મગરોડા જાગૃત અને વિકાસશીલ ગામ છે-મંત્રી ઋષિભાઈ પટેલ
મગરોડામાં મંગલધામનું ઉદ્ઘાટન, દાતાઓનુ સન્માન તથા મગરોડા પરિચય પુસ્તિકાનું વિમોચન કરાયું
વિસનગર તાલુકાના મગરોડા ખાતે તા.૮-પ ને રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે મંગલધામ (સમાજવાડી) નું ઉદ્ઘાટન, દાતાઓનુ સન્માન તથા મગરોડા પરિચય પુસ્તિકાના વિમોચનનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. આ ત્રિવેણી સમારોહમાં વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કાર્યક્રમના અધ્યક્ષ દાતા નારાયણભાઈ ચૌધરી, બાસણા અર્બુદાધામના સંતશ્રી પ્રતાપભાઈ ચૌધરી (ઋષિ), મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી, જાણીતા સાહિત્યકાર ડૉ.કેશુભાઈ દેસાઈ, ગાંધીનગર જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ હરિભાઈ ચૌધરી, રાજ્યસભાના પુર્વ સાંસદ નટુજી ઠાકોર, રાજ્ય સભાના પુર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, ગુજરાત રાજ્ય સહકાર ભારતીના પ્રમુખ કાન્તિભાઈ પટેલ (ખોડીયાર), ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલ, જીલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રેખાબેન ચૌધરી, મહેસાણા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ ચૌધરી, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ ચૌધરી, જીલ્લા પંચાયત સદસ્ય રાજીબેન ચૌધરી, સરપંચ આશાબેન ચૌધરી, મગરોડા ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ ચૌધરી, મંત્રી બિપીનભાઈ ચૌધરી, પુર્વ સરપંચ વેલજીભાઈ ચૌધરી, રણછોડભાઈ ચૌધરી, નરસિંહભાઈ ચૌધરી, જે.ડી.ચૌધરી, યુવા અગ્રણી મુકેશભાઈ વી.ચૌધરી સહીત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મંગલધામ (સમાજવાડી) ના ઉદ્ઘાટક રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે મેં ૧૪ વર્ષના શાસનમાં કયારેય ચૌધરી સમાજમાં આંતરિક ડખો જોયો નથી. ચૌધરી સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યુ છે. ચૌધરીના સમાજના ભાઈ-બહેનો અને યુવાનો તનતોડ પુરૂષાર્થ કરી દરેક ક્ષેત્રમાં આગળ વધી નામના પ્રાપ્ત કરી રહ્યા છે. મગરોડાના લોકો દેશ-વિદેશમાં સ્થાયી થયા છે. જેમા મગરોડા વાડીના દાતાશ્રી નારાયણભાઈ વિરસંગભાઈ ચૌધરીએ અમેરિકામાં રહીને પોતાના ગામના લોકો માટે કંઈક કરવાનો ભાવ વ્યક્ત કરી ગામમાં સમાજવાડી બનાવવા માટે રૂા.પપ.પપ લાખનું માતબર દાન આપ્યુ તે ખરેખર બિરદાવવા લાયક કહેવાય. મગરોડા એક જાગૃત અને વિકાસશીલ ગામ છે. આ ગામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મને આમંત્રણ મળતાજ બીજા કાર્યક્રમોમાં કાપ મુકી હું મગરોડા આવ્યો છું. મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સમાજવાડીનું ઉદ્ઘાટન અને મુખ્ય દાતાશ્રી નારાયણભાઈ વિરસંગભાઈ ચૌધરી તથા તેમના ધર્મપત્નિ સુરજબેન ચૌધરીનું બહુમાન કરવામા આવ્યુ હતુ. જયારે રાજ્યસભાના પુર્વ સાંસદ નટુજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ચૌધરી સમાજની પ્રગતિમાં મહિલાઓનું ખુબ મોટુ યોગદાન છે. બીજા સમાજ કરતા ચૌધરી સમાજની બહેનો વધુ પુરૂષાર્થ કરે છે. તેમ જણાવી કાર્યક્રમના આયોજકો અને દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. જયારે મહેસાણા દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીએ પત્રકારોના પ્રશ્નમાં પાણી પુરવઠા મંત્રી ઋષિભાઈ પટેલનું નામ લીધા વગર જણાવ્યુ હતુ કે પાણી વગરના મંત્રી હોય ત્યારે જીલ્લાની પ્રજાને એવા બોર્ડ મારવા પડે કે પાણી નહી તો મત નહી. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી ઉત્તર ગુજરાતના લોકોને પાણીની વ્યવસ્થા મળે તેવો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આજે તે પાણીની કેનાલો ખાલી અને સુની પડી છે. આ કેનાલો ભરાય તો સારુ છે. જયારે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ કાર્યક્રમમાંથી અધવચ્ચે કેમ નીકળી ગયા તે પ્રશ્નમાં જણાવ્યુ હતુ કે આ બધા લોકો બહુ વ્યસ્ત લોકો છે. જેમને ઉતાવળ હશે એટલે નિકળી ગયા હશે. આવતા દિવસોમાં પ્રજા તેમને પુરતો સમય આપશે. જયારે મંત્રી ઋષિભાઈના રાજીનામાની માંગણી બાબતે જણાવ્યુ હતુ કે આ બધા માણસો કયાં નૈતિક રીતે કામ કરે છે તો રાજીનામું આપવાના ? તેમને તો જયારે ત્યારે પ્રજાનો ચુકાદો સ્વિકારાવો પડે તેવી સ્થિતિ થશે. જો કે વિપુલભાઈ ચૌધરીએ જાહેર પ્રવચનમાં ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને મંત્રી ઋષિભાઈ પટેલ વિરૂધ્ધ કોઈ વિવાદીત નિવેદન કર્યુ નહતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મગરોડા પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં દાતાઓનુ સાલ, પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે ચૌધરી માનસંગભાઈ રેવાભાઈ તથા ચૌધરી ઈશ્વરભાઈ રેવાભાઈએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોની એક્તાના સાક્ષાત દર્શન થયા હતા.