ખેરાલુ-સતલાસણા તાલુકામા અક્ષત વિતરણથી લોકોમાં ભારે ઉત્સાહ
સતયુગમાં ૧૪ વર્ષનો વનવાસ વેઠીને શ્રી રામ અયોધ્યા પર્ધાયા ત્યારથી કલીયુગમાં અત્યાર સુધી દિવાળી ઉજવવામા આવે છે. તેજ રીતે પ૦૦ વર્ષ પછી જયારે શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ૧પ-૧-ર૦ર૪ થી રર-૧-ર૦ર૪ સુધી ચાલવાનો છે. જેના કારણે ભારત દેશ સાથે પૃથ્વી ઉપરના તમામ હિન્દુઓ રામમય બની ઉત્સવ ઉજવવા આતુર બન્યા છે. ખેરાલુ સતલાસણા ખાતે જ્યારે આર.એસ.એસ દ્વારા અયોધ્યાથી પૂજા કરી આવેલ અક્ષત કુંભ પહોચ્યા ત્યારે ભારે ઉત્સાહથી લોકોએ અક્ષતકુંભને વધાવ્યા હતા. ખેરાલુ સતલાસણા તાલુકાના ગામે ગામ જયારે અક્ષત કુંભને લેવા ભક્તોને આમંત્રણ મળ્યુ ત્યારે માહોલ રામમય બન્યો હતો. લોકો ટ્રેકટરો ભરીને ડીજે સાથે અક્ષતકુંભને લેવા આવ્યા હતા. ખેરાલુના અંબાજી માતા મંદિરેથી ખેરાલુના તમામ ગામોમા અક્ષતકુંભ લઈ જવાયા હતા. ગામડે પહોચેલા અક્ષતકુંભને દરેક ગામ પાદરે ભવ્ય સામૈયા દ્વારા લોકો વધાવતા જોવા મળ્યા હતા.
સતલાસણા ખાતે ક્રિષ્ણા કોમ્પલેક્ષ ખાતે રામ કાર્યાલય બનાવવામા આવ્યુ હતુ. સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઢોલ, નગારા, ત્રાંસ, ડીજે લઈને ટ્રેક્ટરો ભરીને ને અક્ષત કુંભને લેવા આવ્યા હતા. વિતરણ શરુ થયુ ત્યારથી અત્યારથી સુધીમાં સમગ્ર સતલાસણા તાલુકો રામમય બન્યો છે. ગામે ગામ રાત્રે ભજનો ગાઈને ઘેર-ઘેર ફરીને જયશ્રી રામના નારા સાથે અયોધ્યાના અક્ષત અને ભગવાન રામના ફોટો સંપૂર્ણ શ્રધ્ધાથી પહોચતા કરાય છે.
ખેરાલુ અને સતલાસણા તાલુકામા અક્ષત વિતરણ કરવા ગયેલા લોકોનુ લોકો ફુલહારથી સ્વાગત કરે છે. કેટલાક લોકો અક્ષતની આરતી કરી અક્ષત મેળવે છે. સતલાસણામા રામાયણના પાત્રો દ્વારા અદ્ભુત કલાકારોની વ્યવસ્થા કરાઈ છે. ગણત્રીના દિવસોમાં સ્થળ સમય અને તારીખની વ્યવસ્થા કરાશે. સતલાસણા તાલુકામાંથી ૩પ ઉપરાંત ડીજે લઈને લોકો અક્ષત કુંભ લેવા આવ્યા હતા. ખેરાલુ શહેરમાં સાત મંદિરોમા અક્ષતકુંભ મુકી તેનુ વિતરણ શરુ કરાયુ છે. જેમા અંબાજી મંદિર, લિમ્બચ માતા મંદિર, સ્વામિનારાયણ મંદિર, મારૂન્ડા માતા મંદિર, સૂર્યનારાયણ મંદિર, હિંગળાજ માતા મંદિર અને રામજી મંદિર ખાતે અક્ષતકુંભ મુકાયા છે. તમામ ટીમે ઘેર ઘેર ફરીને અક્ષત અને શ્રી રામનો ફોટો -પત્રિકાનું વિતરણ શરુ કરાયુ છે. રામજી મંદિર ટીમ દ્વારા ઢોલ, નગારા, મંજીરા દ્વારા શ્રી રામ જય રામ જયજય રામના નારા સાથે ઘેર ઘેર અક્ષતનુ વિતરણ કરાય છે. આ ટીમ સમગ્ર ખેરાલુમાં ઘેર ઘેર ફરે તેવી તમામ વોર્ડના આગેવાનોની માંગ છે.
ખેરાલુમા ૧૬ જાન્યુઆરીથી દરરોજ રામધૂનનુ રામજી મંદિર ખાતે આયોજન કરાયુ છે. ખેરાલુમા શ્રી રામ સેવા સમિતિ દ્વારા શહેરના તમામ ઘરોમાં પ્રસાદનુ વિતરણ કરશે તેવુ શ્રી રામ સેવા સમિતિના અધ્યક્ષ હેમન્તભાઈ શુકલ, રસીકભાઈ કડીયા, જેઠાભાઈ પ્રજાપતિ, અશ્વીનભાઈ દેસાઈ (સરપંચ) તથા મનોજભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ખેરાલુ શહેરના ૩૦ દાતાઓના સહયોગથી આયોજન કર્યુ છે.