વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના હોબાળાએ ભાજપને બદનામ કર્યુ
ભાજપના શાસનમાં રાજકીય આગેવાનોની છત્રછાયાના કારણે આજે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા જરાય ડરતા નથી. ભાજપ શાસિત વડનગર તાલુકા પંચાયતના મહિલા ટી.ડી.ઓ. આઈ.આર.ડી.શાખાના નાયબ ટી.ડી.ઓ. તથા એક મહિલા અ.મ.ઈ.એ ભેગા મળી વિકાસકામોમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે. છતાં ભાજપના હોદ્દેદારો ભ્રષ્ટાચાર મુદ્દે ચુપ કેમ બેઠા છે તે મામલે લોકોમાં શંકાકુશંકા ઉભી થઈ છે.
અગાઉ મહેસાણા એ.સી.બી. શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે લેખિત રજુઆતો થઈ છે. પરંતુ આજ સુધી કોઈની સામે કડક પગલા લેવામાંઆવ્યા નથી. તેનુ રહસ્ય શું?
વડનગરમાં ભાજપના સ્થાનિક
આગેવાનોની છત્રછાયાના કારણે તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં ભય, ભુખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવાના પ્રજાને વચનો આપે છે. પરંતુ ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને આગેવાનોની છત્રછાયાના કારણે આજે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. અગાઉ મહેસાણા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વોટરશેડ શાખાના એક મહિલા એન્જીનીયર સામે રૂા.૪.૫૦ લાખ કમિશનની વાતચીતની ઓડીયો ક્લીપ સાથે મહેસાણા એ.સી.બી.માં ફરિયાદ થઈ હતી. જેમાં મહિલા કર્મચારીની વાતચીતનું રેકોર્ડીંગ ગાંધીનગર એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલ્યુ હોવાનું એ.સી.બી.પી.આઈ. જણાવી રહ્યા છે. જેનો આજદીન સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. કે મહિલા કર્મચારી સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત વિસનગર મનરેગા શાખાના ભ્રષ્ટાચારની પણ છેલ્લા પાંચ વર્ષથી તપાસ ચાલતા અત્યારે કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવામાં કોઈનો ડર લાગતો નથી. તાજેતરમાં વડનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. શ્રીમતી ડી.કે.ઝાલા, આઈ.આર.ડી. શાખાના નાયબ ટી.ડી.ઓ. દિનેશભાઈ ચૌધરી તથા એક મહિલા અ.મ.ઈ. ભેગા મળી વિકાસકામોમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ચર્ચાય છે. છતાં તાલુકા પંચાયતના ભાજપના હોદ્દેદારો આ ભ્રષ્ટાચારના મુદ્દે ચુપ કેમ બેઠા છે તે મામલે વડનગર તાલુકાના લોકોમાં શંકાકુશંકા ઉભી થઈ છે. લોકોમાં એવી ચર્ચા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરવા પ્રયત્નો કરે છે. જ્યારે બીજી તરફ તેમના વતનના ભાજપના હોદ્દેદારો ભ્રષ્ટાચાર સામે આંખ મિચામણા કરી જાહેરમાં ભાજપની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યા છે. અત્યારે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર દેખાવ પુરતી તપાસ કરી ભીનુ સંકેલવામાં આવે છે. જ્યારે વિપક્ષના લોકો પણ કુંભકર્ણની જેમ ઘોેર નિદ્રામાં છે. વિપક્ષના લોકો ચુંટણી ટાણે જ દેખાતા હોવાથી પ્રજા તેમને સ્વિકારતી નથી. જો વિપક્ષના લોકો ભ્રષ્ટાચારના મુદ્દે અવાજ ઉઠાવે તો પ્રજાનું પણ તેમને સમર્થન મળે તેમ છે. અત્યારે વિપક્ષ નિષ્ક્રીય હોવાથી ભાજપના આગેવાનો અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવામાં મોકળુ મેદાન મળી ગયુ છે. ભાજપ સરકાર જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક પગલા નહી ભરે ત્યાં સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનો સીલસીલો ચાલુ જ રહેશે. તેને કોઈ રોકી નહી શકે.