કાર્યવાહી આખરી પ્રોસીડીંગમાં પણ પાંચ થી સાત વાંધા સૂચનનો નિકાલ થતો નથી વિસનગર બાયપાસ જિલ્લા વહિવટી તંત્રની નિરસતાથી ખોરંભે
ગુજરાતી કહેવત પ્રમાણે બાર વર્ષે બાવો બોલ્યો પછી ભલે તે અવળવાણીજ કેમ ન બોલે. વિસનગર બાયપાસ હાઈવેનુ કામ બાર વર્ષથી ચાલી રહ્યુ છે પણ અધિકારીઓની નિરસતાથી કામ બોલતુ નથી. બાયપાસ હાઈવેનુ કામ આખરી પ્રોસીડીંગમાં છે પરંતુ જિલ્લા વહિવટી તંત્ર પાંચ સાત વાંધા સુચનોનો નિકાલ નહી કરી શકતા કામ આગળ વધતુ નથી. સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારની મહત્વની મીટીંગોમાં હાજરી આપી નિર્ણયો લઈને સરકાર ધમધમાવે છે. જ્યારે વિસનગર બાયપાસ હાઈવેનુ કામ ધમધમાવી શકતા નથી તે પણ એક હકીકત છે.
આનંદીબેન પટેલ માર્ગ મકાન વિભાગના મંત્રી પદે હતા તે સમયે વર્ષ ૨૦૧૨ માં વિસનગર બાયપાસ હાઈવેના સર્વે માટે રૂા.૭ કરોડ ફાળવ્યા હતા. ત્યારબાદ વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા ત્યારે બાયપાસની અભરાઈએ ચડી ગયેલી ફાઈલ ઉપરથી ધુળ ખંખેરી કાર્યવાહી આગળ ધપાવી હતી. વિધાનસભાની ચુંટણી પ્રચારમાં ફતેહ દરવાજામાં યોજાયેલ સભામાં ઋષિભાઈ પટેલે બાયપાસની પ્રક્રિયા નવી સરકારમાં આગળ ધપાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ. નવી સરકારની રચનામાં ઋષિભાઈ પટેલે કેબીનેટ મંત્રી પદે શપથ લીધા બાદ આપેલા આશ્વાસન પ્રમાણે જમીન સંપાદનની પ્રક્રિયાના જાહેરનામા પ્રસિધ્ધ થયા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી જિલ્લા વહિવટી તંત્રની નિરસતાથી બાયપાસની ફાઈલ ફરી અભરાઈએ ચડી હોય તેમ જણાય છે.
અત્યારે આઈ.ટી.આઈ. બ્રીજના કારણે શહેરમાં ટ્રાફીક ભારણ વધતા લોકોના મુખે એકજ ચર્ચા થઈ રહી છેકે, જો ઋષિભાઈ પટેલે બાયપાસ બનાવી દીધો હોત તો ટ્રાફીકની આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત. જાણવા મળ્યા પ્રમાણે જમીન સંયુક્ત નામે ચાલતી હોય તો કોને વળતર આપવુ તેવા કેટલાક વિવાદ છે. એકથી વધારે નામ ચાલતા હોય તેવા ખેડૂતોને બોલાવી ગમે તે એક નામે વળતરની સંમતીનુ સોગંદનામુ લઈ શકાય તેમ છે. આ સીવાય જમીન સંપાદનની પ્રક્રિયામાં વિલંબ થતા ૭-૧૨ મા જ્યા એકજ નામ ચાલતુ હતુ. તેમાં બીજા નામ ઉમેરાતા પાનીયા અલગ થયા છે. વિસનગર મામલતદારમાં પાનીયા અલગ કર્યા હોવાથી જેની ડી.આઈ.એલ.આર.માં નોધ પડી નથી. કાયદેસરની પ્રોસેસમાં પ્રથમ ડી.આઈ.એલ.આર.માં પૈકીકરણ કરવાનુ થાય છે. ડી.આઈ.એલ.આર.માંથી જાણ કર્યા બાદ મામલતદારે પાનીયા અલગ કરવાની નોધ કરવાની થાય છે. આવા કેટલાક વિવાદોમાં જમીન સંપાદનમાં જાણવા મળ્યા પ્રમાણે પાંચ થી સાત વાંધા સુચનો આવ્યા છે. જમીન સંપાદનમાં આટલા વાંધા સૂચનો વધારે કહેવાય નહી પરંતુ ડી.આઈ.એલ.આર. કચેરી તેમજ વિસનગર માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ ઉંઘતા રહેતા વાંધા સૂચનોનો નિકાલ થતો નથી અને બાયપાસ હાઈવેની પ્રક્રિયાની ખોરંભાઈ છે.
જમીન સંપાદન કરી તેની ૭/૧૨ ના ઉપરામાં નોધ પડી ગઈ છે. ખેડૂતોને વળતર માટે બનેટની જોગવાઈ પણ થઈ ગઈ છે. કાર્યવાહી આખરી પ્રોસીડીંગમાં છે પણ વળતરના હુકમ થાય તો બાયપાસનુ કામ આગળ વધે તેમ છે. જમીનમાં ફેરબદલ કરવી નહી તેવુ જાહેરનામુ પડ્યા બાદ બે વર્ષથી કામગીરી આગળ નહી વધતા હવે ખેડૂતો પણ કંટાળ્યા છે. જમીન વેચી શકતા નથી કે ફેરબદલ કરી શકતા નથી. આઈ.ટી.આઈ. બ્રીજની મુદત બે વર્ષની છે. પણ સરકારના કોન્ટ્રાક્ટરમાં ક્યારેય મુદતમાં કામ થયુ નથી. ત્યારે કેબીનેટ મંત્રી શ્રી ઋષિભાઈ પટેલ બાયપાસ હાઈવેનુ કામ યુધ્ધના ધોરણે કરાવે તેવી ખેડૂતો તેમજ શહેરીજનો આશા રાખી રહ્યા છે.