ઈંટવાડા દીઠ દરેકને રૂા.૬ થી ૭ લાખનુ નુકશાનવિસનગર ઈંટ ઉત્પાદકોને માવઠાથી ભારે નુકશાન
વિસનગર પંથકમાં માવઠાના ભારે વરસાદથી ઈંટ ઉત્પાદકોને ભારે નુકશાન સહન કરવા વારો આવ્યો છે. દરેક ઈંટ ઉત્પાદકોને રૂા.૬ થી ૭ લાખનુ નુકશાન થયાનો એક અંદાજ છે. તાલુકામાં ૭૦ જેટલા ઉત્પાદકો છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ઉત્પાદકોની માગણી અને લાગણી છે.
વિસનગર શહેર તેમજ તાલુકાના ગામડામાં પ્રજાપતિ ભાઈઓ દ્વારા ઈંટ ઉત્પાદનનો વ્યવસાય કરવામાં આવે છે. રોજીરોટી માટે હાથભઠ્ઠાથી ઈંટો બનાવવામાં આવે છે. કેટલાક પ્રજાપતિ ભાઈઓ ઈંટો પાડવાની મજુરી કરે છે તો કેટલાક મજુરો રાખીને ઈંટો પડાવે છે. શહેર અને તાલુકાના થઈ લગભગ ૬૦ થી ૭૦ પ્રજાપતિ સમાજના નાના મોટા વેપારીઓ ઈંટો પડાવે છે. ઈંટો પાડવામાં મોટાભાગે રાજસ્થાનના આદિવાસી વિસ્તારના તથા ઓડ સમાજના લોકો મજુરી કરે છે. અત્યારે મોટાભાગના ઈંટવાડામાં કાચી ઈંટો બનાવી મુકવામાં આવી છે. ત્યારે તા.૨-૫-૨૦૨૩ ને મંગળવારે અડધા કલાકમાં અડધાથી એક ઈંચ વરસાદ ખાબકતા ઈંટવાડામાં પાણી ભરાયા હતા. કાચી ઈંટો પલળી જતા ભારે નુકશાન થયુ છે. દરેક વેપારીને રૂા. ૬ થી ૭ લાખનુ નુકશાન થયુ છે. વિસનગર તાલુકા બ્રીક્સ ફેડરેશનના પ્રમુખ તેમજ વિસનગર પ્રજાપતિ સમાજના પ્રમુખ દિનેશભાઈ હરગોવિંદદાસ પ્રજાપતિએ જણાવ્યુ છેકે, સરકારના નિયમો આધીન નાના ઈંટ ઉત્પાદકો ૩ થી ૪ લાખ ઈંટ પડાવે છે અને પોતાનુ ગુજરાન ચલાવે છે. કમોસમી વરસાદના કારણે દરેક ઈંટ ઉત્પાદકને રૂા.૬ થી ૭ લાખનુ નુકશાન થયુ છે. ૭૦ જેટલા ઈંટ ઉત્પાદકોનુ નુકશાન ગણીએ તો રૂા.૪ થી ૫ કરોડનુ નુકશાન થાય. નુકશાનીનો માર સહન કરનાર ઈંટ ઉત્પાદકોને સહાય આપવા સરકાર સમક્ષ આવેદન આપી રજુઆત કરવામાં આવી છે. પરંતુ ઈંટ ઉત્પાદકોને વળતર આપવા કોઈ કાર્યવાહી થતી નથી. ભૂતકાળમાં પણ કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને ભારે નુકશાન થયુ હતુ. જેમાં પણ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નહોતી. ખેડૂતોની જેમ ઈંટ ઉત્પાદકોને પણ સહાય કરવા માગ કરવામાં આવી છે.