Select Page

વિસનગરમાં નારાજ કાર્યકરો ચુંટણી પ્રચારમાં નિષ્ક્રીય રહેતા
આપના ઉમેદવાર જયંતીભાઈની હાર પાછળ મત મતાંતર

વિસનગરમાં નારાજ કાર્યકરો ચુંટણી પ્રચારમાં નિષ્ક્રીય રહેતા<br>આપના ઉમેદવાર જયંતીભાઈની હાર પાછળ મત મતાંતર

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર વિધાનસભાની ૧૮ર બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં વિસનગર વિધાનસભાની સીટ ઉપર આમ આદમી પાર્ટીએ કાંસાના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા સમાજસેવક જયંતીભાઈ એમ. પટેલ (વકીલ)ને રાતોરાત ટીકીટ ફાળવી ચુંટણી જંગમાં ઉતારતા કેટલાક કાર્યકરો પાર્ટીના નિર્ણયથી નારાજ થયા હતા. જેના કારણે કાર્યકરોએ ચુંટણી પ્રચારમાં નિરૂત્સાહ દાખવતા આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર ૧ર૪પ૦ મત મળ્યા હોવાનું ચર્ચાય છે.
રાજકારણમાં કયારેય કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતો નથી. રાજકારણમાં માત્ર સ્વાર્થના સબંધોનું મહત્વ વધુ હોવાથી મહત્વાકાક્ષી કાર્યકરો પોતાના સ્વાર્થમાં ગમે તે બહાને ચુંટણીમાં વિવાદ કર્યા વગર રહેતો નથી. પરિણામે ‘ઘરકા ભેદી લંકા ઢાયે’ કહેવતની જેમ ફુટેલી કારતુસ જેવા કાર્યકરોના લીધે પાર્ટીને નુકશાન થાય છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિસનગર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના છ જેટલા કાર્યકરોએ ટીકીટ માટે દાવેદારી કરી હતી. પરંતુ આ ચુંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૌધરી સમાજના કદાવર નેતા અને અર્બુદા સેનાના સ્થાપક વિપુલભાઈ ચૌધરીને વિસનગર બેઠક ઉપર ટીકીટ ફાળવવાની ચર્ચાઓ શરૂ થતા પાર્ટીના સક્રીય કાર્યકરો નારાજ થયા હતા. વિપુલભાઈ ચૌધરી અને અર્બુદા સેનાનું સમર્થન મેળવવાની આશાએ આમ આદમી પાર્ટીના નેતાઓએ ટીકીટની ફાળવણીમાં વિલંબ કર્યો હતો. જો કે અર્બદા સેનાએ કોઈપણ રાજકીય પાર્ટીને સમર્થન નહી આપવાની જાહેરાત કરતા છેવટે આપ પાર્ટીએ વિસનગર બેઠક ઉપર કાંસા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા સમાજ સેવક જયંતીભાઈ એમ. પટેલ (વકીલ)ને ઉમેદવારી ફોર્મ ભરવાના આગળના દિવસે ટીકીટ ફાળવતા કેટલાક સ્થાનિક કાર્યકરોમાં છુપી નારાજગી ઉભી થઈ હતી. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચુંટણીમા પોતાના ઉમેદવારને જીતાડવા રાત-દિવસ તનતોડ મહેનત કરનાર કેટલાંક કાર્યકરો આ ચુંટણીમાં નિષ્ક્રીય થતા આપના તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, રવિભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ, અરૂણાબેન પટેલ, સોનલબેન પટેલ જેવા અન્ય કાર્યકરો જયંતીભાઈ પટેલને જીતાડવા મહેનત કરતા હતા. આપના કાર્યકરોની રાત-દિવસ તનતોડ મહેનત થી આ ચુંટણીમાં આપ પાર્ટી તાલુકામાંથી સારા મતો મેળવશે તેવી લોકો આગાહી કરી રહ્યા હતા. પરંતુ આપના ઉમેદવાર જયંતીભાઈ પટેલ વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી હોવાથી તથા પાયાના કાર્યકરો નિષ્ક્રીય રહેતા આ ચુંટણીમાં આપના ઉમેદવારને આખા તાલુકામાંથી માત્ર ૧ર૪પ૦ જેટલા મત મળતા તેમનો પરાજય થયો હોવાનું લોકોમા ચર્ચાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us