દુરંદેશીના અભાવે બામણ ચાયડા સંપ બિન ઉપયોગી
દેણપ ત્રણ રસ્તાથી પાઈપલાઈન નંખાશે ત્યારે પાણી મળતુ થશે
- ટીડીએસની વધારે માત્રાવાળુ પાણી મળતા ટ્યુબવેલ બંધ કરાયો
કોંગ્રેસ અને વિકાસ મંચના શાસનમા શકુન્તલાબેન પટેલના પ્રમુખકાળમાં બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકીનુ ખાતમૂર્હુત થયુ હતુ. ત્યારબાદ ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે પાલિકાની દુરંદેશીના અભાવે વોટર વર્કસમાં પાણી નહી મળતા સંપ અને ઓવરહેડ ટાંકીના લાભથી લોકો વંચીત છે. પહેલા થલોટા ચાર રસ્તા પાસેથી કનેક્શન આપવાનુ હતુ. હવે દેણપ ત્રણ રસ્તાથી પાઈપલાઈન નંખાશે ત્યારે આ વોટર વર્કસનો લાભ મળતો થશે.
વિસનગરના ધરોઈ કોલોની રોડ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી મળતુ નહી હોવાની વર્ષોથી સમસ્યા છે. સર્વે નં.૩૦૫ ની લાઈનમાં છેવાડાનો ભાગ હોવાથી આ વિસ્તારમાં ક્યારેય સંતોષજનક પુરવઠો મળ્યો નથી. બામણચાયડામાં સંપ અને ઓવરહેડ ટાંકીની માગણીને લઈ કોંગ્રેસ અને વિકાસ મંચના શાસનમાં આ વૉટરવર્કસમાં સંપ તેમજ ઓવરહેડ ટાંકી મંજુર કરવામાં આવી હતી. જેની ઝડપી ટેન્ડરીંગ પ્રક્રિયા થતા શકુન્તલાબેન પટેલે ખાતમૂર્હુત કર્યુ હતુ. ત્યારબાદ ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં સંપ, ઓવરહેડ ટાંકી તથા મશીનરી માટે ઓરડીનુ કામ પૂર્ણ થયુ હતુ. ગઠબંધનના શાસનમાંજ કૃષ્ણનગર થી બામણચાયડા સુધીની પાઈપલાઈન નંખાઈ ગઈ હતી.
થલોટા ચાર રસ્તા વિવેકાનંદ તરફ જતી લાઈનમાંથી કનેક્શન આપી કૃષ્ણનગર સુધી લાઈન નાખવાની હતી. જે દરમ્યાન ભાવ વધતા કોન્ટ્રાક્ટર છટક્યો હતો. પાલિકામાં ભાજપે શાસન સંભાળ્યુ ત્યારથી રૂા.૧.૫૬ કરોડના ખર્ચે થલોટા ચાર રસ્તાથી કૃષ્ણનગર સુધી પાઈપલાઈન નાખવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં લોકસભાની ચુંટણી પહેલા પાઈપ લાઈન નાખવાનુ કામ શરૂ થયુ. આઈ.ટી.આઈ. ફાટકમાં પુશીંગથી પાઈપલાઈન નાખવા રેલ્વેની મંજુરી પણ મળી ગઈ છે. પરંતુ હવે વિવેકાનંદ લાઈનમાંથી નહી પરંતુ દેણપ ત્રણ રસ્તા તરફથી આવતી લાઈનમાંથી કનેક્શન આપવાનો નિર્ણય કરાયો હોવાથી બીજા છ આઠ મહિના સુધી બામણ ચાયડા વૉટર વર્કસ સંપુર્ણ પણે કાર્યરત થાય તેવુ હાલના સંજોગો ઉપરથી દેખાતુ નથી. સંપ અને ઓવરહેડ ટાંકીનો ઉપયોગ નહી થતા આ બન્ને ટાંકીઓ ફાટી ગઈ હતી. જેનુ થોડા સમય અગાઉજ પાલિકા દ્વારા ગ્રાઉન્ટીંગ અને વોટરપ્રુફીંગનુ કામ કરાયુ હતુ. હાલમાં ધરોઈની ગામડાની લાઈનમાંથી બામણચાયડામાં થોડુ ઘણુ પાણી લાવી ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેણપ ત્રણ રસ્તાની લાઈનનો જોઈન્ટ નહી અપાય ત્યા સુધી બામણ ચાયડા વોટર વર્કસનુ પાંચ થી છ ઝોનમા પાણી આપવુ શક્ય બનશે નહી.
દેણપ ત્રણ રસ્તાથી થલોટા ચાર રસ્તા શુકન હોટલ સુધી રૂા.૧.૭૯ કરોડના ખર્ચે ૬૦૦ એમ.એમ.ની ડી.આઈ. પાઈપલાઈન નાખવાનો વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે પાઈપો ઉતારી છે. પરંતુ પાલિકાની ત્વરીત કામગીરીના અભાવે થલોટા ચાર રસ્તાથી કૃષ્ણનગર સુધી પાઈપલાઈન નાખવામાં દોઢ વર્ષનો સમય થયો ત્યારે દેણપ ત્રણ રસ્તાથી થલોટા શુકન હોટલ સુધી લાઈન ક્યારે નંખાશે. ક્યારે જોઈન્ટ આપશે અને ક્યારે બામણ ચાયડા વોટર વર્કસ સંપુર્ણ કાર્યરત થશે તેવો પ્રશ્ન લોકોમાં થઈ રહ્યો છે.