આઈ.ટી.આઈ.ઓવરબ્રીજની કામગીરીને લઈ જાહેરનામુ વિસનગરમાં બે વર્ષ સુધી ભારે વાહનોની અવરજવર બંધ
વિસનગર આઈ.ટી.આઈ.ફાટક ઓવરબ્રીજનુ કામ છેલ્લા એક માસથી શરૂ થયુ છે. ભારે વાહનોની અવર જવરના કારણે ખુબજ ટ્રાફીક રહેતો હોવાથી ડાયવર્ઝન માટેની માગણી હતી. પરંતુ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીના તહેવારના કારણે ટ્રાફીક માટેનું જાહેરનામુ પાડવામાં આવ્યુ ન હોતુ. દિવાળી બાદ તા.૯-૧૧-૨૦૨૪ના રોજ ટ્રાફીક માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવતા બે વર્ષ સુધી વિસનગરમાં ભારે વાહનોની અવર જવર બંધ રહેશે.
કાર્યકારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મહેસાણા શ્રી આર.આર.જાદવે વિસનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ન્ઝ્ર-૧૮ પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલુ કરવાની હોઈ, લોકોના જાનમાલને નુકશાન ન થાય તથા કામગીરીમાં અડચણો ન આવે તે માટે ગુજરાત પોલીસ (સને ૧૯૫૧ ના ૨૨ મા) અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) થી તેમને મળેલ સત્તાની રૂએ વિસનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલ LC-18 પર રેલ્વે ફાટક હાઈવે પરના ટ્રાફીક માટે જણાવેલ રૂટ મુજબ વાહનોને ડાયવર્ટ કરવા હુકમ ફરમાવેલ છે.
(૧) મહેસાણા થી વિસનગર થઈને વડનગર/ ખેરાલુ તરફ જતા મોટા વાહનો મહેસાણાથી ઉઝા થઈને વડનગર/ખેરાલુ તરફ જવું. (૨) મહેસાણા થી વિસનગર થઈને વડનગર/ ખેરાલુ તરફ જતા નાના વાહનો વિસનગર શહેર ખાતે મહેસાણા સર્કલ-સવાલા દરવાજા-બસ સ્ટેન્ડ-એમ.એન.કોલેજ આગળ થઈને વડનગર/ખેરાલુ તરફ જવું. (૩) વડનગર/ ખેરાલુ થી વિસનગર થઈ મહેસાણા જતા મોટા વાહનો વડનગર થી ઉંઝા થઈને મહેસાણા તરફ જવું. (૪) વડનગર/ ખેરાલુ થી વિસનગર થઈને મહેસાણા તરફ જતા નાના વાહનો એમ.એન.કોલેજ થઈને સવાલા દરવાજા- બસ સ્ટેન્ડ-મહેસાણા સર્કલ થઈને મહેસાણા તરફ જવું. (૫) ઉંઝા થી વિસનગર થઈને ગાંધીનગર તરફ જતા મોટા વાહનો ઉંઝા થી મહેસાણા થઈને ગાંધીનગર તરફ જવું. (૬) ઉંઝા થી વિસનગર થઈને ગાંધીનગર તરફ જતા નાના વાહનો કાંસા ચોકડી થી એમ.એન.કોલેજ રોડ થી સવાલા દરવાજા થઈ ગાંધીનગર તરફ જવું. (૭) ગાંધીનગર થી વિસનગર થઈને ઉઝા તરફ જતા મોટા વાહનો ગાંધીનગર થી મહેસાણા થઈને ઉઝા તરફ જવું. (૮) ગાંધીનગર થી વિસનગર થઈને ઉઝા તરફ જતા નાના વાહનો સવાલા દરવાજા થી એમ.એન.કોલેજ રોડ થઈ કાંસા ચોકડી થઈ ઉંઝા તરફ જવું.
આ જાહેરનામાનો અમલ પ્રસિધ્ધ થયા તારીખ ૦૯/૧૧/૨૦૨૪ ના રોજ થી તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધી રહેશે. આ જાહેરનામું એસ.ટી બસોને લાગુ પડશે નહી. આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંધન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ ઈ.ચા.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવાયુ છે.
નોંધપાત્ર બાબત છે કે, વિજાપુરથી વિસનગર થઈ ગાંધીનગર અને મહેસાણા તરફ ભારે વાહનોને અવર જવરમા કોઈ તકલીફ નથી. પરંતુ વિજાપુરથી વિસનગર થઈ ઉંઝા, વડનગર તરફ જતા ભારે વાહનો કડા ત્રણ રસ્તાથી આઈ.ટી.આઈ.ફાટકથી પસાર થતા હતા. આ ભારે વાહનોની દિપરા દરવાજા ત્રણ રસ્તા સવાલા દરવાજા, એમ.એન.કોલેજ ફાટકથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા તરફની અવર જવરથી શહેરમા ટ્રાફીક સમસ્યા ઉભી થવાની પુરે પુરી શક્યતા છે. બે વર્ષ સુધી આઈ.ટી.આઈ.ફાટક રોડ બંધ રહેશે ત્યારે વિજાપુરથી વડનગર, ઉંઝા તરફના ભારે વાહનોની અવર જવર માટે જાહેરનામામા કોઈ ઉલ્લેખ કરાયો નથી.