂર્વ સભ્ય રણછોડભાઈ દેસાઈ, શહેર સંગઠનના રોનકભાઈ સંઘવી વિગેરે ભાજપના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.