Select Page

પાલિકા વહીવટમાં હાવી થતા પ્રમુખ પતિને ઉપ પ્રમુખની થપ્પડ

રૂપલભાઈ પટેલનો આક્ષેપ-પ્રમુખ અને તેમના પતિ ૨૫ ટકા માગતા કોન્ટ્રાક્ટર ઉભી પુછડીએ નાસી જાય છે

હુમલો કરવાનુ રૂપલભાઈ પટેલનુ પૂર્વયોજીત કાવતરૂ હતુ-હર્ષદભાઈ પટેલ

જ્યારે જ્યારે અને જ્યા જ્યા પ્રમુખના પતિએ વહિવટ હાથમાં લીધો ત્યા ત્યા ડખા થાય છે. વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલે જ્યારથી પાલિકાનો વહિવટ હાથમાં લીધો ત્યારથી પાલિકામાં વિવાદો શરૂ થયા છે. પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પ્રમુખના પતિ હર્ષદભાઈ પટેલને થપ્પડ મારતા તેની ગુંજ ગાંધીનગર સુધી સંભળાઈ છે. જ્યારે ભાજપના સિનિયર આગેવાન રૂપલભાઈ પટેલની આ વર્તણુકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બન્ને પક્ષે જીલ્લા અને પ્રદેશ ભાજપ સુધી રજુઆત કરવામાં આવી છે. રૂપલભાઈ પટેલે પ્રમુખ અને તેમના પતિ વિરુધ્ધ ભ્રષ્ટાચારના જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની ખરેખર તપાસ થવી જરૂરી છે. જો આ રીતેજ ચાલશે તો એવો સમય આવશે કે વિસનગર પાલિકામાં કોઈ ટેન્ડર ભરવા તૈયાર થશે નહી અને વિકાસ અટકી પડશે.
વિસનગર પાલિકામાં ભાજપના શાસનનુ સવા વર્ષ પૂરૂ થવા આવ્યુ. ત્યારે હજુ સુધી વિકાસ કામ શરૂ થયા નથી પરંતુ વિવાદો તો ક્યારનાય શરૂ થઈ ગયા છે. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતા ગત બોર્ડનુ વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનુ શાસનને સારૂ કહેવડાવી રહ્યા છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની પાછળ તેમના પતિ હર્ષદભાઈ પટેલ આવતા થયા અને વહીવટમાં ડખલગીરી ચાલુ કરી ત્યારથી વિવાદો વધ્યા છે. આઉટશોર્સીંગના કોન્ટ્રાક્ટરનુ બીલ છેલ્લા બે માસથી અટકાવ્યુ છે. પ્રમુખની સુચનાથી બીલ મંજુર કરવામાં આવતુ નથી. જ્યારે સફાઈ વિભાગમાં એક કર્મચારી સફાઈ કામદારોને વ્યાજે પૈસા આપતા તથા શોષણ કરતા તેને છુટો કરવામાં આવ્યો હતો. જે કર્મચારીને પરત લેવામાં આવ્યો હતો. આ બન્ને બાબતે ઘર્ષણ વધ્યુ હતુ. આ બાબતે તા.૧૭-૫-૨૦૨૨ ના રોજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ગાંધીનગર ખાતેની ઓફીસમાં ભારે ચડભડ થઈ હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો. બીજા દિવસે બુધવારના રોજ પ્રમુખના પતિ હર્ષદભાઈ પટેલ પાલિકામાં હાજર હતા અને ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ પહોચતા બન્ને વચ્ચે ચડભડ થઈ હતી. જેમાં ઉપપ્રમુખે પ્રમુખ પતિને થપ્પડ મારી દીધી હતી. નજરે જોનારાઓના મતે થપ્પડ નહી પરંતુ થપ્પડો મારી હતી. આ બનાવને લઈ પાલિકા વર્તુળમાં તથા શહેરમાં ભારે ચકચાર જાગી હતી.
