ખેરાલુ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસની ખાડા પુરવાની કાર્યવાહી
- ભાજપે કોંગ્રેસનુ ચુંટણીલક્ષી તૂત જણાવ્યુ
- ખાડા નગર ખેરાલુ સામે કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન લોકોએ વખાણ્યુ
ખેરાલુ શહેરના ખાડા માટે છેલ્લા કેટલાય વર્ષોથી શહેરની પ્રજા પરેશાન છે. ખેરાલુ શહેરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે. પણ સિમ વિસ્તારમાંથી ચુંટાતા ચૌધરી સમાજના સભ્યો દ્વારા તમામ ગ્રાન્ટ સિમ વિસ્તારમા વાપરી નાંખતા ખેરાલુ શહેરનુ ખાડા રાજ છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી અટકયુ નથી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પાસે પાલિકાનો વહીવટ આવતા ખેરાલુ શહેરના ત્રણ મુખ્ય રોડો માટે કરોડોની ગ્રાન્ટ ઈતિહાસમાં પહેલીવાર ફાળવી છે. છતા સમયસર કામગીરી ન કરાતા કંટાળેલા ખેરાલુ શહેરીજનોની લાગણી અને માંગણીને કારણે કોંગ્રેસ દ્વારા ખાડા પુરવાનુ શરૂ કરી વિરોધ પ્રદર્શન કરતા ભાજપ દ્વારા ચુંટણીનુ તુત છે. તેવા આક્ષેપો થઈ રહ્યા છે . ખેરાલુ શહેરની પ્રજા ખાડાથી પરેશાન છે તે સનાતન સત્ય છે.
મંગળવાર તા.૩-૯-ર૦ર૪ ના રોજ ખેરાલુ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવતર પ્રયોગ કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ જે ખેરાલુ નગરના લોકોને ગમ્યુ પણ હતુ. ખેરાલુ નગરમા જ્યાંથી પણ પસાર થાવ ત્યાં ખાડા જ ખાડા મળે છે જેના કારણે ખેરાલુને ખાડા નગરનુ બિરૂદ મળ્યુ છે. જેનાથી લોકો પારાવાર પરેશાન છે. ખેરાલુ નગરના વખતો વખતના સત્તાધિશો દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે કોઈપણ રોડ વાહનો માટે સુરક્ષિત નથી. ખેરાલુના લોકો આજુબાજુના શહેરોમા જાય ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળતી નથી તો ખેરાલુમા આવી કંડમ પરિસ્થિતિ કેમ? પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ મુકેશભાઈ દેસાઈ જણાવે છે કે અત્યારે ચોમાસાના કારણે ખાડા પડયા છે. તેવુ નથી બારેમાસ ખાડા જોવા મળે છે. નવો રોડ બન્યા પછી ગણત્રીના દિવસોમાં કપચી ઉખડવા લાગે છે. સી.સી.રોડમા સિમેન્ટ નાંખતા જ નથી સરકારની કરોડોની ગ્રાન્ટો આવે છે. પણ વેડફાઈ જાય છે. નગરના વિકાસનુ કોઈપણ કામ સારુ થતુ નથી. કરોડોના ખર્ચે બગીચો બનાવ્યો હાલ બિસ્માર હાલતમાં છે. નગરમા જયારે કામ ચાલતુ હોય તો તેના મોનીટરીંગ માટે પાલિકાનો એક પણ કર્મચારી હાજર રહેતો નથી. ભ્રષ્ટાચાર કરવા માટે રાત્રે કામગીરી કરાય છે. વાડજ ચિભડા ગળતી હોય તો ફરીયાદ કોને કરવાની. પાલિકા ચિફ ઓફીસર કયારેય સ્થળ તપાસ કરતા જ નથી. જે ખેરાલુની કમનસીબી કહેવાય. લોકો પરેશાન થઈ વારંવાર આવેદન પત્રો આપે છે. પરંતુ નઘરોળ તંત્રના કાને કોઈ વાત સંભળાતી નથી. ભ્રષ્ટ તંત્રના કારણે ના છુટકે કોંગ્રેસ આવા કાર્યક્રમો કરે છે.
કોંગ્રેસના આગેવાનો ટ્રેકટરમા સિમેન્ટ, રેતી, કપચી લઈને ઠેર ઠેર ખાડા પુરવા દેસાઈવાડાથી વૈદ્યવાસ થઈ મંડળીના ઢાળ, જુમા મસ્જીદથી કબાનિયા દરવાજા થી આંબલીચૌટા બજાર થઈ અંબાજી માતા મંદિર સુધી ખાડા પુરવા જાતે માલ સામાન બનાવી કામ કરતા તમામ વેપારીઓ તથા લોકો સહકારમાં જોડાયા હતા.અગાઉ વેરા વધારાનો વિરોધ થતા વેરા વધારો પાછો ખેંચ્યો તે જ રીતે કોંગ્રેસે ખાડા પુરવાનુ શરુ કરતા પાલિકા તંત્રને શરમ આવતા ખાડા પુરવાનુ શરુ કર્યુ હતુ. ગત વર્ષે વરસાદી ખાડા પુરવા ૪૦ લાખની ગ્રાન્ટ આપી હતી. જેમા મીલી ભગત કરી ભ્રષ્ટાચાર કરાયો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર, શહેર પ્રમુખ ઉમરફારૂક સિંધી, વિજયભાઈ દેસાઈ, પ્રમોદભાઈ દેસાઈ, ખાનાભાઈ પરમાર, આલમખાન બહેલીમ, અભેરાજભાઈ ચૌધરી, પરબતજી ઠાકોર, નુરભાઈ મોમીન, અબ્દુલભાઈ ગાયકવાડા, નારીભાઈ સિંધી, ગુણવંતભાઈ દેસાઈ, પ્રકાશભાઈ દેસાઈ, કિરીટભાઈ દેસાઈ, સલુભાઈ સુમરા, નરેશજી ઠાકોર, પ્રકાશભાઈ પરમાર, મુકેશ લિમ્બાચીયા, કનુસિંહ પરમાર, રોહિતભાઈ ઓડ, બાબુભાઈ વણકર હેમરાજભાઈ દેસાઈ સહીત મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.