Select Page

છ વર્ષના ગાળામાં બીજી વખત વધારો કરાયો
પાલિકા મિલ્કત ભાડા વધારતા વેપારીઓમાં ઉગ્ર રોષ

છ વર્ષના ગાળામાં બીજી વખત વધારો કરાયો<br>પાલિકા મિલ્કત ભાડા વધારતા વેપારીઓમાં ઉગ્ર રોષ

વિસનગર નગરપાલિકાની મિલ્કતો કોઈ ખરીદવા તૈયાર નહોતુ ત્યારે તત્કાલીન પ્રમુખની વિનંતીથી વેપારીઓએ પ્રિમિયમ આપી દુકાનો ભાડે લીધી હતી. હવે દુકાનો કિંમતી વધી જતા વખતોવખતના પાલિકા સત્તાધીશો જોઈ નહી શકતા વેપારીઓને નુકશાન થાય તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ખોબલે ખોબલે મત આપી સ્પષ્ટ બહુમતી આપતા ભાજપ શાસીત પાલિકા ભાડા વધારાનો નિર્ણય કરતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલના કારણે વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે. કોપરસીટી મરચન્ટ એસોસીએશન અને વેપારી મહામંડળ દ્વારા વેપારીઓના હિતમાં આજ સોમવારે પાલિકા સત્તાધિશોની આંખ ઉઘાડવા આવેદન પત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિસનગરમાં વર્ષ ૧૯૮૦-૮૧ માં પરિસ્થિતિ એવી હતી કે સાંજે અંધારુ થયા બાદ ત્રણ દરવાજા ટાવરની બહાર નિકળવાની કોઈ હિંમત કરતુ નહોતુ. તે સમયે પાલિકા દ્વારા કોમર્શિયલ સેન્ટર તથા અન્ય માર્કેટ બનાવતા કોઈ લેવા તૈયાર નહોતુ. ત્યારે શીવાકાકાએ દુકાનો લેવા વેપારીઓને સંમત કરી રૂા.૧૦,૦૦૦/- પ્રિમિયમ ભાડે દુકાનો આપી હતી. આ સમયે વિસનગરમાં રૂા.૨૦૦૦ થી ૩૦૦૦ માં વિઘો જમીન મળતી હતી. અત્યારે આ જમીનોની કિંમત કરોડોમાં થઈ છે અને રોડ ઉપરની પાલિકાની દુકાનોની કિંમત લાખ્ખોમાં થઈ છે. વેપારીઓએ દુકાનો લીધી ન હોત અને જમીનોમાં રોકાણ કર્યુ હોત તો અત્યારે કમાવાની જરૂર પડે નહી તેવી સ્થિતિમાં હોત.
આજ તા.૨૭-૩-૨૦૨૩ ને સોમવાર સવારે ૧૧-૦૦ કલાકે આવકાર વસ્ત્રાલય આગળ દરેક વેપારીએ ભેગા થઈ ૧૨-૦૦ કલાકે પાલિકામાં આવેદન આપવામાં આવશે-ઈશ્વરલાલ નેતા
પાલિકાની દુકાનોની કિંમત વધતા વખતો વખત પાલિકા સત્તાધિશો જોઈ નહી શકતા ઈર્ષાભાવમાં વેપારીઓ હેરાન થાય તેવુ કંઈક ગતકડુ કરે છે. વિસનગર પાલિકામાં ખોબલે ખોબલે મત આપી ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવતા અત્યારે સભ્યો વેપારીઓ ઉપર દમન કરી રહ્યા છે. પાલિકાની દુકાનોનુ ભાડુ સ્કવેર ફૂટના રૂા.૧.૫૦ પ્રમાણે લેવામાં આવતુ હતુ. ભાડા વધારાનો અમલ પાલિકાના ગત બોર્ડના ગઠબંધનના શાસનમાં વર્ષ ૨૦૧૬ માં કરાયો હતો. અગાઉ વર્ષ ૨૦૧૩ માં ભાજપના શાસનમાજ ચોરસ ફૂટે ૩૦૦ ટકા ભાડા વધારો કરાયો હતો. આ ઠરાવ રીવ્યુમાં લેવા વર્ષ-૨૦૧૬ માં વિકાસમંચ અને કોંગ્રેસના શાસનમાજ ભલામણ કરવામાં આવી હતી. ત્યારે ગઠબંધનના શાસનમાં રૂા.૧/- ની જગ્યાએ ૫૦ ટકા ભાડા વધારો કરી રૂા.૧.૫૦/ ભાડુ કરવા નિર્ણય કરાયો હતો. આમ ભાજપના શાસનમાજ વેપારીઓના ખીસ્સા ખંખેરવાનો નિર્ણય કરાય છે.
વર્તમાન ભાજપ શાસીત પાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન નિરવભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.૩-૩-૨૦૨૩ ના રોજ મીટીંગ મળી હતી. જેમાં ઠરાવ નં.૧૩૭ થી પાલિકાની દુકાનોમાં રૂા.૪/- ભાડુ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડીંગ કમિટીનો ઠરાવ તા.૧૦-૩-૨૦૨૩ ની જનરલના એજન્ડામાં મુકવામાં આવતા તમામ સભ્યોએ બહુમતીથી ભાડા વધારાનો ઠરાવ કર્યો હતો. મહત્વની બાબત તો એ છેકે નાની નાની બાબતોમાં વિરોધ કરનાર કોંગ્રેસના સભ્યોએ પણ આ ઠરાવનો વિરોધ કર્યો નહોતો. પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારી પણ વેપારીઓના હિતમાં વિરોધ કરવાનુ ચુક્યા હતા.