આ બનાવમાં પ્રમુખ પતિ હર્ષદભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પાલિકાના કેટલાક મહત્વના પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવો પડતો હોય છે. આઉટશોર્સીંગ અને કર્મચારીને છુટા કરવા બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને મળ્યા હતા. જેમાં તાત્કાલીક કામગીરી થાય તે માટે સુચન કર્યુ હતુ. પ્રમુખને મોતીયાનુ ઓપરેશન કરાવ્યુ હોવાથી તડકામાં નિકળી શકે નહી તે માટે ચીફ ઓફીસરે મને પાલિકામાં બોલાવ્યો હતો. ચીફ ઓફીસર પાસે ચર્ચા કરી પ્રમુખની સહી લેવા પટાવાળાને ઘરે મોકલ્યો હતો. હું પાલિકા કર્મચારીઓ સાથે પ્રમુખની ઓફીસમાં બેઠો હતો તે સમયે રૂપલભાઈ પટેલ આવી કેમ અહી બેઠો છે તેમ કહી અપશબ્દો બોલી લાફાલાફી કરવા લાગ્યા હતા. અગાઉ પણ મને ધમકી મળી હતી જે બાબતે કેબીનેટ મંત્રી તથા શહેર પ્રમુખને જાણ કરી હતી. પૂર્વયોજીત કાવતરૂ કરી રૂપલભાઈ પટેલે હુમલો કર્યો છે. જે બાબતે પાર્ટીને રજુઆત કરી છે. પાર્ટી આદેશ આપશે તે પ્રમાણે કરીશુ.
તા.૧૮-૫-૨૦૨૨ ના રોજ બુધવારે બપોરે પાલિકામાં બનેલી આ ઘટના બાબતે ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, માર્ચ-૨૦૨૧ ના રોજ પાલિકામાં બોર્ડની શરૂઆત થઈ ત્યારથી સાથે રહીને વહીવટ કર્યો છે અને સારો વહીવટ કરવા કટીબંધ છીએ. મહિલા પ્રમુખ હોવાથી સારો વહીવટ થાય તે માટે પાર્ટીએ ઉપપ્રમુખની જવાબદારી આપી હતી. પાલિકાનો વહીવટ સારો ચાલતો હતો. પરંતુ છેલ્લા છ માસથી પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલ પાલિકા વહીવટમા ઓતપ્રોત બની ગયા છે. પાર્ટીએ આદેશ કર્યો છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ સુચન કર્યુ છેકે જીઁ એટલે સરપંચ પતિએ વહીવટ કરવાના બંધ કરવા જોઈએ. જે પાલિકાના મહિલા પ્રમુખના પતિને પણ લાગુ પડે છે. પ્રમુખના પતિ વહીવટમાં મદદરૂપ થવાના બદલે વહીવટ કબજે કરી કોઈને ગાઠતા નહોતા અને મનસ્વી વહીવટ શરૂ કર્યો હતો. ભાજપ માટે ૩૫ વર્ષ જીવન આપ્યુ છે. પાર્ટીની ઈમેજ ખરાબ થતી હોય તે ચલાવી લેવા માગતો નથી. રૂપલ પટેલ પતી જશે તો ચાલશે પરંતુ પાર્ટીની ઈમેજ તો ખરાબ નહીજ થવા દઉં.
રૂપલભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીની ઈમેજ ખરાબ થાય તે રીતે હર્ષદભાઈ પટેલે ગોરખધંધા શરૂ કર્યા હતા. કોન્ટ્રાક્ટરોના બીલો ઘરે મંગાવી દબાવી રાખતા હતા. બીલ માટે કોન્ટ્રાક્ટર પાલિકામાં આવે તો ચીફ ઓફીસર જણાવતા હતા કે મારી પાસે બીલ આવ્યુ નથી તમે પ્રમુખને મળો. કોન્ટ્રાક્ટર પ્રમુખને ફોન કરે તો ફોન ઉપાડતા નથી. ફોન હર્ષદભાઈ પટેલના ફોન ઉપર ડાયવર્ટ કરેલા હોય છે. હર્ષદભાઈ પટેલ સખી મંડળની ઓફીસમાં કોન્ટ્રાક્ટરને મળવા બોલાવે. કોન્ટ્રાક્ટરને મોબાઈલ ફોન બહાર મુકીને હર્ષદભાઈ પટેલને મળવા જવાનુ. મને એ કહેતા શરમ આવે છે અને માથુ શરમથી નીચુ નમી જાય છેકે, કોન્ટ્રાક્ટરના બીલો પાસ કરાવવા હર્ષદભાઈ પટેલે છેલ્લે ૨૫ ટકા સુધી માગણીઓ કરે છે. કોન્ટ્રાક્ટરોને સાચવવા પડે છે તેવુ પણ જણાવે છે. કોર્પોરેટરો માગતા હોય તો હર્ષદભાઈ પટેલ નામ જાહેર કરે તેમની ઉપર પાર્ટી એક્શન લેશે. રૂા.૧૨ કરોડના ટેન્ડર નથી ભરાતા તે માટે ફક્તને ફક્ત પ્રમુખ અને તેમના પતિ જવાબદાર છે. એ પણ આક્ષેપ કરાયો છે કે પાંચ ટકાથી ૨૫ ટકા કમિશન માગતા કોન્ટ્રાક્ટર ઉભી પુછડીએ નાસી ગયા છે. આવો ભ્રષ્ટ વહીવટ ચલાવી લેવાનો નથી. આ માટે પાર્ટીને જે જવાબ આપવો પડશે તે આપીશ. પાલિકામાં ભ્રષ્ટાચારી વહીવટ શરૂ થતાની સાથે પ્રમુખની ઓફીસમાંથી મારૂ ટેબલ અને ખુરશી બહાર કઢાવી દીધી હતી. ભ્રષ્ટાચારમાં ભાગીદાર થવુ નહોતુ એટલે દોઢ મહિનાથી પાલિકાનુ પગથીયુ પણ ચડ્યો નહોતો.
