
નિયામક ચાવડા અને વર્ષાબેન પ્રજાપતિ સામે કર્મચારીઓએ ખુલ્લો મોરચો માંડ્યો

- મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ કચેરીના મિશન મંગલમ્ શાખાનો છેલ્લા ઘણા સમયથી ચાલતો વિવાદ શમતો નથી તેની પાછળનુ રહસ્ય શું?
- વર્ષાબેન પ્રજાપતિ પુરૂષ કર્મચારીઓ વિરૂધ્ધ મહિલા આયોગ, કમિશ્નર કચેરી, એસ.પી.કચેરી તથા કલેક્ટર કચેરીમાં પુરાવા વગર ખોટી અરજીઓ કરે છે. અને નિયામક એચ.એમ.ચાવડા તેમાં અંગત રસ લઈ તપાસ કરાવે છે
- વર્ષાબેન પ્રજાપતિએ અગાઉના નિયામક વી.એમ.પ્રજાપતિને ગેરમાર્ગે દોરી જીલ્લા એ.પી.એમ. રમેશભાઈ પટેલ પાસેથી ડી.એલ.એમ.નો ચાર્જ છીનવ્યો હતો
મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. (મિશન મંગલમ યોજના) શાખાના હાલના જીલ્લા એ.પી.એમ. વર્ષાબેન પ્રજાપતિના રોજીંદા ત્રાસથી જીલ્લાના કર્મચારીઓ હેરાન થઈ ગયા છે. જે બાબતે કર્મચારીઓએ પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ વારંવાર લેખિત રજુઆતો પણ કરી છે. જેમાં નિયામક એચ.એમ.ચાવડા ગમે તે કારણે આ કરાર આધારિત વિવાદીત મહિલા કર્મચારીનો બચાવ કરતા હોઈ છેવટે કંટાળેલા કર્મચારીઓએ નોકરીની પરવા કર્યા વગર નિયામક ચાવડા અને જીલ્લા એ.પી.એમ.વર્ષાબેન પ્રજાપતિ વિરૂધ્ધ ગ્રામ વિકાસ કમિશ્નર, ગાંધીનગર સમક્ષ લેખિત રજુઆત કરી ખુલ્લો મોરચો માંડ્યો છે.
મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ. ચાવડાની વ્હલા દવાલાની નિતિ અને કર્મચારીઓને ખોટીરીતે હેરાન કરવાની માનસિક્તાથી જીલ્લા કર્મચારીઓ ત્રાસી ગયા છે. જેમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. (મિશન મંગલમ યોજના) શાખાના કરાર આધારિત જીલ્લા એ.પી.એમ. વર્ષાબેન પ્રજાપતિ કચેરીમાં પોતાનો વટ બતાવવા ગમે તે રીતે નિયામકને હાથ ઉપર લઈને આઉટસોર્સ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાનો તખ્તો ગોઠવે છે. નિયામક એચ.એમ. ચાવડા અને જીલ્લા એ.પી.એમ.વર્ષાબન પ્રજાપતિ બંન્ને ભેગા મળીને અન્ય કર્મચારીઓને ખોટીરીતે હેરાન કરતા હોવાની ઉચ્ચ અધિકારીઓ તેમજ ગુજરાતના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ, ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પુરાવા સાથે લેખિત રજુઆતો કરવામાં આવીછે. પરંતુ નામદાર હાઈકોર્ટના Status Cowના કારણે આ વિવાદિત મહિલા કર્મચારીની બદલી નહી થતા કર્મચારીઓ અકળાયા છે. આ મહિલા કર્મચારીના રોજીંદી હેરાનગતીથી કંટાળેલા મિશન મંગલમ શાખાના એક આઉટસોર્સ ટેલી એકાઉન્ટન્ટે નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતુ. જેમાં મહેસાણા મિશન મંગલમ યોજના શાખામાં વર્ષોથી ફરજ બજાવતા એ.પી.એમ. રમેશભાઈ બી.પટેલ, પિયુષદાન બી. ગઢવી, જીતેન્દ્રસિંહ એન.રાઠોડ તથા ડેટા એન્ટ્રી ઓપરેટર રાહુલકુમાર આર. મકવાણાએ તા. ૧૪-૫-૨૦૨૩ ના રોજ ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ વર્ષાબેન પ્રજાપતિ અને નિયામક ચાવડા વિરૂધ્ધ લેખિત રજુઆત કરી છે. જેમાં આ ચારેય કર્મચારીઓએ જણાવ્યુ છે કે, હાલના જીલ્લા એ.પી.એમ. રમેશભાઈ પટેલ ડી.એલ.એમ.હતા ત્યારે તેમને વર્ષાબેન પ્રજાપતિનું ખોટુ પ્રવાસી બિલ મંજુર નહી કરતા વર્ષાબેન તેનો પુર્વગ્રહ રાખી તત્કાલિન નિયામકશ્રીનો સાથ લઈ તેમની પાસેથી ચાર્જ છીનવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રમેશભાઈ પટેલનો ચાર્જ વર્ષાબેન પ્રજાપતિને સોંપવામાં આવ્યો હતો. ત્યારે વર્ષાબેને પોતાની સત્તાના જોરે નિયામકને ગેરમાર્ગે દોરી અન્ય કર્મચારીઓને હેરાન કરવાનું શરૂ કર્યુ હતુ. આ મહિલા કર્મચારીએ કચેરીમાં પોતાનો વટ બતાવવા નિયામક એચ.