સરકારની સુચનાથી પાલિકાની આવક વધારવા માટે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી, પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલ, દંડક મેહુલભાઈ પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર તથા સભ્યોને પાલિકા હસ્તકનીજ દુકાનોજ દેખાતા ભાડુ રૂા.૧.૫૦ ની જગ્યાએ સીધુજ રૂા.૪-૦૦ કરવામાં આવ્યુ છે. ભાડામાં સીધોજ ૨૬૬ ટકા વધારો કરવામાં આવતા વેપારીઓ લાલઘુમ થયા છે. વેપારી મહામંડળના એમ.જે.મેડીકલવાળા હર્ષલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અગાઉ વર્ષ ૨૦૧૬ માં ભાડા વધારો કરવામાં આવ્યો હતો. તે વખતે કોમર્શિયલ સેન્ટરમાં પાલિકાની દુકાનો ધરાવતા વેપારીઓની મીટીંગ કરવામાં આવી હતી. વેપારીઓની ઉગ્ર રજુઆત બાદ રૂા.૧ ના ભાડામાં ૫૦ ટકા વધારો કરી રૂા.૧.૫૦ ભાડુ કરવામાં આવ્યુ હતુ. છ વર્ષ પહેલા ભાડુ વધારાયુ છે. છતા ખોટી રીતે ફરીથી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધારાની પાલિકાની જોહુકમી વેપારીઓ સાખી લેશે નહી અને યથાવત ભાડુ રાખવામાં નહી આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
કોમર્શિયલ સેન્ટરમાં અંદરના ભાગે દુકાન ધરાવતા વેપારી અગ્રણી પટેલ મનુભાઈ લાછડીએ જણાવ્યુ છેકે, માર્કેટમાં અંદરના ભાગે દુકાન ધરાવતા વેપારીઓની હાલત ખરાબ છે. કોરોનાના નુકશાન બાદ વેપારીઓ હજુ બહાર આવી શક્યા નથી. દુકાનદારો સાંજ પડે ખર્ચ જોગ પણ વકરો કરી શકતા નથી. ત્યારે પાલિકાએ વેપારીઓને પતાવી દેવાનો નિર્ણય કર્યો છે. અચાનક આટલો ભાડા વધારો કંઈ રીતે વેપારીઓ સહન કરી શકશે. પાલિકામાં ચાલતો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો વધારાની આવક કરવાની કોઈ જરૂર પડે નહી. ભાડા વધારાના આ નિર્ણયથી ૧૦૦૦ વેપારીઓને સહન કરવુ પડશે. ભાડુ યથાવત રાખવામાં નહી આવે તો વેપારીઓને આંદોલન કરવાની ફરજ પડશે.
• પાલિકાની આવક વધારી સરકારમાં ઈમેજ વધારવાની લ્હાયમાં વેપારીઓનો ભોગ લેવાયો
• પાલિકામાં ભ્રષ્ટાચાર અંકુશમાં લાવે તો પણ વધારાની આવક ઉભી કરવી પડે નહી તેટલી બચત થાય
• પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલ બે મહિલા હોદ્દેદારોના કારણે વેપારીઓ ઉપર વધારાનો બોજો
• વેપારીઓને પતાવી દેવાનો પાલિકામાં ધંધો થયો છે. ભાડાનો દર ઘટાડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન થશે-મનુભાઈ લાછડી
• વર્ષ-૨૦૧૬ માં કેબીન એસો.એ મીટીંગ કરી પાલિકા સાથે સમાધાન કરી ભાડુ વધારાયુ હતુ-હર્ષદભાઈ એમ.જે.
આવકાર વસ્ત્રાલયવાળા ઈશ્વરલાલ નેતાએ રોષ ઠાલવતા જણાવ્યુ છેકે પાલિકા ખરેખરનો ભાડુ લેવા માટે હક્કદારજ નથી. પાલિકાના માર્કેટ ખખડધજ થઈ ગયા છે. છજામાંથી પોપડા પડે છે. માર્કેટની મુતરડીઓ પણ સાફ થતી નથી. વેપારીઓ પોતાના ખર્ચે રીપેરીંગ કરાવે છે. કેટલાક માર્કેટો તો વેપારીઓએ બેંકમાંથી લોન લઈને બનાવ્યા છે. કાચા કેબીનો હતા ત્યાં પાલિકા ફક્ત માર્કેટ બનાવવાની મંજુરી આપી છે. માર્કેટ બનાવવા પાલિકાએ કોઈ ખર્ચ કર્યા નથી. વેપારીઓએ ખર્ચ કર્યો છે. માર્કેટ બનાવવાના ખર્ચના પૈસા પણ પાલિકાએ મજરે આપ્યા નથી. છતા વેપારીઓ ભાડુ આપે છે અને એમાં પણ ખોટી રીતે ભાડા વધારો કરવામાં આવે છે. પાલિકાની ભાડા વધારાની જોહુકમી સામે અવાજ ઉઠાવવામાં નહી આવે તો ભવિષ્યમાં વેપારીઓ વિરુધ્ધ નિર્ણય કરતા ખચકાશે નહી. ભાડા વધારાનો દરેક વેપારીઓએ એક થઈ વિરોધ કરવાનો છે. આજ તા.૨૭-૩-૨૦૨૩ ને સોમવારે સવારે ૧૧-૦૦ કલાકે આવકાર વસ્ત્રાલય આગળ દરેક વેપારીએ ભેગા થઈને બપોરે ૧૨-૦૦ કલાકે પાલિકામાં આવેદન આપવામાં આવશે તેવુ ઈશ્વરભાઈ નેતાએ જણાવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us