
ગંજબજાર ફાટક રોડ પાસેના ખાડા પુરાતા નથી પાલિકા લોકોની સમસ્યા નિવારણમાં નિષ્ફળ-શામળભાઈ દેસાઈ

વિસનગરમાં ગંજબજાર ફાટક રોડની બન્ને બાજુના ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ ઠાલવ્યો છે કે, વડનગરમાં યોજાતા કાર્યક્રમોમાં આવતા વીઆઈપીઓ માટે પાલિકા યુધ્ધના ધોરણે કામ કરે છે. પરંતુ ફાટક રોડની સાઈડના ખાડા પુરવા માટે વારંવાર રજુઆત કરવા છતા ખાડા પુરવામાં આવતા નથી. શહેરમાં ટ્રાફીક સમસ્યા વધી છે ત્યારે નગરજનોના હિતમાં તાત્કાલીક નિર્ણય કરવામાં પાલિકા નિષ્ફળ નિવડી છે. ભાજપનુ બોર્ડ મત લક્ષી અને ચુંટણી લક્ષીજ વિકાસ કરે છે. જ્યારે સામાન્ય ખર્ચમાં ખાડા પુરવા જેવી કામગીરી કરતી નથી.
ગંજબજાર ફાટક બંધ થાય છે ત્યારે બન્ને બાજુ પુષ્કળ પ્રમાણમાં ટ્રાફીક જામ થઈ જાય છે. ઘણી વખત તો દશ થી પંદર મિનિટ સુધી વાહન ચાલકો ફસાય છે. ફાટકની બન્ને બાજુના રોડની સાઈડમાં ખાડા છે. રોડથી રેલ્વેની રેલીંગ વચ્ચેની ત્રણ ફૂટ જેટલી સાઈડમાં ખાડા હોવાથી ટ્રાફીક દરમ્યાન વાહન ચાલક પસાર થઈ શકતા નથી. બન્ને બાજુના ખાડા પુરવામાં આવે અને રોડની પહોળાઈ વધે તો વાહન ચાલકોને સાનુકુળતા રહે તેમ છે. આ બાબતે પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ ઠાલવ્યો છેકે ગંજબજાર ફાટક રોડની બન્ને બાજુના ખાડા પુરવા માટે પ્રમુખ તથા ચીફ ઓફીસરને વારંવાર રજુઆત કરી છે. ખાડા પુરવાથી રોડ પહોળો થાય તેમ છે પણ ભાજપના આ બોર્ડને વાહન ચાલકોની મુશ્કેલી દેખાતી નથી. એક ફૂટ જેટલા ખાડાના કારણે વાહનો સાઈડમાં કરી શકાતા નથી. રોડ સાઈડમાં ત્રણ થી ચાર ફૂટ જેટલી જગ્યા વપરાશ વગરની પડી રહી હોવાથી ફેરીયા બેસતા હોવાથી ટ્રાફીકમાં અડચણરૂપ બને છે. આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજના કારણે હાઈવે બંધ હોવાથી વાહનોની શહેરમાં અવરજવર વધતા રેલ્વેના સમયે ગંજબજાર ફાટક ઉપર ડબલ ટ્રાફીક થાય છે. ખાડા પુરાય તો ફાટકની બન્ને બાજુનો રોડ પહોળો થાય તેમ છે. પરંતુ પાલિકા તંત્ર ખાડા પૂરતુ નથી. જ્યારે વડનગરના કાર્યક્રમમાં વીઆઈપીઓ પસાર થવાના હોવાથી હાઈવેના ખાડા તાત્કાલીક પુરવામાં આવે છે અને હાઈવેની સફાઈ કરવામાં પણ આવે છે.
શામળભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યુ છેકે પાલિકામાં એકધારી સત્તા મળવાના કારણે ભાજપ શાસીત પાલિકાને શહેરના નાગરીકોની કંઈ પડી નથી. આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં શહેરના ટ્રાફીક નિવારણ માટે મીટીંગો થાય છે. પરંતુ તેનુ કોઈ પરિણામ જોવ મળતુ નથી. અધિકારીઓની મીટીંગો થાય છે પણ ફાટકના રોડની સાઈડના ખાડા પુરવા જેવી પાલિકા હસ્તકની કાર્યવાહી જો ન થતી હોય તો બીજી તો શુ આશા રાખી શકાય? એમ.એન.કોલેજ રોડ ઉપર અને સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાસે વારંવાર ટ્રાફીક થાય છે. જેનો પણ કોઈ ઉકેલ આવતો નથી. બ્રીજ બનતા બે થી અઢી વર્ષનો સમય થશે. જ્યારે પાલિકા અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા વિસનગરના લોકો અત્યારે પીસાઈ રહ્યા છે.