એમ.ચાવડાને ગમે તે રીતે હાથ ઉપર લઈ લાયકાતના બ્હાને આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરવાનો કારસો રચ્યો હતો. જોકે પાછળથી જી.એલ.પી.સી.ના ધ્યાને આવતા તમામ કર્મચારીઓને પરત લેવામાં આવ્યા હતા. આ મહિલા કર્મચારી કચેરીનું વહીવટી કામ કરતા નિયામકશ્રીને ગેરમાર્ગે દોરી બીજા કર્મચારીઓને કેવીરીતે હેરાન કરવાનું કામ વધુ કરે છે. અગાઉ વર્ષાબેન પ્રજાપતિએ વિધાનસભાની ચુંટણીમાં ભાજપને સમર્થન આપવાના મુદ્દે કિન્નાખોરી રાખી જીતેન્દ્રસિંહ રાઠોડ નામના આઉટસોર્સ કર્મચારીને તાત્કાલિક છુટા કરવાનું ષડયંત્ર રચ્યુ હતુ. આ મહિલા કર્મચારીએ આઉટસોર્સ એજન્સીની નિમણુકની પ્રક્રિયામાં ગેરરીતી કરી હોવાનો તેમજ કલસ્ટર કો.ઓર્ડીનેટરની ભરતીમાં કૌભાંડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયામક ચાવડા અને વર્ષાબેન પ્રજાપતિને આઉટસોર્સ કર્મચારીઓના પી.એફ.ના નાણાં જમા કરવા બાબતે વારંવાર રજુઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ લાવતા નથી. વર્ષાબેન પ્રજાપતિના કૌભાંડો બહાર ન આવે તે માટે નિયામક ચાવડા તમામ ફાઈલો પોતાની અંગત કસ્ટડીમાં રાખી તેમનો બચાવ કરે છે. આ મહિલા કર્મચારી કોઈપણ પ્રકારના પુરાવા વગર નનામી અરજીઓ કરે છે. અને નિયામક ચાવડા નનામી અરજીઓની તપાસ ઉભી કરી પુરૂષ કર્મચારીઓને હેરાન કરે છે. જેમાં જીતેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધ થયેલ એક નનામી અરજીમાં વર્ષાબેન પ્રજાપતિ સિવાય તમામ મહિલા કર્મચારીઓએ જીતેન્દ્રસિંહની તરફેણમાં નિવેદન આપતા વર્ષાબેનના મનસુબા ઉપર પાણી ફરી વળ્યુ હતું. મહિલા કર્મચારી અન્ય પુરૂષ કર્મચારીઓ વિરૂધ્ધ મહિલા આયોગ, કમિશ્નર કચેરી, એસ.પી.કચેરી તથા કલેક્ટર કચેરીમાં પુરાવા વગર ખોટી ખોટી અરજીઓ કરે છે. અને નિયામક ચાવડા તેમાં અંગત રસ લઈ અરજીઓની તપાસ કરાવે છે. નિયામક ચાવડા ગમે તે કારણે આ મહિલા કર્મચારીને બચાવવા કોઈ કસર બાકી રાખતા નથી. જેના કારણે તાલુકા અને જીલ્લાના તમામ કર્મચારીઓ નિયામક અને વર્ષા પ્રજાપતિની હેરાનગતીથી ત્રાહીમામ પોકારી ગયા છે. પરંતુ નોકરીમાં હેરાનગતી થવાના ડરના કારણે કર્મચારીઓ જાહેરમાં બોલવાની હિંમત કરતા નથી. અગાઉ આ નિયામકે એક જરૂરીયાતમંદ આઉટસોર્સ કર્મચારીની કપાત પગારની રજાઓ મંજુર નહી કરતા છેવટે તેને નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતુ. જ્યારે લોકસભાની ચુંટણી ટાણે માર્ચ મહિનામાં આજ નિયામકે મિશન મંગલમ શાખાની આઉટસોર્સ બીજી મહિલા કર્મચારીની ૩.૫ મહિનાની રજાઓ મંજુર કરી હતી. જેના કારણે કચેરીનું વહીવટી કામ ખોરંભે પડ્યુ હતુ. નિયામક ચાવડા ગમે તે કારણે વર્ષાબેન પ્રજાપતિનો બચાવ કરતા વિવાદમાં ઘેરાયા છે. નિયામક ચાવડાની ભેદભાવભરી નિતિથી છેલ્લા એક વર્ષથી ગ્રામ વિકાસ કચેરીનું વાતાવરણ ડહોળાયું છે. જો રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતાઓ આ ચારેય પુરૂષ કર્મચારીઓની રજુઆતને ગંભીરતાથી લઈને ઉંડી તપાસ કરે તો બીજા ચોંકાવનારા રહસ્યો બહાર આવશે. જોકે અત્યારે મહેસાણા એન.આર.એલ.એમ. (મિશન મંગલમ) શાખાના ચાર કર્મચારીઓએ નોકરીની પરવા કર્યા વગર નિયામક એચ.એમ.ચાવડા અને મિશન મંગલમ શાખાના વિવાદીત કર્મચારી વર્ષાબેન પ્રજાપતિ વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ખુલ્લો મોરચો માંડતા હવે નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.