ખેરાલુ તાલુકા પંચાયતમા પ્રમુખ વસુબેન ઠાકોર ઉપપ્રમુખ પ્રવિણાબેન ચૌધરી ચુંટાયા
કારોબારી ચેરમેન મુદ્દે પડેલી મડાગાંઠ ધારાસભ્યએ ઉકેલી નાંખી
ખેરાલુ તાલુકા પંચાયતની ચુંટણીમા ભાજપના ૯ સાથે ૧ અપક્ષનુ સંખ્યાબળ હતુ જયારે કોંગ્રેસ પાસે માત્ર છ સભ્યોનુ સંખ્યાબળ હોવાથી ભાજપના પ્રમુખપદ માટે કોઈ મડા ગાંઠ હતી જ નહી અઢી વર્ષ પૂર્વે ખેરાલુ તાલુકા પંચાયતની ચુંટણી થઈ ત્યારે ભાજપે ૯સીટો જીતી હતી. જેમા ચાર ચૌધરી સભ્યો, ચાર ઠાકોર સભ્યો અને એક પ્રજાપતિ સભ્ય ચુંટાયા હતા. જેમા મંદ્રોપુર સીટના અપક્ષ કાજલબેન જસુભાઈ ચૌધરીએ ભાજપને સમર્થન કરતા ચૌધરી સમાજનુ ભાજપમાં સંખ્યાબળ વધ્યુ હતુ. તે વખતે એવી ફોરમ્યુલા નક્કી થઈ કે પહેલા અઢી વર્ષ પ્રમુખપદે ચૌધરી સમાજે લેવા બીજા અઢી વર્ષ ઠાકોર સમાજને આપવા, જેથી પ્રમુખ કોણ બનશે તે બાબતે કોઈ મડા ગાંઠ હતી જ નહી ઉપપ્રમુખ ચૌધરી સમાજને આપવાનુ હોવાથી ત્યાં પણ કોઈ પ્રશ્ન નહોતો પરંતુ કારોબારી ચેરમેન પદ વચ્ચે મડા ગાંઠ ઉભી થતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે મડા ગાંઠ ઉકેલી હતી.
કોંગ્રેસ દ્વારા પ્રમુખપદે કૈલાસબેન રણજીતસિંહ પરમાર નંદાલી અને ઉપપ્રમુખ પદે ઉષાબેન જે.પરમાર ચાડાનુ મેન્ડેટ રજૂ થયુ હતુ. જયારે ભાજપ દ્વારા વસુબેન ભુપતજી ઠાકોરને પ્રમુખપદ તથા પ્રવિણાબેન વિનુભાઈ ચૌધરી અરઠીને ઉપપ્રમુખ પદનુ મેન્ડેટ રજૂ થયુ હતુ. જેમા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ૬ વિરૂધ્ધ ૧૦ મતથી વિજેતા જાહેર થયા હતા. ઠાકોર સમાજના વસુબેન ઠાકોરની જીત થતા તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી તેમજ વડનગરના ઉત્તમભાઈ પટેલે જયશ્રી રામના નારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. ચુંટણીમા રસાકસી ન હોવાથી ઠાકોર સમાજની સંખ્યા જોઈએ તેટલી એકત્રીત થઈ નહોતી ભાજપ દ્વારા હિરાબેન મહેશભાઈ પટેલને કારોબારી ચેરમેન તથા પક્ષના નેતા તરીકે અમૃતાબેન નિકુલસિંહ ઠાકોરને જાહેર કર્યા હતા.
ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરી કે જેને પદ મળ્યા છે તેમને ફરીથી રિપીટ કરવામા નહી આવે જેથી બે ઠાકોર અને બે ચૌધરી સમાજના સભ્યો બબુબેન ચૌધરી (ચાસણોલ), સેંધાજી ઠાકોર(કુડા), અસ્મીતાબેન ચૌધરી (પાન્છા) અને બાબુજી ઠાકોર (વિઠોડા)નુ નામ હરીફાઈમાંથી નીકળી ગયુ હતુ. ઠાકોર સમાજના અમૃતાબેન (મંડાલી) એ કોઈપણ પદ લેવાની ના કહી હતી. જેથી ડભોડાના વસુબેન ભુપતજી ઠાકોરને સરળતાથી પ્રમુખ પદ મળી ગયુ હતુ. ઉપપ્રમુખપદ તથા કારોબારી ચેરમેન માટે ચર્ચા થઈ જેમા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ ખેરાલુ તાલુકાની ત્રણ જિલ્લા સીટ પ્રમાણે વહેચવાનુ નક્કી કરાયુ. કારોબારી ચેરમેન પદ માટે મંદ્રોપુર સીટના અપક્ષ કાજલબેન ચૌધરીએ દાવેદારી કરતા મડા ગાંઠ સજાઈ હતી. છેવટે કાજલબેન અને મલેકપુર સીટના હિરાબેન મહેશભાઈ ચૌધરી વચ્ચે સમાધાન થતા કારોબારી ચેરમેન પદ હિરાબેન ચૌધરીને અપાયુ હતુ. ઉપપ્રમુખ પદ ડભાડ જિલ્લા સીટમાં અરઠી તાલુકા પંચાયત સીટના પ્રવિણાબેન ચૌધરીને ઉપપ્રમુખ પદ મળ્યુ હતુ. ત્રણ -ચાર દિવસની ભારે ચર્ચાઓ પછી પ્રમુખ, ઉપપ્રમુખ, અને કારોબારી ચેરમેનપદ નો મેન્ડેટ ફાઈનલ થયો હતો.