થપ્પડ માર્યાના બનાવ બાબતે રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મારી મિલ્કતના વેરા બીલમાં ભુલ હતી એટલે પાલિકામાં ગયો હતો. પ્રમુખની ચેમ્બરમાં ગયો ત્યારે હર્ષદભાઈ પટેલ પ્રમુખની ખુરશીમાં બેઠા હતા. જે એમનો અધિકાર નથી. પ્રમુખની ખુરશીમાં બેઠા હોવાથી હર્ષદભાઈ આવી રીતે વહીવટ ન થાય. આવી રીતે ડીસ્ટર્બ કરો તે યોગ્ય નથી. ત્યારે નિકળવાનુ કર છાનોમાનો એમ કહી ગાળો બોલતા બોલાચાલી થઈ હતી. હર્ષદભાઈ પટેલની ભૂતકાળની કર્મકુંડળી યાદ કરતા રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આ હર્ષદભાઈ પટેલે અર્બન ક્રેડીટ સોસાયટીમાં રૂા.૪ કરોડની ખાયકી કરી છે. જે કેસોમાં જેલમાં ગયા છે. ત્યારબાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પી.એ. તરીકે હતા. જ્યા એક પોલીસ કેસમાં કટકી કરી હતી. જે ઋષિભાઈ પટેલની ધ્યાને આવતા હર્ષદભાઈ પટેલને તાત્કાલીક છુટા કર્યા હતા. ત્યાથી છુટા થઈ જીતુભાઈ પટેલના તિરૂપતી ફાઉન્ડેશનમાં ગેરીરીતી કરી હતી. જીતુભાઈ પટેલે કાઢી મુક્યા હતા. રૂપલભાઈ પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સખી મંડળની સુખડી વહેચવાના પૈસામાં પણ ખાયકી કરી છે. હર્ષદભાઈ પટેલની માનસીકતા છે કે ભ્રષ્ટાચાર કરવો અને ખાયકી કરવી. જે કોર્પોરેટર ભ્રષ્ટાચાર કરતો હોય તેને પકડો અને મેથીપાક આપો ત્યારેજ ભ્રષ્ટાચાર બંધ થશે. રૂા.૬૦ લાખના ઓ.ડબ્લ્યુ.સી.ના ચાર મશીનનુ પેમેન્ટ નહી કરવા પણ પાલિકામાં લેટર આપ્યો છે. જે પેમેન્ટ કરશે તે અધિકારી અને પદાધિકારીની જવાબદારી રહેશે. રૂપલભાઈ પટેલે એ પણ જણાવ્યુ છેકે, પ્રમુખ મોતીયો ઉતરાવ્યા બાદ સખી મંડળની મીટીંગોમાં જઈ શકે છે. ત્યારે પાલિકાના વહીવટના કામે તેમના પતિને કેમ મોકલે છે. હું કહુ એ બધુ સાચુ નહી માનવુ. વોર્ડના કોર્પોરેટરોનો પણ અભિપ્રાય લેવો જેથી વધારે ખબર પડશે કે વહીવટમાં શુ ગોરખધંધા ચાલે છે.
પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે કરેલા આક્ષેપો ખરેખર ભાજપ માટે શરમજનક છે. આ બાબતે તપાસ કરવી જોઈએ. જો આ રીતેજ ચાલશે તો શહેરનો વિકાસ અટકી જશે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો લાભ લઈ વધુમાં વધુ વિકાસ કરવાની જગ્યાએ પાલિકાના વિવાદોએ શહેરના વિકાસની ઘોર ખોદી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us