
ગુંજા છાપરામાં લોખંડનો ટંક ઉઠાવી રૂા.૧૬,૦૦૦ ની ચોરી પકડાયેલા ચોરે કહ્યુ પોલીસને મહિને હપ્તો આપુ છુ
અત્યાર સુધી પોલીસે દારૂ, જુગાર, ટ્રાફીકમાં હપ્તા લેતા હોવાનુ સાંભળ્યુ છે. જ્યારે વિસનગર તાલુકાના ગુંજા ગામમાં પકડાયેલ ચોરે પુછપરછમાં પોલીસને હપ્તો આપતો હોવાનુ કબુલતા પોલીસે કેટલી હદે નીતિમત્તા ગુમાવી છે તે જોવા મળે છે. એસ.પી. અને રેન્જ આઈ.જી. કક્ષાના અધિકારીએ આ બાબતે તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ. બે ઈસમ ચોરી કરવા આવ્યા હતા. જેમાંથી એક ચોર કાચા છાપરામાં મુકેલ પેટી લઈ પીકઅપ ડાલામાં નાસી જતા રૂા.૧૬,૭૦૦/- ની કિંમતની ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત પોલીસે તમામ નીતિમત્તા ગુમાવી છે. હવે તો ચોરો પાસેથી પણ રાત્રે શાંતિથી ચોરી કરવાનો હપ્તો લેવામાં આવે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થાના પાલન માટે જાહેરમાં સૂચનો કરે છે ત્યારે તેમનાજ ખાતાના પોલીસ કર્મચારીઓ અસામાજીક તત્વો અને ચોરો પાસે હપ્તા લેતા પ્રજાની સુરક્ષા જોખમમાં મુકાય છે. વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના બળદેવજી જીવણજી નથાજી ઠાકોર વિસનગર તાલુકાના ગુંજા રોડ ઉપર માતંગી ફાર્મની સામે છપરામાં રહે છે. જે માતંગી ટ્રાવેલ્સની ક્રેન ચલાવીને પરિવારનુ ગુજરાન કરે છે. બળદેવજી ઠાકોર રાત્રે તેમના છાપરામાં સુતા હતા ત્યારે અડધી રાત્રે બે અજાણ્યા ચોર આવીને છાપરામાં પડેલી પતરાની પેટી ઉપાડીને લઈ જતા હતા. અવાજ આવતા બળદેવજી ઠાકોર જાગી ગયા હતા અને ચોરની પાછળ પડ્યા હતા. જેમાં એક ચોર સાથે જપાજપી કરી પકડ્યો હતો. જ્યારે બીજો ચોર પતરાની પેટી લઈ જી.જે.૦૨ એક્સ એક્સ ૫૫૮૬ નંબરના પીકઅપ ડાલામાં બેસી જતો રહ્યો હતો. અડધી રાત્રે બુમાબુમ થતા આસપાસના ખેતરમાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને પકડાયેલા ચોર નાસી ન જાય તે માટે ઝાડ સાથે બાધી દીધો હતો.
પીકઅપ ડાલુ લઈને ચોરી કરવા આવ્યા હતા, એક ચોરી નાસી ગયો
ગુંજા ગામની સીમમાં છેલ્લા એક વર્ષથી ચોરીના ઉપદ્રવથી ખેડૂતો ત્રાસી ગયા હતા. પોલીસને જાણ કરવા છતા ચોર પકડાતો નહોતો. સવારે ગ્રામજનો એકઠા થતા ચોરની પુછપરછ કરતા તેણે પોલીસને મહિને ૧૦ થી ૧૫ હજારનો હપ્તો આપતો હોવાનુ જણાવ્યુ હતુ. રાત્રે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોવાથી હાઈવે ઉપર અવરજવર કરતા વાહનોની વૉચ રાખવા માટે પોલીસને નાઈટ પેટ્રોલીંગની જવાબદારી સોપવામાં આવે છે. ત્યારે પીકઅપ ડાલુ લઈને ચોરીનો સામાન હેરફેર કરતા ચોરો પકડાતા નથી તે ઉપરથી કહી શકાય કે પોલીસને હપ્તા આપતા હોવાની વાતમાં કંઈ દમ તો છેજ. ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરીને ચોરનો સોપ્યો હતો. લોખંડની પેટીમાં મુકેલ સોના ચાંદીના દાગીના તથા અન્ય ડૉક્યુમેન્ટ સાથે કુલ રૂા.૧૬,૭૦૦/- ની ચોરી થઈ હતી. બળદેવજી ઠાકોરની ફરિયાદ આધારે પોલીસે પકડાયેલ ચોર મુળ વડનગર ઘાંસકોળ દરવાજાનો અને હાલ સતલાસણા તાલુકાના વાવ ગામની બાલાજી સોસાયટીના મકાન નં.૨૨ મા રહેતો મલિન્દરસિંહ કિરપાલસિંહ ગુરૂબચ્ચનસિંહ સરદાર તથા અન્ય બે ઈસમો વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.